ગુજરાતીઓનો સૌથી વધુ મનપસંદ આવતા તહેવારોમાંથી એક છે ઉત્તરાયણ. જાન્યુઆરીના શરૂઆતથી હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે. પરંતુ આ વર્ષે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ સમયે હવામાનમાં ફેરફાર જોવા મળી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં જાન્યુઆરીમાં હાથ થીજાવતી ઠંડી પડશે અને 31માંથી 20 દિવસ તાપમાન 13 ડિગ્રીથી નીચું જ રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ વખતે હળવા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે અમદાવાદમાં જાન્યુઆરીના પ્રથમ પાંચ દિવસ ઠંડીનું પ્રમાણ સાધારણ રહેશે અને તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે. 6 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધવા સાથે તાપમાન 10 ડિગ્રીથી નીચે પણ ગગડી શકે છે. આ ઉપરાંત જાન્યુઆરીના બીજા સપ્તાહમાં મોટાભાગના દિવસોમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે 6.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15.4 ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો રહ્યો હતો. જ્યારે વડોદરામાં 16 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી અને સુરતમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગત રાત્રે અન્યત્ર જ્યાં વધુ ઠંડી નોંધાઈ તેમાં ભુજ, ડીસા, રાજકોટ, ગાંધીનગરનો સમાવેશ થાય છે.