અમદાવાદ : દર્શના પારેખ નામના ગૃહિણીએ ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, હનુમાનજીની સાથે ગાંધીજી જેવા અનેક મહાનુભાવોનાં ચિત્રો બનાવ્યાં છે. દર્શનાબહેન દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રોની વિશેષતા એ છે કે એ તમામ પાત્રો રામનું નામ લખીને દોરવામાં આવ્યા છે. એટલે કે પહેલાં ભગવાન કે મહાનુભાવોનું કાગળ પર ડ્રોઇંગ તૈયાર થાય અને ત્યારબાદ દર્શનાબહેન આખાય ચિત્રને રામ નામ લખી તૈયાર કરે.
મુંબઈમાં ઉછરી વિજ્ઞાનના વિષયો હાથે સ્નાતક થયેલા દર્શનાબહેનનાં લગ્ન અમદાવાદના જાણીતા ડોક્ટર સાથે થયાં. અભ્યાસ અને કળામાં પારંગત દર્શનાબહેન આમ તો ગૃહિણી પરંતુ કંઇક નવું કરવાનો તરવરાટ તો ખરો જ. ભણતરની સાથે ચિત્રકળામાં પણ દર્શનાબેન નાનપણથી જ માહેર હતા. ઘરકામ બાદ કે નવરાશના સમયે તૈયાર કરેલી કલાકૃતિઓ સગાંસંબંધીઓને ગિફ્ટ કરી દેતાં.
દર્શના પારેખ ચિત્રલેખા.કોમને કહે છે, ‘કોરોના મહામારી દરમિયાન ઘરે સમય પસાર કરવો સૌ માટે અઘરું હતું. મારી એક મિત્રએ કહ્યું તારી પાસે ચિત્ર દોરવાની કળા છે એની ઉપર ભગવાનનું નામ લખવાની કળાને જોડી દે… ચિત્રો દોરાશે, ભગવાનનું નામ લેવાશે અને સમય પણ પસાર થશે. ત્યારબાદ મેં શ્રીરામ, હનુમાનજી, શ્રીકૃષ્ણ ભગવાનની સાથે ગાંધીજી જેવા મહાનુભાવોનાં ચિત્રો દોરી એની પર રામનામ અંકિત કર્યું છે.
દર્શનાબહેન કહે છે, કળાત્મક અભિવ્યક્તિની સાથે રામ-નામ લખીને ચિત્રો બનાવવામાં પુણ્યનું ભાથું પણ બંધાય છે.