શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં

શિયાળો શરૂ થતાં જ આપણે શરીરને હૂંફાળું રાખવા માટેના બધા પ્રયત્ન શરૂ કરી દઈએ છીએ, એ ચાહે આપણા પોશાક હોય કે પછી આહાર. આપણી પરંપરાગત શિયાળુ ડિશમાં દરેક પ્રાંત મુજબ અલગ અલગ શિયાળુ ખાદ્યો બને છે. ગુજરાતમાં બનતા શિયાળુ ખાદ્યોને આપણે વસાણાં તરીકે ઓળખીએ છીએ. વસાણાં સ્વાદિષ્ટ તો હોય જ છે, સાથે સાથે હેલ્ધી પણ હોય છે. એને કારણે શિયાળામાં થતી ક્રૅવિંગ અથવા ભૂખને સંતોષ પણ મળે છે અને એ આપણને હૂંફાળાં રાખવામાં પણ મદદ કરે છે. શું છે આ વસાણાં? અને એ શા માટે શિયાળામાં લેવાય છે?

ઠંડીની શરૂઆત થતાં જ ગળામાં બળતરા, કફ, ઉધરસ જેવી વ્યાધિનું પ્રમાણ વધે છે. એમાં પણ અસ્થમા-બ્રોન્કાઈટિસ જેવી તકલીફ ધરાવતી વ્યક્તિને એની અસર વધુ વર્તાય છે. આ તકલીફથી રક્ષણ મેળવવા માટે શિયાળો શરૂ થતાં જ એને લગતા શિયાળુ ખાદ્યો એટલે કે વસાણાં યાદ આવવા લાગે છે. ઘણા ખાદ્ય પદાર્થો એવા છે કે જે કદાચ દરેક ઋતુમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ એને સીઝન પ્રમાણે લેવામાં આવે છે.

ઠંડીની ઋતુમાં લેવાતાં વસાણાં તેમ જ અડદિયાં, ખજૂરપાક, તલ, શીંગ-દાળિયા, ટોપરું તેમ જ ડ્રાયફ્રૂટ ચીકી, વગેરેની ડિમાન્ડ વધે છે. ગોળ, ટોપરું, ખજૂર એ ગરમાવો આપનારા પદાર્થ છે, જેથી એનો મહત્તમ ઉપયોગ ઠંડીમાં કરવામાં આવે છે. ગોળ આપણા લોહીમાં હિમોગ્લોબિનની માત્રા વધારે છે. ગોળની તો પ્રકૃતિ પણ ગરમ છે. શીંગમાં રહેલી મોનોસૅચ્યુરેટેડ ફૅટ એ કૉલેસ્ટરોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે તો શીંગ, તલ અને દાળિયાની ચીકી એ વેજિટેરિયન વ્યક્તિઓ માટે પ્રોટીન આપતું સુપરફૂડ છે. હાઈ પ્રોટીન તેમ જ ઍન્ટિઑક્સિડન્ટ તત્ત્વો ધરાવતી ચીકી આ સીઝનમાં ચોક્કસ લેવી. ખજૂર ગરમ હોવા ઉપરાંત શક્તિવર્ધક છે અને આયર્નનો ભરપૂર સ્રોત ધરાવે છે એથી જ આ ઋતુમાં એનો ઉપયોગ મહત્તમ થાય છે. એ ઘી સાથે લેવામાં આવે છે અથવા તો એમાં ડ્રાયફ્રૂટ ઉમેરીને પાક બનાવવામાં આવે છે.

આ ઉપરાંત, સૂંઠ અને ઘી-ગોળ ભેળવેલી સૂંઠની ગોળી પણ આ સમયે ઘણાં ઘરોમાં સવારે બનાવવામાં આવે છે. દાદીમાના નુસખા  સમી આ ગોળી પણ કફનાશક તેમ જ ગરમાવો આપનારી છે. મસાલા રાબનો ઉપયોગ ઘણાં ગુજરાતી ઘરોમાં થતો હોય છે એ પણ કફ ઘટાડવા તેમ જ ઠંડીથી રક્ષણ આપવા માટે છે.

ગુંદર તેમ જ કાટલાંના લાડવા કે પાક પણ આવાં જ કારણસર બનાવાય છે. આ સમયે ખવાતાં વસાણાંમાં ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે, એ ચાહે કાટલું હોય, અડદિયાં હોય કે ખજૂરપાક હોય. ગુંદર વસાણાંને ટેસ્ટી તો બનાવે જ છે ઉપરાંત એમાં રહેલાં તત્ત્વો હાડકાં મજબૂત બનાવે છે તેમ જ પાચન સિસ્ટમ સુધારે છે. ચ્યવનપ્રાશ પણ આ સીઝનમાં શક્તિવર્ધક બની રહે છે. ચ્યવનપ્રાશ ફક્ત બાળકો માટે કે વૃદ્ધો માટે નથી, એનો ઉપયોગ દરેક ઉંમરના લોકો કરી શકે છે, જેમાં રહેલી ઔષધિ શરીરનું રક્ષણ કરે છે.

આદું તેમ જ હળદર એ કફ માટે ઍન્ટિબાયોટિક જેવાં અસરકારક છે, જે કફને કારણે ગળામાં થતી બળતરા તેમ જ સોજાને ઓછાં કરવામાં મદદરૂપ બને છે. હળદર એ ખૂબ જ તેજ ઍન્ટિઑક્સિડન્ટ છે તથા ઍન્ટિઈન્ફ્લેમેટરી તરીકે અસરકારક છે. ગરમ દૂધ કફ સમયે નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે એમાં રહેલાં પ્રોટીન કફને વધારવામાં કારણભૂત થઈ શકે છે. જો કે એમાં હળદર ઉમેરવાથી એ શરદી-ઉધરસમાં ઔષધ સમાન સાબિત થઈ શકે છે. ગરમ પાણીમાં મીઠું-હળદર પણ એટલાં જ અસરકારક છે.

હળદરની જેમ આદું પણ ગળાની બળતરા, ઉધરસ, કફને ઝડપથી મટાડવામાં ઉપયોગી છે. ઠંડીમાં ચામાં વધારે આદું નાખો. એ ખાંસી મટાડશે અને ગરમાવો અપાવશે. કફ ઉત્પ્ન્ન કરતા રીનો વાઈરસનો આદુંના ઉપયોગથી નાશ થાય છે. એવી જ રીતે હળદર દ્વારા મ્યુક્સની ઉત્પત્તિ વધે છે, જે કફ-ઉધરસને નોતરું આપતા સૂક્ષ્મ જીવાણુઓને શ્ર્વસનતંત્રમાંથી સાફ કરે છે. આ બન્ને ઍન્ટિ-વાઈરલ (વાઈરસથી રક્ષણ આપનારી) તેમ જ ઍન્ટિ-બૅક્ટેરિયલ (નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવનારી) છે, જે શરીરને જુદા જુદા ચેપથી રક્ષણ આપે છે.

મધ પણ કફશામક છે. બે ચમચી મધને ગરમ પાણીમાં ભેળવી એમાં થોડું આદું અથવા સૂંઠનો પાવડર ઉમેરીને દિવસમાં બે વખત લઈ શકાય.

પ્રોબાયોટિક્સનો ઉપયોગ પણ આવી પરિસ્થિતિમાં કરી શકાય, જેમાં ૧/૪ ચમચી મરી પાવડર, ૧/૪ ચમચી સૂંઠનો પાવડર, બે ચમચી મધ તેમ જ બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક નાની ચમચી કફ સમયે લેવાથી એમાં રાહત થાય છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)