આ વર્ષ ઓછા રૂપિયામાં એર ટ્રાવેલ કરવાની ઈચ્છા ધરાવતા લોકોની ઈચ્છા જલ્દીજ પૂર્ણ થશે. નવા વર્ષમાં દેશમાં નવી એર લાઈન્સની એન્ટ્રી થવા જઈ રહી છે. આ એર લાઈનનું નામ ‘એર કેરલ’ છે. એરલાઈન્સની જાહેરાત મુજબ તે ટૂંક સમયમાં ફ્લાઈટો શરૂ કરશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, એર કેરલ લોકોને સસ્તામાં મુસાફરી કરાવશે.
કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે, તે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ઓપરેશન કામગીરી શરૂ કરી થઈ જશે. આ ઉપરાંત એરલાઈન્સે એવું પણ કહ્યું છે કે, તે લોકોને સસ્તા દરે મુસાફરી પુરી પાડશે. સૌથી મહત્વની વાત એ છે કે, કંપનીએ ઓપરેશન કામગીરી શરૂ કરવા માટે મોટાપાયે ભરતી શરૂ કરી દીધી છે. એરલાઈન્સના ચેરમેન અફી અહમદે કહ્યું કે, અમે ભારતમાં ટેકનિકલ અને ઓપરેશન ટીમોની ભરતી કરી રહ્યા છીએ, જ્યારે સેલ્સ અને માર્કેટિંગ સહિત કોમર્શિયલ સ્ટાફની ભરતી પ્રક્રિયા યુએઈમાં શરૂ કરવામાં આવશે. એરલાઈન્સ કંપનીએ ગત વર્ષે ઓક્ટોબરમાં ઉપપ્રમુખ તરીકે ભારતીય પાયલટ સંઘના પ્રમુખ કેપ્ટન સી.એસ.રંધાવાની નિમણૂક કરી હતી. જ્યારે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોમાં મહત્વની ભૂમિકા નિભાવનાર કેપ્ટન આશુતોષ વશિષ્ઠને સુરક્ષા ઉપપ્રમુખ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એરલાઈન્સ કંપનીને હજુ સુધી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પાસેથી એર ઑપરેટર સર્ટિફિકેટ મળવાનું બાકી છે.
એર કેરાલાની મૂળ કંપની ઝેટફ્લાય એવિએશનને જુલાઈ 2024માં DGCA તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું હતું. એરલાઇન 2025ના બીજા ક્વાર્ટરમાં કોચીથી ટાયર ટુ અને ટાયર થ્રી શહેરો માટે સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે, ત્યારબાદ ગલ્ફ દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં એરલાઈન્સ ત્રણ ATR 72-600 વિમાનોનો ઉપયોગ કરશે અને દેશના ટિયર 2 અને ટાયર 3 જેવા નાના શહેરોમાં ફ્લાઈટ શરૂ કરશે. હરીશ કુટ્ટીએ કહ્યું કે, હાલમાં કંપની પાસે ત્રણ વિમાનો છે. જ્યારે અમારી પાસે અમારી સ્થાનિક કામગીરી માટે 15-17 વિમાનો હશે, ત્યારે અમે અમારા કાફલામાં નેરો-બોડી જેટને સામેલ કરીશું. અમે 2026માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની પણ યોજના બનાવીએ છીએ.