મેચની શરૂઆતમાં રોહિત શર્મા અથવા વિરાટ કોહલી બેટ બાજુ પર મૂકીને માથે હાથ દઈને બેસી જાય એમ અર્જુન એવા માનસિક વિષાદ અને હતાશામાં ઘેરાયો હતો કે એણે ભગવાનને સ્પષ્ટ કહ્યું કે, ‘આ પૃથ્વીનું રાજ્ય તો ઠીક છે પણ મને ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો મારા આ સ્વજનોની હત્યા કરીને મારે એ જોઈતું નથી.’
બસ અહીંથી કોમ્યુનિકેશન એટલે કે સંવાદની શરૂઆત થાય છે. ઘડીભર કલ્પના કરો કે કુરુક્ષેત્રના મેદાન પર કાળને થંભાવીને ભગવાન શ્રીકૃષ્ણે એમના સખા અર્જુનને ગીતોપદેશ ન કર્યો હોત અને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવી જે જન્મે છે તે જાય છે, એમાં તું માત્ર નિમિત્ત છે એવું અર્જુનના મગજમાં ઘૂસાડ્યા બાદ એક સફળ સારથી (કેપ્ટન) તરીકે ભગવાન શ્રીકૃષ્ણે એને આદેશ ન કર્યો હોત તો?
ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ॥ (અધ્યાય-૨ શ્લોક-૩)
(હે પાર્થ, આ નપુંસકતા તને શોભા દેતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા)
આજના યુગમાં સફળ મેનેજરે સફળ કોમ્યુનિકેટર બનવું પડે છે એ ન થાય ત્યાં સુધી કશું જ આગળ ચાલતું નથી કારણ કે, એ થકી જ પોતે જે કહેવા માગે છે તેની સ્પષ્ટતા, આધારભૂતતા તેમજ સાથી અને તાબા હેઠળના કર્મચારીઓની પોતા માટેનું માન અને સહાનુભૂતિ તેમને પ્રોત્સાહન આપે છે, દોરે છે અને સમગ્ર ટીમને એ જ લક્ષ્ય તરફ પ્રતિબદ્ધતાથી આગળ વધવા પ્રેરે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)