છેવટે હીરો ગયો ક્યાં?

મુનીર ચોક્સીએ આખી ઓફિસમાં બૂમાબૂમ મચાવી દીધી. સીસીટીવીની બાજ નજર ચૂકાવીને ય હીરો ગયો ક્યાં? હીરો ખરેખર કારીગરથી અજાણતા ખોવાયો કે પછી તેણે કોઇ કારીગરી કરી? આમ તો મુનીરની નજર સીસીટીવીથી ય શાર્પ હતી, પણ તો ય 75 હજારની કિંમતનો આ હીરો ક્યાં ગયો એની કોઇને ખબર ન પડી.

હાંફળા ફાંફળા થયેલા મુનીર શેઠે એકેએક કારીગરના ટેબલ પર જઇ નજર ફેરવી. આખી ઓફિસની કાર્પેટ ક્લીન કરાવી. પણ વ્યર્થ. છેવટે હીરો ગયો ક્યાં? માથે હાથ ટેકવતાં મુનીર શેઠ વિચારમાં પડી ગયા.

મુનીર ચોક્સીની આ પેઢી સુરતની નામાંકિત ગણાતી પેઢીઓમાં આવતી. દાદાજીએ સ્થાપેલી આ પેઢીમાં એકસોથી વધારે કર્મચારીઓ કામ કરતા. ક્યારેય આ રીતે કિંમતી હીરો ચોરાયો હોય કે ખોવાયો હોય એવું બન્યું નહોતું. પિતાના અવસાન પછી મુનીર શેઠે એકલા હાથે બિઝનેસ વધારેલો. પિતાજીના સમયના વિશ્વાસુ કર્મચારીઓ પણ કામ કરતા. લગ્ન-પરિવાર વિના એકલા જ રહેતા મુનીરનું એકમાત્ર સપનું હતું આ પેઢીને હીરાબજારની નંબર વન પેઢી બનાવવાનું. ક્યારેક પોતાના પછી વારસામાં આ પેઢી કોણ સંભાળશે એની ય ચિંતા રહેતી, પણ અત્યારે તો એને ચિંતા આ ખોવાયેલા કિંતી હીરાની હતી.

એવામાં કેબિનનો દરવાજો ખોલી પાણીનો ગ્લાસ લઇને આવેલા એના વિશ્વાસું પ્યૂન-કમ-મેનેજર કબીર પર એની નજર પડી. કબીર ખૂબ જ શાંત અને ચતુર સ્વભાવનો. મુનીર શેઠ જ્યારે ગંભીર સમસ્યામાં હોય કે કોઇ ચિંતા હોય ત્યારે કબીર સાથે ચર્ચા ય કરતા. ઘણીવાર કબીરની નાનકડી વાતમાંથી એમને મુશ્કેલીનો હલ ય મળી જતો એટલે આજે એમણે આ હીરો શોધવાની સમસ્યા કબીરને સંભળાવી. “સર,પોલીસ કેસ કરશું કે?” કબીરની વાત સાંભળ્યા પછી ડોકું ધૂણાવતાં મુનીર શેઠે કહ્યું, “ના. અંદરના જ કોઇ કારીગરનું કામ લાગે છે મને….”

સાવ સામાન્ય પરિવારમાંથી આવતો વિધવા માતાનો એકનો એક દીકરો કબીર બીજું તો શું કહે? ખૂબ જ મહેનતુ અને આદર્શવાદી સ્વભાવનો હતો એટલે શેઠને આશ્વાસન આપીને એમની સૂચના પ્રમાણે તેણે સ્ટાફની દરેક સભ્યની તલાશી લેવાનું શરૂ કર્યું.

કામ અઘરું હતું, પણ કબીરે એક પછી એક બધાની પૂછપરછ કરવાનું શરૂ કર્યું. તલાશી લેતાં લેતાં તે આવ્યો મેનેજર અશોક પાસે. અકળાયેલા અશોકે કબીરને “જલદી પતાવી દે” એ મતલબનો આંખથી ઇશારો કર્યો.

કબીરે કંઇક વિચાર્યું અને ઊભો રહી ગયો. પછી તરત જ મુનીર શેઠને બોલાવીને કહ્યું, સર ચોર મળી ગયો છે. સાંભળતાં જ અશોક ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતા બોલ્યો, “અરે શું પ્રુફ છે કે હું જ ચોર છું ભાઇ? મને કોઇ ખોટો આરોપ લગાવે તે પસંદ નથી હોં!”

મંદમંદ હસતા કબીરે મુનીર શેઠને અશોકના ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ બતાવ્યો. પાણીમાં ડૂબેલો હીરો ચમકી રહ્યો હતો!

મુનીર શેઠ ખુશખુશાલ નજરે હીરા સામે જોઇ રહ્યા. મેનેજર અશોકને ત્યાં જ પાણીચું પકડાવીને કેબિનની અંદર જતાં જતાં મુનીર શેઠ મનમાં બોલી રહ્યા હતા, “વાહ! મને આ હીરાની સાથે સાથે કંપનીના ભવિષ્ય માટે બીજો હીરો ય મળી ગયો!”

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)