…તો સંતાનોએ સંપત્તિ કરવી પડશે માતાપિતાને રિટર્નઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે માતા-પિતાની સારસંભાળને લઈને એક ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.  આ ચુકાદા પછી સંતાનો તેમનાં વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેશે અને તેમની સાથે સારો વ્યવહાર કરશે એવી અપેક્ષા છે.

દેશમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં માતા-પિતા સંતાનોને નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે. જોકે  કોર્ટના આ ચુકાદા બાદ હવે તેઓ આવું કરી શકશે નહી.

કોર્ટે ચુકાદો આપ્યો છે કે હવે સંતાનોને માતા-પિતાની પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ મળ્યા બાદ માતા-પિતાનું ધ્યાન નહીં રાખે કે અથવા તો તેમની જરૂરિયાતો પૂરી નહી કરે તો સંતાનો પાસેથી તમામ પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ પાછી લઈ લેવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોના હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં કહ્યું હતું કે જો સંતાનો માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય છે અથવા તો માતા-પિતા દ્વારા આપવામાં આવેલી પ્રોપર્ટી અને ગિફ્ટ Welfare of the Parents and Senior Citizens Actની ધારા હેઠળ રદ કરી શકાય છે અને પ્રોપર્ટીના ટ્રાન્સફરને રદબાતલ જાહેર કરવામાં આવશે.

જસ્ટિસ રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે કહ્યું હતું કે આ કાયદો સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના ખતમ થયા પછી એકલા પડી ગયેલા વૃદ્ધોને મદદ કરવા માટે લાભદાયી નીવડશે અને આ કાયદો તેમના અધિકારોની સુરક્ષા માટે વધુ સારો સાબિત થશે. સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના તે નિર્ણયને પણ ફગાવી દીધો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે માતા-પિતાની સેવા ન કરવાને આધારે પ્રોપર્ટી અને ગિફ્ટને રદ કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે  હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દેતાં કહ્યું હતું કે  કલમ 23 જણાવે છે કે જો કોઈ વરિષ્ઠ નાગરિક તેની પ્રોપર્ટી અને ગિફ્ટ તેના સંતાનોને ટ્રાન્સફર કરે છે. તો તે શરત સાથે હશે કે તેઓ તેમની સંપૂર્ણ કાળજી રાખશે અને તેમની બધી જ જરૂરિયાતો પૂર્ણ કરશે અને જો તેઓ આવું કરવામાં નિષ્ફળ જશે તો તેમની પ્રોપર્ટીનું ટ્રાન્સફર રદબાતલ જાહેર કરવામાં આવશે. અને આવા કિસ્સામાં પ્રોપર્ટીનું ટ્રાન્સફર છેતરપિંડી અથવા બળજબરીથી કે અયોગ્ય પ્રભાવ દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે.