વજુ કોટકઃ નાની ઉંમરમાં સિદ્ધિઓ અપાર…

વજુ લખમશી કોટકનો જન્મ 30 જાન્યુઆરી, 1915માં રાજકોટમાં થયો હતો. વજુભાઈ એટલે વિચારો. વજુભાઈ એટલે વાતો અને વાર્તાઓ. નાનપણ-કિશોરાવસ્થામાં એમણે વિવિધ વાજિંત્રોની પણ તાલીમ મેળવી. એમાંય વાંસળી ઉપર તો એ સુરિલી ધૂન વગાડતા. એમની ઉંમરના મિત્રોની જેમ એ ભારે મસ્તીખોર હતા. રાક્ષસ અને ભૂતની કહાણીઓ ઉપજાવી કાઢવાની મજા પડતી અને એવી વાર્તાઓ કહીને લોકોને બિવડાવતા. આવા કિસ્સાઓનો ઉલ્લેખ એમણે લખેલા પુસ્તક ‘બાળપણના વાનરવેડા’માં છે. ગાંધીજીની દાંડીકૂચ યાત્રામાં જોડાવાની પરિવારજનોએ પરવાનગી ન આપતાં વજુભાઈ મિત્રોની સાથે સ્વદેશી ચળવળમાં ભાગ લેવા અમદાવાદના સાબરમતી આશ્રમમાં પહોંચી ગયા હતા, પણ એમની ઉંમર નાની હતી એટલે એમને ઘેર પાછા મોકલી દેવામાં આવ્યા હતા. વજુભાઈએ લખેલી રમકડાં વહુ નવલકથા કેવી રીતે લખાઈ એનો પણ કિસ્સો જાણવા જેવો છે. એ પુસ્તક પરથી તો ખિલૌના ફિલ્મ પણ બની હતી. વજુભાઈનું સપનું હતું ફિલ્મ દિગ્દર્શક બનવાનું. એ સાકાર કરવા તેઓ 1939માં ફિલ્મનગરી મુંબઈ આવ્યા. સાતેક વર્ષ સુધી તેઓ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા રહ્યા, પરંતુ સંજોગવશાત્ વજુભાઈના જીવનમાં પલટો આવ્યો અને તેઓ પત્રકારત્વ તરફ વળ્યા અને ‘ચિત્રપટ’ સામયિકમાં જોડાયા. એના તંત્રી બન્યા. વર્ષ 1949ની 19મી મેએ તંત્રી વજુભાઈનાં જીવનસાથી બન્યાં મધુરિકા રૂપારેલ. વજુભાઈએ સૈદ્ધાંતિક કારણોસર ‘ચિત્રપટ’ સામયિક છોડી દીધું. એમના મિત્ર અને બનેવી વ્રજલાલ રાડિયાના સૂચનથી વજુભાઈએ પોતાનું મેગેઝિન શરૂ કર્યું અને એને નામ આપ્યું ‘ચિત્રલેખા’ અને પછી ઈતિહાસ સર્જાઈ ગયો. ૨૨ એપ્રિલ ૧૯૫૦ના રોજ વજુભાઈએ ૧૦,૧૦૧ નકલ સાથે ‘ચિત્રલેખા’ સામયિકની ધમાકેદાર રીતે શરૂઆત કરી હતી. વજુભાઈના શબ્દોમાં જ… ‘ચિત્રલેખા’ એટલે, ‘બ્રહ્માની દેવી, વિધાતા, જે માનવના લલાટે લેખ લખે છે અને આપણે પણ આ સાપ્તાહિકમાં ભાવિ પ્રજા માટે લેખો લખવાના છે.’ વજુભાઈએ ‘બીજ’ અને ‘જી’ નામના સામયિક પણ શરૂ કર્યા હતાં. ૧૯૫૧માં વજુભાઈએ પ્રેસ ખરીદ્યુું હતું અને સ્વતંત્ર ‘ચિત્રલેખા’નું પ્રકાશન શરૂ થયું. નાની ઉંમરમાં વજુભાઈએ હાંસલ કરેલી સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ અપાર છે. એક વ્યક્તિ-પત્રકાર-લેખક તરીકે તેઓ ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના રૂપમાં ગુજરાતી સમાજને જ્ઞાનની ગંગા આપતા ગયા છે.
(વજુભાઈ વિશે વધુ જાણો… હરિશ ભિમાણીના સ્વરમાં…)

(વજુભાઈની જન્મતિથિએ એમની કલમપ્રસાદીને માણીએ, એમણે પોતે લખેલા તથા એમના વિશે લખાયેલા અમુક લેખને મમરાવીએ…) 888