અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે ખૂબ જ કડક છે અને તેના કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હલચલ વધી છે. ઇમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારો વચ્ચે અમેરિકામાં રહેતો ભારતીય સમુદાય પણ ચિંતિત છે. એવામાં હવે અમેરિકાના એક ઍરપૉર્ટ પરથી ભારતીયોનો પ્રવેશ નકારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમેરિકામાં રહેતા એક વ્યક્તિના ભારતીય માતા-પિતા પાસે રિટર્ન ટિકિટ ન હોવાથી પ્રવેશ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.
એક મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકામાં પોતાના બાળકોને મળવા ગયેલા ભારતીય માતા-પિતાને નેવાર્ક ઍરપૉર્ટ પર એન્ટ્રી આપવામાં આવી ન હતી. આ કપલ પાસે B-1/B-2 વિઝિટર વિઝા હતા અને તેના આધારે તેઓએ પાંચ મહિના અમેરિકામાં રહેવાની યોજના બનાવી હતી. જો કે, ઍરપૉર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કહ્યું કે નવા નિયમો હેઠળ હવે અહીં રહેવા માટે તેમની રિટર્ન ટિકિટ બતાવવી ફરજિયાત છે. ઍરપૉર્ટના અધિકારીઓએ તમામ અરજીઓ અને ખુલાસાઓને નકારી કાઢ્યા હતા અને માતાપિતાને ઍરપૉર્ટથી સીધા ભારત પાછા મોકલી દીધા હતા. આવા નિયમોની સત્તાવાર જાહેરાતના અભાવે લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. અમેરિકી અધિકારીઓએ ભારતીયોને પરત મોકલવા માટે 2025ના નવા નિયમોને ટાંક્યા છે. જો કે, આ ફેરફારો વિશે અગાઉ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આવી ઘટના અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો કરી શકે છે. એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ટ્રમ્પની નીતિઓને લાગુ કરવા માટે આવનાર દિવસોમાં અમેરિકા આવા અનેક અણધાર્યા પગલા લઈ શકે છે.