ગુજરાતમાં બેવડી ઋતુનો પાવર, કમોસમી વરસાદ અને ઠંડીનો કહેર

ગુજરાતમાં બેવડી ઋતુ યથાવત્ જોવા મળી રહી છે. એક બાજુ શિયાળીની ઠંડી અને બીજી બાજું કમોસમી વરસાદનો કહેર. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મઘ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ શનિવારે 25 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-નર્મદામાં કરા પડવાની જ્યારે વડોદરા-છોટા ઉદેપુર ભરૂચ-નર્મદા-સુરત-ડાંગ-નવસારી-વલસાડ-તાપી- અમદાવાદ- ગાંધીનગર- પાટણ- મહેસાણા- ખેડા- અરવલ્લી- પંચમહાલ- દાહોદ- મહીસાગર-દમણમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવાર 29 ડિસેમ્બરથી વાતાવરણમાં ફરી સામાન્ય થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ કમોસમી વરસાદને પગલે વરિયાળી, બટાકા, ઘઉં, ચણા, ઝીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. આજે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના અનુમાન આગામી 24 કલાક તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્‌ છે. આ પછી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં સાધારણ વધારો થઇ શકે છે.  ગુરૂવારે રાત્રે નલિયામાં 10.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં 11.8, રાજકોટમાં 13.6, અમરેલીમાં 13.8, ડીસામાં 16.1, પોરબંદરમાં 16.4, ભાવનગરમાં 17.4, ગાંધીનગરમાં 18.5, વડોદરા-સુરતમાં 20.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અરવલ્લીના ભિલોડા અને મેઘરજમાં 2 મીમી અને બાયડમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે મોડાસામાં પણ વરસાદ પડતા કેટલાક સ્થળોએ પાણી વહેતા થયા હતા. આ વરસાદ અને વાતાવરણના માહોલના કારણે જિલ્લામાં 1.48 લાખ હેક્ટરમાં થયેલા ઘઉં, બટાટા, મકાઇ, શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાનની દહેશત સેવાઇ રહી છે.