નવી દિલ્હી: 1 ફેબ્રુઆરી 2020ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે. આર્થિક મંદીની સામનો કરી રહેલા દેશની નજર બજેટ પર મંડાયેલી છે. લોકો એ જાણવા ઉત્સુક છે કે, તેમના ખીસ્સામાં વધુ નાણા આવશે કે નહીં. આપણે અહીં વાત કરી રહ્યા છીએ આત્મનિર્ભર રીતે પોતાની બચત અને આવકના ભરોસો પોતાનો જીવન નિર્વાહ કાઢી રહેલા સીનિયર સિટીઝન માટે સરકાર બજેટમાં શું લઈને આવશે?
ગયા વર્ષે કરેલા આર્થિક સરવે અનુસાર ભારતમાં સીનિયર સિટીઝનની ભાગીદારી 2011માં 8.6 ટકાથી સતત વધારો થતાં 2041 સુધીમાં 16 ટકા એટલે કે, લગભગ બમણી થઈ જશે. આ પરિસ્થિતિમાં જરૂરી બજેટ સંબંધિત જાહેરાતોના માધ્યમથી આ વર્ગના લોકોની જરૂરીયાતો પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.
શું ઈચ્છે છે સીનિયર સિટીઝન?
સીનિયર સિટીઝન માટે અન્ય મુદ્દાઓ કરતા સૌથી મહત્વનો મુદ્દો છે ટેક્સ બ્રેકનો. આ લોકો ઈચ્છે છે કે, તેમનો ટેક્સ બ્રેક, નોન રિટાયર્ડ લોકો કરતા અલગ હોય. ટેક્સ બ્રેકની માંગ વધવા પાછળ કારણ છે તેની અને અન્યની આવકમાં અંતર છે. એવા સીનિયર સિટીઝન જેને પેન્શન નથી મળતું તે તેમની બચત અને ડેટ રોકાણ જેવા ફિકસ્ડ ડિપોઝિટમાંથી મળતા વ્યાજ પર નિર્ભર રહે છે. આ મામલે તેની ચિંતા વ્યાજ દરમાં થતાં ઉતાર-ચઢાવ પર હોય છે. તો બીજી તરફ પેન્શનની આવક પર નિર્ભર રહેલા સીનિયર સિટીઝનને સ્વાસ્થ્ય અને સામાજીક સુરક્ષા જેવી અન્ય અસુરક્ષાની પણ ચિંતા રહે છે. બજેટને સિનિયર સીટીઝન ફ્રેન્ડલી બનાવવા સરકાર કયા પગલા લઈ શકે છે?
બંને ઉંમરની કેટેગરીને એક સાથે ભેળવવી
ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર સીનિયર સિટીઝન્સને બે સમૂહોમાં વહેંચવામાં આવ્યા છે-સીનિયર સિટીઝન અને સુપર સીનિયર સિટીઝન. જેમાં બંને સમૂહો માટે ટેક્સ સંબંધિત કાયદા પણ અલગ અલગ છે. સીનિયર સિટીઝનમાં 60થી 80 વર્ષના લોકોનો સમાવેશ થાય છે જેના માટે 3 લાખ રુપિયાની આવક સુધી ટેક્સ માફ છે. સુપર સીનિયર સિટીઝનમાં 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે જેને 5 લાખ સુધીની આવક પર ટેક્સ માફ છે.
નિવૃત લોકો ઈચ્છે છે કે, આ અંતર ખત્મ થઈ જાય કારણ કે, ઘણા લોકો પાસે પેન્શન અને રોકાણન સિવાય અન્ય કોઈ આવકનું સાધન નથી. તેમનું માનવું છે કે, બધા માટે 5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવે જેથી તમામ સીનિયર સિટીઝન પર ટેક્સનો બોજો હળવો થઈ શકે.
વર્તમાન ટેક્સ સ્લેબ અનુસાર, સીનિયર સિટીઝન્સને અલગ અલગ રેટના હિસાબે ટેક્સ ચૂકવવો પડે છે. સરકારને આ ટેક્સ સ્લેબ પર ફરીથી કામ કરવાની જરૂર છે જેથી સીનિયર સિટીઝનના હાથમાં વધુ નાણાની બચત થઈ શકે. વર્તમાનમાં ટેક્સ પર અલગથી 4 ટકાનો હેલ્થ અને એજ્યુકેશન સેસ પણ વસૂલવામાં આવે છે. સરકારે સીનિયર સિટીઝન માટે આ સેસ અને અન્ય સરચાર્જને ઓછો અથવા તો ખત્મ કરવા અંગે વિચારવું જોઈએ.
સીનિયર સિટીઝનો પર મોંઘવારીની સૌથી વધુ પડે છે. તેમની આવકના સાધનો સીમિત અને ચોક્કસ હોવાને કારણે વધતી મોંઘવારીની સીધી અસર તેમની ખરીદ શક્તિ પર પડે છે. જથી સરકાર તેમને વધુને વધુ મોંઘવારીને માત આપી શકે તેવા સેવિંગ્સ પ્લાન અને રોકાણ ઓપ્શન આપવા અંગે વિચારવું જોઈએ. વર્તમાનમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 15 લાખ રુપિયા સુધીનું રોકાણ કરી શકાય છે જેના પર 8.6 ટકા પ્રતિ વર્ષે રિટર્ન મળે છે. સરકાર આ લિમિટમાં વધારો કરવા ઉપરાંત વધુ રિટર્ન અંગે વિચાર કરી શકે છે.
અલગ અલગ પ્રકારની બચત અને ડિપોઝિટ સ્કીમ્સમાંથી મળતું વ્યાજ, સીનિયર સિટીઝન માટે આવકનો એક મુખ્ય સ્ત્રોત હોય છે. ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80TTB હેઠળ સીનિયર સિટીઝનને વ્યાજની આવક પર 50 હજાર રુપિયા સુધીની ટેક્સ છૂટ મળી શકે છે. સરકાર આ લિમિટને ડબલ કરીને 1 લાખ રુપિયા સુધી કરવા અંગે વિચારી શકે છે.
ઈનકમ ટેક્સના સેક્શન 80D હેઠળ સીનિયર સિટીઝનના હેલ્થ વિમા પ્રીમિયમ અને મેડિકલ ખર્ચ માટે 50 હજાર રુપિયાનું ટેક્સ ડિડક્શન મળી શકે છે. મેડિકલ ક્ષેત્રમાં વધતી જતી મોંઘવારીને કારણે સરકાર સક્રિય રીતે દર વર્ષે આ છૂટ લિમિટને વધારવા અંગે વિચારી શકે છે.
સહકારી અને નાની બેંકોમાં રોકડની અછત દરમ્યાન તમામ નાગરિકો તરફથી ડિપોઝિટ વિમા લિમિટને વધારવાની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. વર્તમાન વિમા લિમિટ માત્ર 1 લાખ રુપિયાની છે. જેને વધારીને ઓછામાં ઓછી 20 લાખ રુપિયા કરી દેવાથી સીનિયર સિટીઝનને આંશિક રાહત મળશે, ખાસ કરીને એ લોકોને જે વ્યાજની આવક પર નિર્ભર છે.