
શેરબજારને સમજવા માટે માત્ર બજેટ સમજવું જ જરૂરી નથી, કિંતુ બદલાતા રહેતા સંજોગો અને તે સંજોગોમાં જોવા મળતી બજારની વધઘટને પણ સમજવી પડે. આ સમજ મેળવવા માટે થોડા દૂરના અને થોડા નજીકના ભૂતકાળને જોઈએ.
વર્ષ 2008 થી 2014 સુધીમાં દર વરસે બજેટ તો જાહેર થયા જ છે, કિંતુ વર્ષ 2008માં શેરબજારનો સેન્સેક્સ 21,000થી તૂટીને 8,000 આસપાસ આવી ગયો હતો, એ પછી બજાર 8,000થી 29,000 ઉપર પણ આવી ગયું હતું. એ પછી સેન્સેક્સ 30,000થી 33,000 પર પહોંચી જવાની વાતો પણ જોરમાં ચાલી હતી. બજેટના બે ત્રણ વર્ષ બાદ સેન્સેક્સ 45-50 હજાર થવાની આશા પણ વ્યક્ત થતી રહી.
અહીં એ નોંધવું મહત્ત્વનું એ છે કે બજારે આ 8,000થી 29,000ની મૂવમેન્ટ માત્ર સાત વરસમાં હાંસલ કરી હતી. જો કે કરૂણતા એ રહી કે 8,000ના લેવલે મહત્તમ રોકાણકારો બજાર છોડી ગયા હતા, જ્યારે 20,000-21,000 વખતે મહત્તમ રોકાણકારો બજારમાં પ્રવેશ્યા હતા. હાલ સેન્સેક્સ 40-42 હજાર આસપાસ ચાલતો રહ્યો હતો, બજેટ બાદ તે એકાદ વરસમાં 45,000 થી 50,000 થવાની પણ ધારણા મૂકાઈ છે. કિંતુ ઈકોનોમી સામેના પડકારોને ધ્યાનમાં રાખતા આમ કરવા માટે બજાર સમય પણ લઈ શકે એ યાદ રાખી રોકાણકારોએ લોંગ ટર્મનો અભિગમ રાખવો જોઈએ. અર્થાત, બજેટની જાહેરાત અને અસર જોયા બાદ પણ રોકાણકારે ધ્યાન તો પોતાના રોકાણ સાધનો પર જ રાખવાનું છે. બજાર વધે એ કરતા તમારા સ્ટોક્સ વધે છે કે નહીં એ વધુ મહત્ત્વનું છે અને હોવું જોઈએ.
(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)
