શેરને માથે સવા શેર

દિલિપકુમારે પોતાની બાયોગ્રાફી ‘ધ સબસ્ટેન્સ એન્ડ ધ શેડો’માં એક પ્રસંગ વર્ણવ્યો છે. એક વખત દિલીપકુમાર હવાઈજહાજમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બધા વારાફરતી તેમનો ઓટોગ્રાફ લેવા આવતા હતા. દિલીપકુમારની બાજુની જ સીટમાં બેઠેલી વ્યક્તિ કોઈપણ પ્રકારનો પ્રતિભાવ આપ્યા વિના પોતાના કામમાં વ્યસ્ત હતો.

દિલિપકુમારે આ જોયું અને તેમનાથી રહેવાયું નહીં. તેમણે બાજુમાં બેઠેલી વ્યક્તિને કહ્યું, ‘હું બૉલીવુડ અભિનેતા છું.’ પેલા વ્યક્તિએ ‘સરસ’ એમ ટૂંકો જવાબ આપ્યો. પ્લેન લેન્ડ થતાં બંને ઉતર્યા ત્યારે દિલીપકુમારે મશ્કરીમાં પોતે અભિતાભ બચ્ચન છે તેમ ઓળખાણ આપી. ત્યારે સામે પેલી વ્યક્તિએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘હું જેઆરડી ટાટા છું.’

આ જ પ્રકારની ઘટના આપણા રોજિંદા જીવનમાં કે વેપાર-ધંધામાં પણ બનતી હોય છે. કોઈ કંપની એવું અભિમાન રાખે કે બજારમાં પોતાની પ્રોડક્ટ જ બેસ્ટ છે, તેને કોઈ હરાવી શકે એવી બીજી પ્રોડક્ટ આવી જ ન શકે એ ખોટું છે. એટલે જ અભિમાન કરવું નહીં. અભિમાન કોઈનું ટકતું નથી. કંસ હોય કે રાવણ, અભિમાનનો અંત સરખો જ હોય છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)