શ્રુતિ કેમ એ દિવસે પોતાને રોકી ન શકી?

દસ વર્ષનો નાનકડો આર્ય તેની મમ્મા શ્રુતિ સાથે આ નાનકડા શહેરમાં રહેતો હતો. તેના પિતા તો જ્યારે તે એક વર્ષનો હતો ત્યારે જ આકસ્મિક મૃત્યુ પામ્યા હતાં. આમ તો શ્રુતિ જ એની માતા અને પિતા બન્ને હતી. આર્યની ખૂબ કાળજી લેતી. તેને કોઇ વાતે ઓછું ન આવવા દેતી તો પણ આર્ય એના પિતાને બહુ મિસ કરતો. એ પોતાની ઉંમર કરતા વધારે સમજણો હતો. ઘણીવાર પિતાના ફોટા સામે ઊભો રહી એકલો એકલો વાતો કર્યા કરતો. હા, મમ્મા શ્રુતિ સામે તે નોર્મલ થઇ જતો.

શ્રુતિ તેને તેના પિતા વિશે ખૂબ વાતો કરતી. એના ડેડી કેવા હતા, કેવા લાગતા હતા, તે નાનો હતો ત્યારે તેની કેવી સંભાળ લેતાં, કેટલું વ્હાલ કરતાં વગેરે…

આર્યને ટ્યુશન માટે શોભિતકુમાર નામના એક સર ઘરે આવતા. શોભિતકુમાર શહેરમાં નવા નવા જ રહેવા આવેલા એટલે બહાર કોઇને ખાસ ઓળખતા નહી. બધાની સાથે હળવા મળવાનું ય ઓછું, પણ આર્ય સાથે એમને ફાવી ગયેલું. કલાકો સુધી આર્યની સાથે વાતો કરતા. એની સાથે નવી નવી રમતો ય રમતા. કોઇવાર આર્ય જીદ કરે કે ગુસ્સે થાય તો પણ શોભિત તેને સંભાળી લેતા. એમને જાણે આર્યમાં પોતાનું બાળપણ દેખાતું. પોતાના બાળપણની વાતો પણ આર્ય સાથે શેર કરવી એમને ગમતી.

અલબત્ત, આર્ય સાથેની શોભિતની નિકટતાનો બહારના લોકો અવળો અર્થ ન લે એ માટે શ્રુતિ બહુ સાવધ રહેતી અને એમની સાથે ઇરાદાપૂર્વક થોડું અંતર રાખવાનો ય પ્રયત્ન કરતી. ક્યારેક શોભિત અમસ્તી જ કોઇ વાત કરવાની પહેલ કરે તો પણ શ્રુતિ મૂંઝાઇ જતી. વધારે વાત કરવાનું ટાળતી.

એક દિવસ આર્યને ખૂબ તાવ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. બીજું કોઇ મદદમાં આવે એમ નહોતું એટલે નાછૂટકે શ્રુતિએ શોભિતને હોસ્પિટલમાં મદદ માટે બોલાવ્યા. શોભિત ત્રણ દિવસ સુધી લગાતાર આર્યની સાથે હોસ્પિટલમાં જ રહ્યા. એમની કંપનીથી આર્યનને ધાર્યા કરતાં વધારે ઝડપથી રિકવર થઇ ગયો.

 

શોભિત સાથે બહુ માપસર બોલતી શ્રુતિ એ દિવસે પોતાને રોકી ન શકી અને આખંમાં આંસુ સાથે તેણે શોભિતનો ખરા હ્રદયથી આભાર માન્યો. મમ્માને આ રીતે રડતી જોઇને અચાનક જ આર્યે શોભિતની સામે જોઇને બોલી ઉઠ્યો, જો મારા ડેડી હોત ને તો આમ મમ્માને રડવું ન પડેત અને એ તમારી જેમ જ મારી સાથે હોસ્પિટલમાં રહ્યા હોત! તેની વાત સાંભળીને શ્રુતિ થોડી ઝંખવાઇ ગઇ…

પણ સામે શોભિત હસી પડ્યો અને શ્રુતિ પાસે જઇને બોલ્યો, “આપને એક વાત પૂછવી છે, પૂછું? આપને જો કોઇ વાંધો ન હોય તો આપના જીવનમાં હું હંમેશ માટે સાથ આપવા માંગું છું.”

સાંભળીને શ્રુતિ ચોંકી ગઇ. કારણ કે શોભિત અપરણિત હતો એટલું જ નહીં, શ્રુતિ કરતાં પાંચ વર્ષ નાનો પણ હતો. શું જવાબ આપવો એ તત્કાળ ન સૂઝ્યું એટલે એ અચકાતાં અચકાતાં બોલી, “પણ… હું આપના કરતાં મોટી અને વિધવા….”

એની મૂંઝવણ જોઇને શોભિત વચ્ચેથી જ હસીને બોલી પડ્યો, “આપના હસબન્ડ બનવા માટે કદાચ મને આ વાતે વાંધો હોત, પણ આર્યના ડેડી બનવા માટે મને આવું કોઇ પણ કારણ રોકી શકતું નથી!”

શ્રુતિને શું કહેવું એ હજી સમજાતું નહોતું, પણ આર્યએ તો શોભિતનો હાથ પકડી લીધો અને આંખોથી હા પણ કહી દીધી…. આર્યની નાનકડી બીમારીએ શ્રુતિને મોટી ભેટ આપી હતી.

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)