કબીરવાણી: આબરૂ, આદર અને સ્નેહ જાળવી રાખો

આબ ગયા આદર ગયા, નૈનન ગયા સનેહ,
યહ તીનોં તબહી ગયે, જબહિં કહા કછુ દેહ

 

વિજ્ઞાન અને ટેક્નોલૉજીના યુગમાં ભૌતિક સંપત્તિમાં અવશ્ય વધારો થયો છે. માનવીય સંબંધોમાં ખાસ કરીને મિત્રતામાં જ્યારે અપેક્ષાઓ વધી જાય છે ત્યારે અરસપરસની લાગણીઓને ધક્કો લાગે છે. જે વ્યક્તિ પ્રત્યે મિત્ર કે સંબંધીને માન હોય, ઈજ્જત હોય, સ્નેહ હોય તેના તરફથી કાંઈ માગણી થાય તો સામાપક્ષે સંકોચ થાય કે નારાજગી થાય.

માગવાવાળાએ હંમેશાં આભારના ભાર તળે દબાવું પડે છે. આથી તેની પ્રત્યે જે આબરૂ, આદર અને સ્નેહ હોય તેમાં ઘટાડો થાય છે.

બલિરાજા પાસે ભિક્ષુકરૂપે આવતાં ભગવાને પણ વામનરૂપ ધારણ કરવું પડે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર હોય તો માગવાનો પ્રસંગ જવલ્લે જ આવે છે. કબીરજીનું જીવન ગરીબીમાં પસાર થયું પણ ભૂખ્યા રહીને પણ તેમણે અને તેમનાં પત્ની લોઈએ આગંતુકોને જમાડ્યા. તેથી કબીરજીએ પ્રભુપ્રાર્થના કરી કે, “ સાંઈ ઈતના દીજીયે, મેં ભી ભૂખા ના રહું, સાધુ ન ભૂખા જાય.”

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)