કબીરવાણી: સંતને કેમ ઓળખવા?

દયા ગરીબી,  બંદગી,  સમતા શીલ સુભાવ,

યે તે લક્ષણ સાધુ કે, કહૈ કબીર સદભાવ.

 

સંતની સૌબત ભલી પણ સંતને કેમ ઓળખવા? કબીર સાહેબે આ સાખીમાં સંતના 6 ગુણ વર્ણવ્યા. દયા, અનુકંપા, કરુણા, સંવેદનશીલતા વિનાને સાધુ કેમ કહી શકાય? ગરીબી – સાદગી – વૈરાગ્ય – અપરિગ્રહથી જ આસક્તિ ટળે છે. સ્વેચ્છાએ ગરીબી સ્વીકાર કરનારને અસંતોષ નથી હોતો. જાનકુ કુછ ન ચાહિયે વો શાહોં કા શાહ. બંદગી – પ્રાર્થના – નામ-સ્મરણ – આરઝુ અને ભક્તિ એ તો પ્રભુ સાથેના સંવાદસેતુ છે. મનને સ્થિર કરી, ઈચ્છાઓનો પરિત્યાગ કરી, જાત સાથે સંવાદ કરી જે સત્યની આરાધના કરે છે તે જીવ ઉચ્ચ કોટિનો છે. સમતા – સુખદુઃખ સમાન – અદ્વૈતના અનુભવથી સર્વમાં ચૈતન્ય સ્વરૂપ નિહાળવાની વૃત્તિ જ મંગળકારી છે.

શીલ – ચારિત્ર્ય – ગુણ અને શિસ્ત વિના માનવીમાં રહેલી પાશવી વૃત્તિઓનું નિયંત્રણ શક્ય નથી. શીલ વિનાનો મનુષ્ય બુદ્ધિના દુરુપયોગથી પોતાને અને સૌને દુઃખ આપે છે. સુભાવ સદભાવનાના કારણે જ પરોપકારી વૃત્તિ દ્દઢ બને છે. મોહ, મદ, માયા, લોભ, ઈર્ષા અને હિંસા તજવી છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)