વર્ષ 2025 ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) માટે ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. પ્રેસ મીટ દરમિયાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ISRO જાન્યુઆરીમાં એડવાન્સ નેવિગેશન સેટેલાઇટ NVS-02 લોન્ચ કરશે. GSLV પ્રક્ષેપણ ISROનું 100મું મિશન હશે. આ ઉપરાંત અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે મિશનની જાહેરાત કરતા કહ્યું કે, ‘વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં ISRO 6 મોટા મિશન લોન્ચ કરશે.’ જેમાં વિશ્વના સૌથી મોંઘા ભારત-યુએસ સહ-ઉત્પાદિત અર્થ ઇમેજિંગ સેટેલાઇટ ‘NISAR’ને લોન્ચ કરવાનો સમાવેશ થાય છે.
આ પછી, ISRO દ્વારા નિર્મિત મહિલા રોબોટ ‘વ્યોમમિત્ર’ને ISRO માનવરહિત ગગનયાન મિશનના ભાગ રૂપે અવકાશમાં મોકલવામાં આવશે. આના પર જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ‘વ્યોમમિત્ર મિશનમાં બધું બરાબર થઈ જશે પછી જ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.’ આ પછી, માર્ચ મહિનામાં બીજો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે, જે ભારત-યુએસ સંયુક્ત મિશન નાસા-ઇસરો એસએઆર સેટેલાઇટ છે. આ વિશ્વનો સૌથી મોંઘો ઉપગ્રહ છે. તેની કિંમત રૂ.12,505 કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહની વિશેષતા જણાવતા મંત્રીએ કહ્યું કે, ‘તે દર 12 દિવસે જમીન અને બરફને સ્કેન કરશે. આ ઉપરાંત તેનું રિઝોલ્યુશન પણ ઘણું વધારે હશે.’
ISRO એ US અને EU માટે કોમર્શિયલ સેટેલાઇટ પ્રક્ષેપણથી છેલ્લા એક દાયકામાં $400 મિલિયનથી વધુની આવક ઊભી કરી છે. જ્યાં આગામી વર્ષોમાં આવકના આંકડામાં વધારો થવાની ધારણા છે. અત્યાર સુધીમાં, ISRO એ US માટે ઉપગ્રહો લોન્ચ કરીને $172 મિલિયન અને યુરોપિયન યુનિયન માટે 292 મિલિયન યુરો ($304 મિલિયન)ની આવક મેળવી છે. આમાંથી $157 મિલિયન યુએસ લોન્ચમાંથી આવ્યા છે અને 260 મિલિયન યુરો ($271 મિલિયન) માત્ર છેલ્લા દાયકામાં EU લોન્ચમાંથી આવ્યા છે. તે ભારતે અવકાશ અર્થતંત્રમાં કરેલી પ્રગતિ અને અગ્રણી સ્પેસફેરિંગ રાષ્ટ્ર તરીકેની વર્તમાન સ્થિતિ દર્શાવે છે.