અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત

અમદાવાદ: ગુજરાતમાં રોડ અકસ્માતમાં થતી જાન અને માલ હાની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. આ પ્રકારમાં કેસમાં મોટા ભાગના કેસમાં હીટ એન્ડ રનના કેસ નોંધાય છે. ત્યારે અમદાવાદના નારોલથી વિશાલા વચ્ચે શાસ્ત્રી બ્રિજ પર ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અજાણ્યા વાહનચાલકે એક્ટિવા પર જઈ રહેલી યુવતીને ટક્કર મારતાં યુવતી નીચે પડી ગઈ હતી. જ્યાં યુવતીને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના લાંભા પાસે ગાયત્રી બંગલોમાં રહેતી 24 વર્ષીય ભાવી મોદી પોતાનું એક્ટિવા લઈને નારોલ વિશાલા તરફ જઈ રહી હતી. જ્યાં શાસ્ત્રી બ્રીજના છેડે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી યુવતી નીચે પટકાતાં તેને માથાંના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને ઘટના સ્થળે જ યુવતીનું મોત થયું હતું.  ઘટનાની જાણ થતાં એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક યુવતીના પરિવારજનોનો પણ સંપર્ક કર્યો છે. અને મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. અને પોલીસે નારોલ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે હાલમાં ટ્રાફિક પોલીસે અકસ્માત અને મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ઘટના સ્થળે સીસીટીવી ઓછા હોવાથી આરોપી સુધી પહોંચવું પોલીસને મુશ્કેલ બન્યું છે.