કબીરવાણી: ઘડીભરનો સત્સંગ ચિનગારીનું કામ કરે છે

જગમેં યુક્તિ અનૂપ હૈ, સાધુ સંગ ગુરુજ્ઞાન,

તામે નિપટ અનૂપ હૈ, સત ગુરુ લાગાકાન.

 

કબીરજી સાંસારિક બંધનોમાંથી છૂટવાની અદ્ભુત યુકિત બતાવે છે. સત્સંગ અને ગુરુજ્ઞાન દ્વારા વ્યક્તિમાં સદગુણોનું સિંચન થાય છે. ષટ્રિપુ સમાન મદ, મોહ, ક્રોધ, લોભ અસૂયા અને કામ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સદગુરુઓનાં વચનામૃતો સ્મરણમાં રહે તો વ્યક્તિ ઉત્તમ માર્ગે ચાલતી રહે છે. ઘડીભરનો સત્સંગ ચિનગારીનું કામ કરે છે.

આપણી કવિતામાં કહ્યું છે કે, “એક જ દે ચિનગારી મહાનળ, એક જ દે ચિનગારી.” કબીરજી “આવો તણખો ગુરુજ્ઞાન છે” તેમ કહે છે. સાથે સાથે સ્મશાન, વૈરાગ્ય જેવી તદ્દન હંગામી લાગણીથી મુક્તિમાર્ગ મળતો નથી.

 

સૌ જીવનની ક્ષણભંગુરતા સમજે છે પણ કદી મરણ આવવાનું જ નથી તેમ માની ન કરવાં જેવાં કામોમાં રચ્યા-પચ્યા રહે છે. વ્યાસજી તેથી જ એ ઘટનાને આઙ્ગર્યકારક લેખે છે કે, “હું સૌને હાથ ઊંચા કરી પોકાર કરું છું કે, ધર્મ જ રક્ષણ કરશે પણ કોઈ ધ્યાન આપતું નથી.” યક્ષપ્રશ્નના જવાબમાં યુધિષ્ઠિર પણ લોકોની આ સત્યની ઉપેક્ષાને સૌથી મોટી અજાયબી માને છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)