મહાભારતનું ઘમાસાણ યુદ્ધ ચાલ્યું હતું. બંને બાજુ એકએકથી ચઢિયાતા યોદ્ધાઓ મેદાનમાં ઉતર્યા હતા. લોહીની નદીઓ વહે એવો મહાસંહાર ચાલુ હતો. જોકે આવું થશે એ કલ્પનાથી અર્જુને કૃષ્ણને આ યુદ્ધની શરૂઆતમાં જ ઘસીને ના પાડી દીધી હતી કે હું આ યુદ્ધ નહીં લડું. એણે ભગવાનને મોઢામોઢ સંભળાવ્યું કે,
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ।
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ॥ ૨૯॥
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે ।
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ॥ ૩૦॥
નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।
ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥ ૩૧॥
આમ અર્જુન સાવ પડી ભાંગ્યો હતો. ઘનુષબાણ હેઠું મૂકી દીધું અને ત્યારે એને યુદ્ધ માટે ઉશ્કેરવા ગીતાજ્ઞાનનો ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને કરવો પડ્યો. પોતાનું વિરાટ સ્વરૂપના દર્શન કરાવી એમણે અર્જુનને કહ્યું, કે જેના માટે તું આટલો ચિંતિત છે, એ બધા તો મોતના મોંમાં પગ રાખીને ઊભા છે. તું મારે કે બીજો, એમનું મૃત્યુ નિશ્ચિત છે માટે મોહવશ થઈ એનો શોક ન કર અને આ ઉપદેશના અંતે તો એમણે અર્જુનને હુકમ જ આપી દીધોઃ
હે પરંતપ, હૃદયની આ દુર્બળના છોડીને તું હવે ઊભો થા. તને આ નપુંસકપણું શોભતું નથી અને સ્પષ્ટ રીતે કહેવાઈ ગયું, ‘પાર્થ તું ચઢાવ બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’ આમ મહાભારતના મહાયુદ્ધની શરૂઆતમાં સંપૂર્ણપણે નાસીપાસ થઈને ભાગી પડેલો અર્જુન યુદ્ધના મેદાનમાં કાળો કેર વર્તાવવા તૈયાર થઈ જાય છે. એ માટેના જવાબદાર ભલે આપણે કૃષ્ણની ભાષામાં નિમિત્ત અથવા દૈવ કહીએ પણ એ દૈવને જમીન પર ઉતારવાનું કામ શ્રીકૃષ્ણ પોતે કરે છે અને એ રીતે મહાભારતના યુદ્ધમાં અર્જુનને પ્રવૃત્ત કરવા માટે અને ત્યાર બાદ ઘણા બધા છળકપટ કરી પાંડવોને જિતાડવા માટે શ્રીકૃષ્ણ જવાબદાર છે. જરા હળવો શબ્દ વાપરીએ તો ‘નિમિત્ત’ છે.
આટલી પૂર્વભૂમિકા બાદ આજે શ્રીકૃષ્ણના વ્યક્તિત્વનું – ભગવાનનું વ્યક્તિત્વ ના હોય, તે કરે તે બધી લીલા! એક સાવ જુદું પાસું હવે વર્ણવવા જઈ રહ્યો છું. આપણે જાણીએ છીએ, શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષે જોડાયા હતા ત્યારે એમની શરત હતી કે પોતે શસ્ત્ર નહીં ઉપાડે. એમણે અર્જુનનું સારથીપદ સ્વીકાર્યું. એ અર્જુનનો રથ હાંકતાં વચ્ચે વચ્ચે માર્ગદર્શન પણ આપતો. દરરોજ સૂર્યાસ્ત થાય અને ભીષણ યુદ્ધની સમાપ્તિ થાય, ત્યાર બાદ તેઓ યુદ્ધમાં થાકેલા અને ઘવાયેલા ઘોડાઓની સા૨વા૨ સંભાળી લેતા. જાતે જ એમનાં ઘા સાફ કરતા. એમને ખરેરો કરતા એટલે કે નવડાવતા અને ખવડાવતા પણ ખરા. કૃષ્ણે ધાર્યું હોત તો ગમે તેને આ કામ સોંપી શક્યા હોત પણ આ કામ તેમણે પોતાની પાસે રાખ્યું હતું.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)