ડુંગળી જેવો પ્રેમ એટલે કોઈ પણ ડિશને કોમ્પ્લિમેન્ટ કરતો પ્રેમ!

ત્ક્રાંતિની સદીઓ પછીયે માણસના સ્વભાવમાં રહેલી જાનવર-વૃત્તિ ઘટી નથી. આગળ જતાં હાલત આજના કરતાં બદ્દતર હોય, પણ આને સમાંતર માણસ કુદરતી રીતે જ પ્રેમ કરવાની શક્તિ લઈને જન્મ્યો છે. આ એ જ શક્તિ છે જે માણસમાં રહેલી જાનવર વૃત્તિને હારનેસ કરતી આવી છે. માણસનું હોવું જ પ્રેમનું સાક્ષાત પગરણ છે.

પ્રેમ કરવું કોઈ પણ સંજોગોમાં સામાન્ય તો નથી જ. ચાહે એ પન્નાલાલ પટેલની ‘વાત્રકના કાંઠે’માં બલિદાન માગતો પ્રેમ હોય, પૃથ્વીવલ્લભનો ‘લવ એન્ડ વોર’ ટાઈપનો પ્રેમ હોય કે પછી સરસ્વતીચંદ્રનો પાગલપણા સુધી દોરી જતો બાહોશ પ્રેમ હોય! પ્રેમ એના દરેક રૂપમાં ખાસ જ હોય છે. અસલ જીવનનો પ્રેમ નવલકથાના પ્રેમ કરતાં અલગ હોય તોયે એના લક્ષણ તો ‘પ્રેમ’ના  જ! ‘વેલેન્ટાઈને ડે’માં ‘આઈ લવ યુ’ વાળી ફોર્માલિટી કરી લઈએ, પણ આ કહેવા ચોક્કસ દિવસ શા માટે? રોજ ન કહી શકાય?  મુદ્દો આ કહેવું કે ન કહેવું કે એ નથી. પ્રેમ તો બારેમાસ ઉજવાતો રહેવો જોઈએ જેથી જિંદગી ઉત્સવ બની જાય. હા, જરૂરી નથી કે એ ગિફ્ટરેપમાં પેક થઈને જ આવે. આ તો રહી પ્રેમની ફિલોસોફીકલ વાતો પણ વાસ્તવિક જીવનમાં આટલા ઉચ્ચ સ્તરે પહોંચવું દરેક માટે શકય નથી. સેંકડો લોકો સો કોલ્ડ ‘રિલેશનશિપ’ની નૌકામાં બેસીને જ પ્રેમપ્રવાસ સાધતાં રહે છે. સામાન્ય જિંદગીમાં પ્રેમ એટલો સહજ થઈને ગોઠવાઈ જાય છે કે એણે જિંદગી એકદમ ખાસ બનાવી દીધી છે ખ્યાલ જ નથી રહેતો.

આવા પ્રેમની વાત માંડતા પહેલાં કેરલ એન. ડફીની આ કવિતા જ યાદ કરીએઃ

અહીં એવા પ્રેમીની વાત છે જેને પોતાના પ્રિયજનને ડુંગળી આપવામાં રસ છે. ડુંગળીના ભાવ જે રીતે વધ-ઘટ થાય છે એ જોતાં અત્યારે તો એ પણ મોંઘી મિરાત જ છે પણ અહી ડુંગળી ‘સહજ પ્રેમ’ના પ્રતિક રૂપે લેવાઈ છે. નકાબકોશ મહેબૂબાના મુખની જેમ ઉપરનું કથ્થઈ પડ ખોલતા જ અંદર રહેલા ચંદ્રનું દેખાવું એની ખાસિયત. જેમ પ્રેમક્રીડામાં અનાવૃત થવાની ઘટનામાં એક પ્રકારની નજાકતતા રહેલી છે, એમ આ ઘટના પણ આહલાદક છે. ડુંગળીની તીખાશથી આવતા આંસુ વિરહ અને ચરમસુખના આંસુ જેવા જ. પ્રિયજન માટે વહાવેલ આંસુ પીડાદાયક હોય તોયે અંતરમાં સંતુષ્ટિની લાગણી જ અનુભવાય! અહી પ્રેમી અપેક્ષાનું પડીકું નથી બની જતો, પણ શક્ય એટલી હકીકત પીરસે છે. ‘ડુંગળી જ શું કામ?’ – કારણ એટલું જ કે  ડુંગળીની તીવ્ર ગંધ શ્વાસોમાં રહી જાય છે, જેમ બે પ્રેમીઓના એક્મેકમાં ભળ્યાં પછી એમના શ્વાસની સુગંધ શરીરમાંથી ફોર્યાં કરે છે.  આ તીખી ગંધ પ્રિયજનના મધુર અહેસાસ જેવી જ તીવ્ર છે જાણે ‘આઈ એમ ટેકન’નો આગાઝ કરતી હોય! ‘-હવે એના સિવાય બીજું કોઈ નહી-‘ ‘હવે એના સિવાય હું કોઈની નહી’! આ ક્ષણરૂપી ગંધ બાહ્યજગત માટે વર્જ્ય થઈ ગઈ છે. ડુંગળીના છૂટા પડતાં પડો ‘વેડિંગ રિંગ’ બની આંગળીથી લઈ છરીની ધાર સુધી પોતાની ગંધ છોડી દેશે. અર્થાત જીવનની તીક્ષ્ણ ક્ષણોમાં પણ પ્રેમની તીવ્ર ગંધ ફેલાતી રહેશે. પ્રેમ જે સહજ છે –સાવ જ ડુંગળી જેવો! કોઈ પણ ડિશને કોમ્પલિમેન્ટ કરતો પ્રેમ! આરોગવાની ક્રિયા જેટલો સહજ, જરૂરી!

