14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન-ડે. છેલ્લા થોડા વર્ષોથી આપણે આ પ્રેમના ઇઝહારનું પર્વ ઉજવતા થયા છીએ. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન વિક‘ તરીકે ઉજવીએ છીએ. આપણે બધાજ આ ઉજવણી પાછળની દંતકથાથી સારી રીતે માહિતગાર છીએ.
7 ફેબ્રુઆરીએ ગુલાબનું ફૂલ આપવાથી શરૂઆત કરીને સપ્તાહના અંતે હાથ અને સાથ માંગી લેવાની વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી રમત એટલે વેલેન્ટાઈ-ડે. જો કે હું આવા તહેવારની વિરોધી નથી. રોજિંદા જીવનની કંટાળાજનક ઘટમાળમાં નવીનતા લાવવા માટે આવા દિવસો ઉજવાય અને આજની પેઢી એ બહાને પણ પ્રેમનું મહત્વ સમજે એ જરૂરી છે, પરંતુ આ એક સપ્તાહના પ્રેમનું શૂરાતન જેટલી ઝડપે ઉભરાય છે એટલીજ ઝડપથી જ્યારે ઓસરતું જોવા મળે છે ત્યારે સવાલ એ થાય કે આપણી ભારતીય પરંપરામાં આ કન્સેપ્ટ ફિટ બેસે છે ખરો?
આ પર્વ ઉજવનાર મોટાભાગનો વર્ગ એવો છે કે જે લાગણી અને આવેગ વચ્ચેનો તફાવત નથી સમજતો. ક્ષણિક ઉન્માદને, આવેગને, આકર્ષણને- પ્રેમ માનીને ઇઝહાર કરવા માટે આવા પર્વની કાગડોળે રાહ જોતા ટીનેજર્સ કે કોલેજીયન્સ કાચા માટલા જેવા પોતાના પ્રેમને વેલેન્ટાઈન પર્વનાં વરસાદમાં ખુલ્લા મૂકી દે છે. પરિણામે થોડાજ દિવસોમાં એ પ્રેમ માટીના ઢેર માફક ઢગલો થઈ જાય છે. શાહબૂદીન રાઠોડના શબ્દોમાં કહીએ તો આજનો જુવાન શાક લેવા જાય અને પ્રેમમાં પડીને આવે. જો કે આ ઝડપી જમાનામાં કોઈ પાસે એટલો વખત નથી કે એ વધુ વખત કશું ટકાવી રાખે અને એથી જ હવે દર્દ-એ-ડિસ્કો અને બ્રેકઅપના ડાન્સ સોંગ્સનો ટ્રેન્ડ આવ્યો છે.
મારી માન્યતા મુજબ ‘Will you be my valentine?’ આવું પૂછવાનો કોઈ એક જ દિવસ નથી. ઘૂંટણિયે બેસીને હાથમાં ગુલાબનું ફૂલ કે કાર્ડ અથવા કોઈ ગિફ્ટ રાખીને આ રીતે પ્રપોઝ કરવું એ ફેશન છે, એમાં પણ એક ઊર્મિ હોય છે પરંતુ સાંસારિક જીવન તરફ ડગ માંડી રહેલા બન્ને પાત્રો પૂરતું જ કદાચ આ બરાબર હોઈ શકે. સાંસારિક જીવનની સીડી લગભગ અડધી કે પુરી ચડી ગયા હોય એવા પતિ-પત્નીને તો આ એક સવાલનો જવાબ દરેક મિનિટે મળતો હોય છે. પત્ની બિમાર હોય, વ્યસ્ત હોય કે કોઈ બીજી સમસ્યા હોય ત્યારે પતિ દ્વારા બાળકોને લેવા મૂકવાનું, ઘરકામ કે માર્કેટના કામનું જે એરેન્જમેન્ટ થતું હોય છે એ પત્નિનાં મનમાં ઉદભવતા આ સવાલનો જવાબ છે. તેવી જ રીતે પતિની પસંદગીથી લઈને એના સ્વભાવ વિશેની નાની નાની વાતની કાળજી લઈને દરેક પત્નિ જે રીતે જીવે છે એ પણ દરેક પતિના મનમાં ઉદભવતા આ સવાલનો જવાબ જ છે. ગુલાબનું ફૂલ, ચોકલેટ્સ, કાર્ડ, ટેડી આ બધું આપીએ જ લાગણીની અભિવ્યક્તિ થાય? ચુંબન અને આલિંગન નક્કી કરેલા દિવસે અપાય તો જ એ પ્રેમ કહેવાય?
બદલાતા સમય સાથે એક અઠવાડિયું પ્રેમના નામે ઉજવીને પોતપોતાની પ્રવૃત્તિ અને જિંદગીમાં વ્યસ્ત રહેતા વિદેશી સંસ્કૃતિને વરેલા યુગલો માટે આ બરાબર છે પરંતુ આપણે તો એકબીજાનો ખ્યાલ રાખીને, માન સન્માન જાળવીને, એકબીજાના પરિવારને અપનાવીને દરરોજ વેલેન્ટાઈન્સ ડે ઉજવીએ છીએ.
પ્રેમ જાહેરાત અને ભેટસોગાદ નો મોહતાજ નથી. એ તો વહેતા ઝરણા જેવી ઊર્મિ છે, એના કલશોરને કાનથી નહિ, હૃદયથી સાંભળવાનો હોય, એના વહેણને જોવાનું ન હોય, એને અનુભવવાનું હોય અને જયારે આવી અનુભૂતિ થાય ત્યારે એ વેલેન્ટાઈન્સ ડે છે.
અતિ જાણીતા કવિ ડૉ. મુકુલ ચોકસીની એક રચના આજના પર્વ નિમિત્તે માણીએ..
એક નવો રોગ…
એક યુવાન લવારા કરતો આવ્યો. હૃદયની ધોરી નસમાં ગુલાબની તાજી શ્વાસનળીમાં પરેવડાનો આંસુ ગુલાબી થઈ ગયા હતા. હોજરીમાં ચાંદનીના સ્વરપેટી પર કોઈના સગા પૂછે છે, “સાહેબ એને શું થયું છે?’ |
સગા પુછે છે, “સાહેબ,શું કરીએ?”
મેં કહ્યું : “એને ઉજાગર કરવા દો, Happy Valentine’s Day… |
(નીતા સોજીત્રા)