પતંજલિઋષિએ યોગશાસ્ત્ર આપ્યુ એ ખૂબ પ્રચલિત થયું. ઘેરંડઋષીએ પણ યોગશાસ્ત્ર આપ્યું, જેને સપ્તાંગયોગ કહેવાય છે. જ્યારે ઋષિ પતંજલિએ અષ્યંગ યોગ પ્રચલિત કર્યો અને અત્યારે અષ્ટાંગયોગ જ વધારે બધા અનુસરે છે.
ઋષિ પતંજલિ એ ચાર પાદમાં યોગસૂત્રને વહેચ્યું. 1) સમાધિપાદ 2) સાધનાપાદ 3) વિભૂતિપાદ અને 4) કૈવલ્યપાદ.
આજે આપણે થોડી વાતો વિભૂતિપાદ પર કરીશું, જેમાં 56 યોગસૂત્રો છે અને મુખ્યત્વે ધારણા, ધ્યાન અને સમાધિ પર સમજાવ્યું છે. પરંતુ આ ત્રણેય અંતરંગ યોગ ને સમજવા ઘણી બીજી વાતો એમણે જણાવી છે જે આટલા હજારો વર્ષ પછી પણ એટલી જ ઉપયોગી છે. એક જૂની કહેવત દાદી પાસેથી સાંભળેલી કે આવડે એટલુ બોલવુ નહીં અને ભાવે એટલું ખાવુ નહીં. કેટલી ગજબની વાત કરી- મૂળ ભાવાર્થ આ કહેવતનો જોવો હોય તો એ છે “સંયમ” – પછી વ્યવહારમાં સંયમ, વર્તનમાં સંયમ, ઈચ્છાઓ પર સંયમ, વાણી પર સંયમ, વિચારો પર સંયમ- સંયમ શબ્દ જો ભારે લાગતો હોય તો આપણા જીવનમાં વપરાતો એક સામાન્ય શબ્દ છે જેનો અર્થ આટલો મોટો જ થાય છે “યોગ્ય” – જે યોગ્ય હોય તે કરવું, ફરવુ, જીવવું. સ્વામી વિવેકાનંદજીએ વિભૂતિપાદ પર સુંદર પુસ્તક લખ્યું છે.
સંયમ હશે તો ધારણામાં જવાશે, સંયમ હશે તો ધ્યાનમાં બેસાશે, સંયમ હશે તો સમાધિ તરફ જવાશે- તો આ સંયમ ને વધારે સરળતાથી સમજીએ- સંયમ એટલે એકાગ્રતાનો ઉદય, સંયમ હોય તો જ Intuitions powerful થાય. સંયમના રસ્તા પર જવું હોય તો 6 પગથિયાં છે- જેમાં સ્થૂળ, સ્થૂળતર, સ્થૂલતમ-પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ્ આ પગથિયાં પાર કરીએ એટલે વિષયોનો ક્ષય થાય, બળ ઉત્પન્ન થાય. સંયમ ત્રણમાં વહેંચીએ- 1 શબ્દ (બાહ્ય વિષય) 2 અર્થ (સૂક્ષ્મ આંદોલન, ઈન્દ્રીયો) 3 જ્ઞાન (મનમાં વિષયનો અનુભવ).
હવે શબ્દને સમજીએ- શબ્દ બોલાય એટલે એ સંભળાય એટલે એક આંદોલન થાય મનમાં. પછી લાગણીનો પ્રવાહ વહે- એ પ્રેમની લાગણી હોય, ધૃણાની લાગણી હોય, તિરસ્કારની લાગણી હોય- અને પછી એના પરથી આવે પ્રતિક્રિયા-
જો યોગાસન નિયમિત કરતાં હોઈએ તો શબ્દ પર, લાગણી પર, પ્રતિક્રિયા પર સંયમ લાવી શકાય છે. કારણ કે આસન અને પ્રાણાયામ શરીર અને મન પર કામ કરે છે. મન ને મજબૂત કરવા નાના નાના સંકલ્પો લેવાના શરુ કરીએ.
ઉદાહરણ તરીકે, યોગમાં આસનો શરુ કરવા પહેલુ આસન તાડાસન લઈએ તો શરુ કરતાં પહેલા મનમાં નક્કી કરવું કે હું 30 સેકન્ડ કે 1 મિનિટ માટે રોકાઈશ- એકવાર મનને (કમાન્ડ) આદેશ આપો એટલે શરીર એ રીતે અનુસરે. આવા નાના નાના સંકલ્પોથી મનને કેળવાય કે મનને મજબૂત કરાય છે. એવી જ રીતે જો મન પર સંયમ હશે તો શિર્ષાસન પણ કોઈ દિવાલની મદદ વિના વચ્ચોવચ કરી શકાશે.
એવી જ રીતે સંયમ જો શરીર પર અને મન પર કેળવ્યો હશે તો જ ધ્યાનમાં બેસાશે. ધ્યાનમાં જે વ્યક્તિ ખૂબ ડીસ્ટર્બ હોય, વ્યગ્ર કે વ્યાકુળ હોય એ ન બેસી શકે. એને પહેલા થોડા આસન- પ્રાણાયામ કરાવી પછી ધ્યાનમાં બેસાડી શકાય. અને એટલે જ એવું કહેવાય છે કે નિયમિતતા- સાતત્યતા જાળવીને જે યોગ કરે છે એ વ્યક્તિ સંયમિત હોય છે અને બોલવા-ચાલવા-વ્યવહાર પર સંયમ રાખી શકે છે.
- હેતલ દેસાઇ
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગ લેક્ચર્સ આપી ચૂક્યા છે.)