કબીરના મતે લોભ લાલચ એટલે…

 

સહજ મિલૈ સો દૂધ હૈ, માંગિ મિલૈ સો પાની,

 કહે કબીર વો રકત હૈ, જામેં ખિંચાતાની.

 

વૈશ્વિક સ્પર્ધાના યુગમાં આગળ રહેવાની વૃત્તિ હોય ત્યારે કબીરજીની આવી સાખી ભલે વિચિત્ર લાગે પણ તેમની વાતનો મર્મ સમજવા જેવો છે. હકીકતમાં ગળાકાપ સ્પર્ધાના સમયમાં વ્યક્તિ વિવેક ચૂકી જાય છે. સારાં-નરસાંનો ભેદ ભૂલી જવાય છે. સ્વાર્થથી પ્રેરિત એવાં કર્મો કરે છે જે સમાજને નુકસાનકારક છે. લોકશાહીમાં રાજકીય ક્ષેત્રે પક્ષાપક્ષી હોય, પરંતુ સત્તાની લાલસાને કારણે ગમે તેવી રીત-રસમો અપનાવી પોતાનો કક્કો ખરો કરાવવો તેમાંથી જ હિંસાનો જન્મ થાય છે.

ઈશ્વરમાં જેને આસ્થા છે તે જે મળે છે તે પ્રભુપ્રસાદી તરીકે સ્વીકારી લે છે. લોભ માણસને અન્ય પાસેથી માગીને કે ઝૂંટવીને કાંઈક પ્રાપ્ત કરવા પ્રેરે છે.

કબીરજી આવી પરિસ્થિતિ બાબત ચેતવણી આપે છે. વ્યક્તિ જ નહીં, રાષ્ટ્રો પણ પોતાનાં આર્થિક હિતો માટે કાવાદાવા, લડાઈ અને શોષણનો માર્ગ અપનાવે છે. માનવજાતિ પર જે ખતરો છે તે આવી વૃત્તિથી નિર્માણ થતી તનાવની સ્થિતિ છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)