Opinion: દિવાળી પર ફટાકડા ફોડવા કેટલા યોગ્ય?

ગુજરાત સહિત દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં તો દિવાળી પછી બીજા દિવસે નવા વર્ષના પ્રારંભ નિમિત્તે આ તહેવારનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. સામાન્ય રીતે દિવાળીનો તહેવાર પ્રકાશનો તહેવાર છે, જેમાં નવા રંગ, નવા ઉમંગ સાથે ગુજરાતી લોકો નવા વર્ષનો મંગળ પ્રારંભ કરે છે. ઘરમાં રંગોળી કરે, નવી લાઈટોથી ઘરને શણગારવામાં આવે, ફટાકડા ફોડવામાં આવે.

પરંતુ આ ઉજવણીમાં મગ્ન થતી વખતે આપણે દિવાળીમાં ફોડાતા ફટાકડાઓથી થતા સંભવિત નુકસાનનો ખ્યાલ રાખીએ છીએ ખરા? ફટાકડાના અવાજથી થતું ધ્વનિ પ્રદુષણ અને એના ધૂમાડાથી થતા વાયુ પ્રદુષણ પ્રત્યે આપણે એટલા ગંભીર છીએ ખરા?

ના, તહેવારોની ઉજવણી ન જ કરવી જોઇએ એવું કહેવાનો અહીં આશય નથી. ફટાકડા ન જ ફોડવા જોઇએ એવું પણ નથી, પરંતુ એનો ઉપાય શું?

દિવાળી સમયે ફટાકડાં ફોડવા જોઇએ કે નહીં એ મુદ્દે લાંબા સમયથી આપણે ત્યાં ચર્ચા થતી આવે છે અને આ બાબતે અલગ અલગ મત પ્રવર્તે છે ત્યારે આ વખતે ઓપિનિયન વિભાગમાં જાણીએ કે લોકો પોતે આ મુદ્દે શું માને છે?

મહેન્દ્ર પંડ્યા, ડાયરેક્ટર, પર્યાવરણ મિત્ર, અમદાવાદ

મારા મત અનુસાર દિવાળીનો તહેવાર દીપોત્સવનો છે, ફટાકડા તો ફોડવા જોઈએ. દિવાળીના દિવસે ફટાકડા ફોડવાનું કારણે એ છે કે, આ સમયે ચોમાસુ પૂર્ણ થયું હોય અને આ સમયમાં મચ્છરનો ઉપદ્રવ હોય, એટલા માટે એવા ફટાકડા ફોડવામાં આવતા જેનાથી રોગચાળો ફેલાવતા જીવજંતુનો નાશ થાય. પણ આજે એટલા મોટા અવાજ, પ્રકાશ અને ઝેરીલા રસાયણોના ફટાકડા ફૂટે છે. જેનાથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેનાથી વૃધ્ધો, નવજાત શિશુ, ગર્ભવતી મહિલાઓ અને પશુ-પ્રાણીને નુકસાન પહોંચે છે. એટલા માટે ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જેમાં ફટાકડા ફોડવાના સમય સાથે કેવા ફટાકડા ફોડવા તેના પણ સૂચનો કર્યા છે. દિવાળીનો તહેવાર છે, ફટાકડા ફોડવાની એક પરંપરા બની ગઈ છે, તો ફટાકડા ફોડાય પણ એક લિમિટ સાથે અને પર્યાવરણને ઓછુ નુકસાન કરે તેવા ફટાકડા ફોડાય.

