આજે શું વાત કરું હું મલય સાથે…?

અહીં તેને ખૂબ મજા આવતી હતી. ખળખળ વહેતી, થોડી શાંત, થોડી તોફાની નદી, પંખીઓનો કલરવ, મંદ મંદ વાતો સુરમ્ય પવન અને થોડાં રમતાં બાળકો. બીજા લોકો માટે આમ તો આ બધું સામાન્ય જ હતું ,પણ તેના માટે આ સામાન્ય નહોતું.

કેમ?

કેમ કે લોપા નામની આ સુંદર યુવતી નાનપણથી જ પ્રકૃતિપ્રેમી જીવ હતી. તેને રોજ અહીં નદીકિનારે સમય પસાર કરવો ખૂબ ગમતો. પ્રકૃતિનું સાનિધ્ય તેને ખૂબ જ વહાલું. જેમ એક માતા બાળકને ચાહે, જેમ એક માળી પોતાના બાગને સંભાળે તેમ જ તે અદ્રશ્ય રીતે પ્રકૃતિને ચાહતી.

શહેરથી થોડે દૂર આવેલા આ નદીકિનારે બેઠેલી લોપા આજે ખુશ લાગતી હતી. તે ક્યારેનીય બેઠી બેઠી કોઇ ગીત ગણગણાવતી હતી. આમેય થોડા સમયથી તે એક અજીબ પ્રકારની મીઠી મૂંઝવણમાં હોય એવું લાગતું હતું. તેને આ દુનિયા વધુ ગમવા લાગી હતી અને તે પણ!

અહા! શું અવાજ હતો તેનો! અને વાત કરવાની રીતભાત તો શું કહેવું ભાઇ. લોપાની સાથે ત્રણ-ચાર વાર તે પણ અહીં નદીકિનારે બેસવા આવેલો. એ વખતે વાત થઇ હતી તેની સાથે. લોપાએ જ્યારે નામ પૂછ્યું ત્યારે ઘેરા પણ નમ્ર અવાજમાં તેણે કહ્યું હતુંઃ મલય. એ પણ થોડા પ્રેમભર્યા ટોનમાં.

એ પછી વાતચીતનો સિલસિલો આગળ વધ્યો, મલય અહીં બેસીને પ્રકૃતિની, પોતાના પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની વાતો વધારે કરે અને પોતાના વિશે બહુ થોડી. તે ક્યાંક દૂર જોબ કરતો હતો એમ કહેલું એટલું જ. બાકી તેના વિશે લોપા કાંઇ જાણતી નહોતી. હા, તે લોપા વિષે તે બધું જ જાણતો. લોપા સામે ચાલીને કદાચ થોડી વધારે ખુલતી તેની સાથે એટલે!

 

આજે લગભગ પંદર દિવસ પછી તે ફરી આવવાનો હતો. આ નદીકિનારે. લોપાને મળવા. લોપા ખુશ હતી આજે. તે વિચારી રહી કે શું વાતો કરીશ આજે? નદી, પંખીઓ અને પ્રકૃતિના પ્રેમ વિષે તો ખૂબ વાતો કરી લીધી! આજે મલય સાથે શું વાતો કરું?

એવામાં પાછળથી કોઇના પગરવનો અવાજ સંભળાયો. અને તેનો અવાજ પણઃ “લોપા! ક્યાં અલોપ થઇ ગઇ?”

“અરે અરે! હું તો બસ અહીં જ છું. આવી ગયા તમે?”

“બિલકુલ,આવી ગયો.”

થોડીવાર પ્રકૃતિની આડીઅવળી વાતો કર્યા પછી નદી કિનારેથી ઉપર તરફ જતી વખતે મલયે પોતાનો જમણો હાથ તેના હાથમાં મૂક્યો. લોપાના હાથને ખૂબ ધીમેથી પકડી તેની બરાબર સામે ઊભા રહી મલય બોલ્યો, “લોપા, હું આટલા દિવસ કેમ ન આવ્યો એનું કારણ નહીં પૂછે?”

“અરે મલય, તમે કહ્યું તો હતું કે ઓફિસનું કામ છે તો થોડા દિવસ લાગશે.”

“અરે ગાંડી, હું શું લઇને આવ્યો છું ખબર છે? લંડનના સૌથી મોટા આઇ સર્જન ડો.મિશેલની તારા માટેની એપોઇન્ટમેન્ટ. આપણે બે દિવસ પછી લંડન જઇ રહ્યા છીએ, સમજી?”

પછી મલય નદી તરફ ફરીને લોપાને કહેવા લાગ્યો, “તારી આ નદી, આ પંખીઓ અને આ પવનથી હલતાં પાંદડાંઓ… આ બધું તું તારી આ સુંદર દ્રષ્ટિએ મને બતાવી શકીશ… બહુ જલદી!”

લોપા અવાક થઇ ગઇ. મલયને શું કહેવું એ તેને ન સૂઝ્યું એટલે તેણે મલયના હાથને પોતાની દ્રષ્ટિવિહીન, પણ ભાવવાહી આંખોમાંથી વહી રહેલાં ગરમ અશ્રુઓને સ્પર્શવા દીધાં.

સામે છેડે મલયના હ્રદયમાં પણ આજે થોડી ટાઢક વળી હતી. થોડાં દિવસ પહેલાં તેની કાર સાથે અથડાઇને મૃત્યુ પામેલા વંદનાબહેને અંતિમ ક્ષણોમાં કહેલી વાત તેને યાદ આવી કે, “મારા પછી મારી અંધ દીકરીનું શું થશે હવે? બસ, બની શકે તો એની લાકડી બનજે, બેટા!”

લોપાને આજે મલય ખુદ મળ્યો હતો એની લાકડી બનીને અને મલયને લોપા મળી હતી એના જીવનની નવી દ્રષ્ટિ બનીને!

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)