આપણું સાહિત્ય માનવહદયની પ્રેમક્રીડાનું પ્રતિબિંબ મોહવશ ઝીલતું રહ્યું છે, એટલે જ અત્યારે ગુજરાતી સાહિત્યની એક વેંતઊંચેરી કૃતિની વાત કરવી છે. એ છે –  જયંતિ દલાલની વાર્તા, ‘આભલાનો ટુકડો’.  આ અદભુત કૃતિ સાહિત્યિક મૂલ્યો તો પાર કરે જ છે, પણ સામાન્ય દેખાતા પ્રેમની અદભુત લીલાઓ કંડારવામાં પણ એટલી જ સફળ છે. એવો પ્રેમ જે ડુંગળી જેવો સામાન્ય દેખાય છે, પણ પોતાનામાં એટલો વિરલ છે કે આકાશનો એક ટુકડો જ બની જાય છે.

આવો વાર્તામાં –

એક સીધું-સાદું યુગલ રમણ અને દક્ષા સાવ જ સામાન્ય કહેવાતા લગ્નજીવનમાં સુખદ ક્ષણો કંડારતાં કલાકારો પૂરવાર થાય છે. પ્રિયતમ આરસી જેવો હોય છે એનામાં પોતાને જોવાની અને પોતાનામાં એને જોવાની મજા જ અલગ હોય છે. એટલે જ કદાચ બે વ્યક્તિઓ વર્ષો સુધી એકબીજાના સહવાસમાં રહ્યા પછી લગભગ સરખા દેખાય છે.

વાર્તાના પહેલા જ ફકરાનો સંવાદ બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી જણાવે છે.

‘રમણની ના છતાં દક્ષાએ બે દાદરા ચડીને પાણી ભરવું પડે એવું હોવા છતાંય, ત્રીજા માળની બે ઓરડી પસંદ કરી. રમણને લાગ્યું કે દક્ષા નાહકનો મહિને ત્રણ રૂપિયાનો લોભ કરી રહી છે.’

આ બે વાક્યો બન્ને બાજુના પ્રેમનું સફળ મંડાણ કરે છે. અગવડતા ભોગવીનેય બીજા વિશે વિચારતા રહેવાના સુખની જાહોજલાલી તો પ્રેમમાં જ હોયને? અહીં રજૂ થતાં ઠપકામાં પણ પ્રેમ વરસે છે.  ના, આ વાર્તા સુખી લગ્નજીવનનું વૃતાંત માત્ર નથી. અહી એ વાતો થાય છે જે બે પ્રેમીઓ એકબીજા સાથે સાવ જ સહજ રીતે કરી લેતા હોય છે. પ્રેમની આ સહજતા જ એની ખરી શુદ્ધતાને! ‘શુદ્ધ પ્રેમ’ આજના જમાનામાં વેવલા શબ્દો ભલે લાગે, પણ ચાહે એ પતિ-પત્નીનો પ્રેમ હોય કે બોય ફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનો,  લિવ ઈન રિલેશન્સ હોય કે એકસ્ટ્રા મેરિટલ અફેર! કપરા સંજોગો ને કઠોર સંસાર વચ્ચે આવા શુદ્ધ પ્રેમનું આ પત્તું એ જ માનવ માત્રનું તરણું!

અબોલકા અને તરંગી રમણને દર-દુનિયાનું ખાસ જ્ઞાન નહોતું છતાંય એની આકાશ સામે જોવાની આદત દક્ષાને નોખી લાગતી. (કહો કે, પ્રેમ એટલે કોઈને પોતાના અસ્તિત્વમાં રંગની જેમ ભેળવી દેવું.) સામે રમણ હાથમાં પાણીનો લોટો લેતાં જ પગથિયે-પગથિયે હાંફીને દાદરા ચડતી પત્નીને કલ્પી પાણી વાપરવાનું ટાળી દેતો. (કહો કે, પ્રેમ એટલે પોતાની સાથે-સાથે બીજી વ્યક્તિને પણ જીવી લેવાની આવડત.)

રમણની નોકરીનું છૂટવું, બંગલીનું ન હોવું, બધું દક્ષા માટે અપ્રસ્તુત. અતિ સામાન્ય પરિસ્થિતિમાં પણ જાજરમાન લાગણીના ટેકે ‘સુખિનો ભવન્તુ’નો માંડવો  રોપાયેલો જ રહે  છે. જીવનની સાચી મજા આ સૂક્ષ્મ ક્ષણોમાં જ છે. જ્યારે વ્યક્તિ આટલી સહજતાથી પ્રેમ કરી શકતી હોય તો પછી સંજોગો એનું શું બગાડવાના?

અંધકારમાં પણ નવા સૂર્યની જેમ દૈદીપ્યમાન રહેવું પ્રેમનો મુખ્ય ગુણ છે.  એટલે જ તો દુનિયા આખી ‘પ્રેમની દીવાની’. આને ફક્ત શરીરના આવેગ તરીકે જોવાની જે લોકો ભૂલ કરી ચૂક્યા છે એ કાં તો પ્રેમને પામ્યા જ નથી કાં તો પ્રેમના રસ્તે ઠોકર ખાધેલા છે. આમ જોઈએ તો સંબંધોના માપદંડે પ્રેમ કરવો આપણા સમાજની પ્રકૃતિ છે, પણ ખરેખર જોઈએ તો પ્રેમ વગર કોઈ સંબંધમાં ગરીમા જ ક્યાં હોય છે?

(સમીરા પાત્રાવાલા)