રોહિત પ્રજાપતિ, પર્યાવરણ પ્રેમી, વડોદરા

આનંદ અને મજા કરવાને અવાજ અને લાઈટો સાથે કોઈ લેવાદેવા નથી. કેમ આપણે કોઈને પરેશાન કર્યા વગર તહેવાર માણી ન શકીએ? આવું કરવા પાછળ ક્યાંકને ક્યાંક દેખાદેખી પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તહેવાર કોઈ પણ હોય, આપણે તે તહેવારની ગરિમા જાળવવી જોઈએ. કોઈ કરે તેવું કરવા કરતા સારુ છે કે, કોઈને ખુશી આપી ખુશી માણવી જોઈએ. જ્યારે ફટાકડાથી જે થાય છે એ ઘોંઘાટ છે, સંગીત અને ઘોંઘાટ વચ્ચે મોટો અંતર છે. તહેવારના સમયે લાઈટો અને ફટાકડા જેવી વસ્તુ વિષે ઘરમાં ચર્ચા થવી જોઈએ. કેમકે આપણા પર અમુક વસ્તુ થોપવામાં આવી છે, જે આપણે જ નથી જાણતા કે આપણી મજા માટે કરીએ છીએ કે લોકોને દેખાડવા માટે. ફટાકડા અને લાઇટ જેવી વસ્તુને ટાળવાથી ઉત્સાહ અને આનંદમાં ઘટાડો થાય એવું મને નથી લાગતુ. ગ્રીન ફટાકડા માત્રને માત્ર ફટાકડાને જીવતા રાખવાની વાત છે, એ પણ એટલા જ હાનિકારક હોય છે.

શૈલેષ રાઠોડ, સામાજિક રાજનૈતિક વિશ્લેષક, અમદાવાદ

કોરોના બાદ સમયમાં અસ્થમા, ગાળાને લગતી બીમારી અને શ્વાસને લગતી બીમારીમાં વધારો થયો છે. જ્યાં સુધી આવી બીમારીનો વ્યાપ ન હતો, ત્યાં સુધી ફટાકડા યોગ્ય હતા. ડોક્ટરોના મત અનુસાર પણ આ ધૂમાડાથી બીમારીઓ વધી રહી છે. ખાસ કરીને વૃધ્ધોને આ ધુમાડાની અસર થાય છે. ફટાકડા ફોડવા તો યોગ્ય જ છે, પણ તેમાથી થતું પ્રદૂષણ નુકસાન કારક છે. તહેવારની ઉજવણી બરાબર છે, પણ જો હવે ઉજવણીના પ્રકાર બદલાય તો વધુ સારું. આપણા દ્વારા કરેલી ઉજવણીથી પ્રદૂષણમાં વધારો થશે, જે ફરીને આપણી હેલ્થ પર આવી શકે છે. દિવાળી પ્રકાશ ઉત્સવ છે, જેના પર ચાઈનીઝ માર્કેટે કબ્જો કર્યો છે. આપણે દિવાળી પર દીવા પ્રગટાવી, એકબીજાને આવકારીને પણ આ તહેવાર મનાવી શકીએ. મારુ માનવુ એવુ છે કે દિવાળી ફટાકડાના ઉત્સવની જગ્યા પર પ્રેમનો ઉત્સવ બને અજવાળું પ્રગટે.

ગીરાબહેન કૌશલભાઈ બ્રહ્મભટ્ટ, ગૃહિણી, વડોદરા

દિવાળી પ્રકાશનો પર્વ છે, પરંતુ આજકાલના લોકોએ દિવાળીને દેખાદેખીનો તહેવાર બનાવી રાખી દીધો છે. ‘તેને આટલા રૂપિયાના ફટાકડા ફોડ્યા મારે પણ આટલા રૂપિયાના ફોડવા જોઈએ’. ફટાકડા ફોડવામાં કોઈ પણ જાતની રોક નથી. તહેવાર ઉજવવા માટે ફોડવામાં આવતા ફટાકડા અને ઘોંઘાટમાં ફેર હોય છે. સામાન્ય રીતે ફટાકડા ચોમાસામાં જે જીવજંતુનો ઉપદ્રવ થયો તે ડામવા માટે ફોડવામાં આવે છે. પણ એટલા ફટાકડા ન ફોડવા જોઈએ, જેનાથી શુદ્ધ હવા પ્રદૂષિત થાય. તંત્રએ પણ ફટાકડા માટે જાહેરાત કરી છે ગ્રીન ફટાકડા ફોડવા, મોડી રાત્રે ફટાકડા ન ફોડવા, તો આપણે એ નિયમો અનુસરીને ફટાકડા ફોડવા જોઈએ. આપણે તહેવારની ઉજવણી કરીએ તેમાં પશુ પ્રાણીઓનો શુ વાંક? એ તો ફટાકડાના અવાજથી ડરી જતા હોય, કેટલીક વખત અજાણી રીતે દાઝી જતા હોય છે. અને આજકાલ મનફાવે તેમ ફટાકડા ફોડવામાં આવે છે તેનાથી દુર્ઘટના થવાનો પણ ભય વધી જાય છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)