અમદાવાદ: નવરાત્રિનો તહેવાર શરૂ થઇ રહ્યો છે ત્યારે આ નવ દિવસ દરમ્યાન મા દુર્ગાના નવ સ્વરૂપોની ઘટ સ્થાપન કરી પૂજા કરવામાં આવે છે. ઘટ સ્થાપન માટે બજારમાં અલગ અલગ ડીઝાઇનના ગરબા જોવા મળે છે. અત્યારે બજારમાં પ્રિન્ટેડ ગરબાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન થાય છે. છિદ્રો વાળી નાની માટલી, જેને ઘટ અથવા ગર્ભ પણ કહેવાય છે તેની ચારે બાજુને પાંદડાથી શણગારી એની અંદર મા અંબાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ ગરબાને શણગારવા માટે પણ ખૂબ મહેનત લાગતી હોય છે.
આ પરંપરાગત ગરબા કેવી રીતે તૈયાર થાય છે તે વિશે ચિત્રલેખા.કોમ સાથે વાતચીત કરતા અમદાવાદના વાસણા ગામના શારદાબેન ગણેશભાઈ પ્રજાપતિ કહે છે, ‘અમે આમ તો ઘડીયાવાળાનું કામ કરતા આવ્યા છીએ અને હાલ પણ કરીએ છીએ. આ કામ અમને પેઢી દર પેઢી વારસામાં મળ્યું છે.’ ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ સમાજનો વારસાગત વ્યવસાય માટીના વાસણો ઘડવાનો છે અને ગરબો એ પણ એક પ્રકારે માટીનું વાસણ છે.
બજારમાં હાલ મળતા આ ગરબાની કિંમત સામાન્ય રીતે તેની ડિઝાઇન પર આધાર રાખે છે. હાલ ગરબામાં લાલ-લીલા કલરની ડિઝાઇન સાથે સાથીયા અને ફુલની પ્રિન્ટ વધારે ચાલે છે.
એક માણસ એક દિવસમાં લગભગ 50 પ્રિન્ટેડ ગરબા બનાવી શકે છે. જ્યારે કાચથી સુશોભિત ગરબો બનતા એક દિવસનો સમય લાગે છે.
નવરાત્રિના બે-પાંચ દિવસ અગાઉથી જ ગરબાનું વેચાણ શરૂ થઇ જતું હોય છે. એ વાત પણ નોંધવા જેવી છે કે ગરબો ઘડવામાં આ કામમાં જેટલી મહેનત પડતી હોય છે એના પ્રમાણમાં મજૂરી ખૂબ ઓછી મળતી હોય છે. એક કારીગર ગરબાના વેચાણમાંથી માંડ 5-10 રૂપિયા કમાઇ શકે છે.