WHOના અહેવાલ મુજબ આવનાર સમયમાં કોઈ સૌથી ઘાતક રોગ હશે તો તે જીવનશૈલીથી થતાં રોગો હશે. તેમાં પણ સ્ટ્રેસ એટલે કે તણાવ મોખરે હશે. આ સ્ટ્રેસ નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિ સુધી ફેલાયેલો રોગ છે. અને તે મોટેભાગે કામ સાથે જોડાયેલો છે. એનું કારણ શું? કેમ કે આપણે કામને રમત તરીકે નથી લેતા.
કહેવાય છે કે No work is stressful. It is your inability to manage your body, mind and emotions that makes it stressful. જગદગુરુ શ્રીકૃષ્ણે આ વાતને આત્મસાત કરી હતી. તેઓ વર્ક-પ્લે કન્સેપ્ટના ખૂબ અસરકારક ઉપયોગકર્તા હતા. તેમના જીવનના એવા અનેક દાખલાઓ છે જ્યાં તેમણે કામને રમત તરીકે લીધું છે.
બાલ્યાવસ્થામાં પૂતના નામની રાક્ષસીનો વધ કરવો, કાલીયા નાગ પર નૃત્ય કરી સાહજીકતાથી તેનું મર્દન કરવું અને પાઠ ભણાવવો, ભગવાન ઇન્દ્રના કોપથી સમગ્ર ગોકુળવાસીઓને બચાવવા ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ હસતાં હસતાં ઉઠાવી એક સાચા લોકનાયક તરીકે ગોવાળિયાઓની સંઘશક્તિનું દર્શન કરાવવું, પાંડવોના દૂત તરીકે દુર્યોધનના દરબારમાં અપમાન છતાં હસતાં હસતાં દૂતકર્મ નિભાવવું વગેરે ઘણા દાખલા છે.
કોઈપણ કંપનીનો સફળતાપૂર્વક વિકાસ કરવા માટે તેના કર્મચારીઓએ પણ આ કન્સેપ્ટ આત્મસાત કરવો જોઈએ. કંપનીમાં જેટલો મોટો હોદ્દો એટલી મોટી જવાબદારી. જેટલી જવાબદારી મોટી એટલું સ્ટ્રેસ પણ વધારે. આ પરિસ્થિતીમાં બે વિકલ્પ ઉપલબ્ધ છે, કાં તો પરિસ્થિતીને ગાળો દેતાં દેતાં તણાવમાં રહી જવાબદારીનું વાહન કરો કાં તો હસતાં હસતાં જવાબદારી નિભાવો. શ્રીકૃષ્ણ બીજો વિકલ્પ પસંદ કરવાનું સૂચવે છે. અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં વિજય હોય જ. ખરું ને?
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
