બસસ્ટેન્ડે પહોંચીને બંદિશે જોયું તો ખાસ ભીડ નહોતી. બસસ્ટેન્ડ લગભગ ખાલી લાગતું હતું. વાંધો નહીં એમ વિચારીને સાઇડમાં કાર ઊભી રાખીને તે રાહ જોવા લાગ્યો. આમ તો આજે તો તેને ઘરે વહેલા જવું પડે તેમ હતું. ઓસ્ટ્રેલિયાથી આવેલા એક ક્લાયન્ટ કમ મહેમાન ઘરે આવવાના હતા. એમની સાથે એક મોટી બિઝનેસ ડીલ થવાની સંભાવના હતી.
એક તરફ ઘરે જવાની ઉતાવળ ય હતી અને બીજી તરફ રોજનો એક નિયમ પણ હતો. મમ્મીના મૃત્યુ પછી બંદિશે ઓફિસથી ઘરે જતાં પહેલાં બસની રાહ જોઇ રહેલા કોઇને કોઇ બુઝુર્ગને લીફ્ટ આપતો. મમ્મીએ એકવાર સોંપેલું આ કામ મમ્મીના અવસાન પછી નિયમ બની ગયેલો. તે જમવાનું ભૂલી શકે, પણ આ કામ ન ભૂલે. પણ આજની ઉતાવળ જોતાં કદાચ આ નિયમ તોડવો પડે એવું લાગતું હતું….
કાંઇ વાંધો નહીં. એકાદ દિવસ તો ચાલે એમ વિચારીને તે કાર સ્ટાર્ટ કરવા જતો જ હતો ત્યાં બસસ્ટેન્ડ તરફ હાંફતા આવી રહેલા એક પરિચિત દાદાજી પર તેની નજર પડી. અગાઉ પણ તે એમને લીફ્ટ આપી ચૂકેલો એટલે વધારે કાંઇ વિચાર્યા વિના તેણે દાદાજીને કારમાં બેસાડી દીધા. રસ્તામાં એક મેડિકલ સ્ટોરમાંથી દાદાજીને દવા લેવાની હતી એટલે ગાડી રોકવી પડી. તે ઓલરેડી મોડો હતો, પણ શું થાય?
હજુ તો એ દાદાજીને ઘરે ઊતારે એ પહેલાં ઘરેથી ફોન આવી ગયો કે, એમની રાહ જોઇને બેઠેલા મહેમાન મોડું થવાથી નીકળી ગયા હતા!
‘ઓહ! એક સારી ડીલ હાથમાંથી ગઇ!…’ હજુ તો એ આમ વિચારતો હતો ત્યાં હાથમાં દવાઓનું બોક્સ લઇને ગાડીને દરવાજો ખોલતા દાદાજીના ચહેરા પર તેની નજર પડી. એક સેકન્ડ કંઇક વિચારીને તેણે દાદાજીને કહ્યું, “આજે તો તમારા ઘરે સાથે ચા પીએ, ચાલો…
બોખલું હસતાં હસતાં દાદાજી બોલ્યા, “જરૂર, બેટા! ખૂબ રાજી થઇશ….”
એ દિવસે ચામાં જે ટેસ્ટ આવ્યો એ બંદિશે અગાઉ ક્યારેય માણ્યો નહોતો.
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)