જ્ઞાન અથવા ક્ષમતા અર્જિત કરવી હોય તો શરણે જવું પડે

‘શનૈ: પંથા, શનૈ: કંથા શનૈઃ પર્વતમસ્તકે

શનૈ: વિદ્યા શનૈ દ્રવ્યમ્ પંચૈતાનિ શનૈ: શનૈ:’

અર્થાત્ ધીમે ધીમે રસ્તો કપાય છે, ધીમે-ધીમે ગોદડી ભરાય છે, ધીમે ધીમે પર્વત સર કરી શકાય છે, ધીમે ધીમે ધન કમાવાય છે અને ધીરે-ધીરે વિદ્યા પ્રાપ્ત થાય છે. તે રીતે આપણે ધીમે-ધીમે ગીતાજીના બોધને અર્જિત કરીશું.

હવે મનમાં પ્રશ્ન એ થાય છે કે આ યાદવ કુળના શ્રીકૃષ્ણ કૌરવો અને પાંડવોની લડાઈમાં યુદ્ધના મેદાન સુધી પહોંચ્યા કઈ રીતે? તો હવે ગીતાજીનો ઉપદેશ આપનાર ભગવાન શ્રીકૃષ્ણને આ મહાભારતના યુદ્ધના સંદર્ભમાં ઓળખીએ.

જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે પાંડવોના પ્રતિનિધિ તરીકે અર્જુન અને કૌરવોના પ્રતિનિધિ તરીકે દુર્યોધન શ્રીકૃષ્ણ પાસે જાય છે અને શ્રીકૃષ્ણ આપણે બધા જાણીએ છીએ તેમ કોઈપણ પરિસ્થિતિમાં તેમના મુખ પર એક મધુર સ્મિત છલકાતું જ હોય છે. આમ, વહીવટમાં કે જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે તો આપણે હસતા મુખે તેને વધાવી લેવી જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ તે પણ શ્રીકૃષ્ણ શીખવે છે. અર્જુન ગાઢ નિંદ્રામાં ડૂબેલા શ્રીકૃષ્ણના શરણે જઈને બેસે છે જ્યારે દુર્યોધન ભગવાનના મસ્તક પાસે પાછળ ઊભો રહે છે. અહીં આ વાત પણ અર્જુન પાસેથી શીખવા જેવી છે કે જ્ઞાન અર્જિત કરવું હોય તો શરણે જવું પડે. અભિમાન નામની અંધારી રાત્રીને માત આપીશું તો જ જ્ઞાનનો પ્રાપ્તિ થશે શકે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

આ સદીના મહાન વિચારક એલ્વીન ટોફલરે કહ્યું છે કે, ‘નોલેજ વીલ બી ધ પાવર એન્ડ વન હુ હેઝ અર્લીએઝ એક્સેસ ટુ ઈટ સેલ બી ધી મોસ્ટ પાવરફૂલ.’

મહાભારતમાં કૃષ્ણ દીર્ઘદ્રષ્ટિ અને જ્ઞાન થકી દોરવણી આપનાર સારથી હતા. કોઈ પણ ધંધો, વેપાર કે સંસારમાં પણ રથ બરાબર ચલાવવો હોય તો સારથી ઉત્તમ જ જોઈએ ને?

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)