જુદી રીતે એટલે? એ રીતે કે પહેલા આપણે અર્જુનની હતાશા એટલે કે વિષાદ પર ભાર મૂકી ભગવાન શ્રીકૃષ્ણ એને હતાશામાંથી બહાર લાવવા માટે મથામણ કરે છે તેની વાત કરી. પણ.. આપણે એ ભૂલી જઈએ છીએ કે આ હતાશા પાછળ એક દ્વિધા એટલે કે Conflict પણ છે. અર્જુનનું મન દ્વિધામાં છે અને એ દ્વિધાનો માર્યો ભગવાનને એ પૂછે છે કે, ‘હે મધુસૂદન! એક બાજુ પૂજવા યોગ્ય ભિષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ છે. અત્યંત ઉદાર અંતઃકરણવાળા આ ગુરુજનોને મારવા કરતાં આ લોકમાં ભીખ માગીને ખાવું પણ કલ્યાણકારી છે, કેમ કે, ગુરુજનોનો વધ કરીને મળેલ ભોગ લોહીથી ખરડાયેલા છે.’ (સાંખ્યયોગ શ્લોકઃ ૪-૫)
આમ, અર્જુનની બીજી દ્વિધા પોતાના ગુરુ તેમજ વડીલો સામે શસ્ત્ર ઊંચકવાની છે, એના મનમાં દ્વંદ ચાલી રહ્યું છે. મનમાં જ્યારે પણ વિરોધાભાસી વિચારોનો દ્વંદ્વ જાગે એટલે કે conflict ઊભી થાય, સાચો નિર્ણય લેવાની માણસની શક્તિ હાલકડોલક થઈ જાય છે. વિચાર મક્કમ કર્યા વગર લેવાયેલો નિર્ણય ગેરમાર્ગે દોરનારો અને ખોટો હોય છે. માટે મૅનેજમેન્ટ બાબતે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર સ્થિર કરો. સ્પષ્ટ થઈ જાવ કે તમે જે રસ્તે જવા માગો છો તે એક માત્ર જ રસ્તો છે અને એ રસ્તે જવા માટે પૂરી તાકાત લગાવી દો, વિજય તમારો જ છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)