રાજ્યમાં પ્રિ-સ્કૂલને લઈ સરકારે કડક નિયમોની અમલવારી કરતા જ રાજ્યભરમાં આંદોલનના સૂર છેડાયા હતા. જે બાદ પ્રિ-સ્કૂલ સંચાલકોની અનેક રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા કોઈ ફેરફાર ન કરાતા સંચાલકોએ ફરીવાર ગાંધીનગરમાં સચિવાલયના ઘેરાવની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ગઈકાલે પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્વની ત્રણ માગણીઓનો મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો છે. ફેરફાર કરાયેલા નિયમોની ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરાશે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ પ્રાઇમરી શાળા ચલાવતા સંચાલકો માટે કેટલાક નવા નીતિ નિયમો જાહેર કર્યા હતા.જેમાં ફરજિયાત 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર,એજ્યુકેશન બિયુ પરમિશન,દર વર્ષે વર્ગદીઠ 5 હજાર રજીસ્ટ્રેશન ફી,ટ્રસ્ટ કે સંસ્થાનું રજીસ્ટેશન કરાવવું સહિતના નિયમો લાવવામાં આવ્યા હતા. જેને લઈ પ્રિ પ્રાઇમરી શાળા સંચાલકો પાછલા કેટલાક સમયથી રાજ્યભરમાં વિરોધ નોંધાવી આંદોલન કરી રહ્યા હતા. જોકે હવે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની ગઈકાલની બેઠકમાં 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારને બદલે 5 વર્ષનો નોટરાઈઝડ ભાડા કરારની માંગનો સ્વીકાર્યો છે. જુના ઠરાવમાં વર્ગદીઠ 5 હજાર ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં બદલાવ કરીને વર્ગદીઠ નહીં પરંતુ આખી શાળા માટે રૂપિયા 10,000ની ફી રજીસ્ટ્રેશન ફી પેટે નક્કી કરવામાં આવી છે. માત્ર આટલું જ નહીં પરંતુ પ્રિ પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશન માટે ફેબ્રુઆરી મહિનામાં મુદત પૂરી થતી હતી ,જેની સ્થાને 6 મહિના સુધી રજીસ્ટ્રેશન માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. આ ત્રણ માંગોનો શિક્ષણ વિભાગ દ્વારા મૌખિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી પાછલા લાંબા સમયથી અલગ અલગ રીતે વિરોધ આવી રહેલ પ્રિ પ્રાઇમરી સ્કૂલના સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.