આ નવરાત્રિમાં શું પહેરીને ગરબે ઘૂમવું એની મૂંઝવણ હોય તો જોઈ લો, આ લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ
બસ, હવે ફરી ઉત્સાહ ને ઉમંગનો રંગીન માહોલ છવાઈ જશે. ફરી એક વાર આભલાંવાળાં રંગબેરંગી ચણિયા-ચોળી, બ્લાઉઝ, બ્રાઈટ ઓઢણી, કેડિયા-ચોયણી અને સ્કર્ટ્સ તસતસતી જોબનાઈને નિખાર આપશે. ફરી એક વાર એવું લાગશે કે જાણે આપણે કાઠિયાવાડના તરણેતરના મેળામાં આવી ગયાં છીએ, કારણ કે નવરાત્રિ છે. અદભુત અને અફલાતૂન ડિઝાઈનના બ્રિલિયન્ટ શેડ્સ ધરાવતા ઢગલાબંધ ડ્રેસ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે.
મુંબઈના ઘાટકોપર પરા (પૂર્વ)માં તો આ વખતે તમને એકદમ ગામડિયા શૈલીનાં રબારણ ગાવઠી કલેક્શન જોવા મળશે. આ સ્ટોરના માલિક જિનેશ મહેતા કહે છે:
અમારું લેટેસ્ટ અને ટ્રેન્ડી કલેક્શન છે ‘પદ્માવત’, જેમાં ડબલ ૩૬૦ ડિગ્રી ઘેર છે. નવરાત્રિમાં રાસ-ગરબાના તાલે જોશમાં આવીને ખેલંદાઓ જ્યારે ગરબે ઘૂમતા હશે ત્યારે આ ડ્રેસનું ડબલ લૅયર્ડ ઘેર એવું ઘૂમરાશે કે એ બહુ જ નાટ્યાત્મક લાગશે.
આમાં એક લૅયરની ફ્લેર પર બીજું લૅયર છે. જિનેશભાઈનાં ફેવરીટ ઘાઘરા-ચોળી છે યલો અને મજેન્ટા પિન્ક કલરનાં, જેમાં નાકા ટિકી વર્ક કરેલું છે.
રસપ્રદ વાત એ છે કે આ સેટમાં કૉટનના ફૅબ્રિકમાં અંદરની સાઈડે છ મીટરનું ફ્લેર છે, જેના પર આભલાંવાળી હૅવી કચ્છી ભરતકામ કરેલી બોર્ડર છે. વળી, બહારની સાઈડે પાંચ મીટરનું શિફોનનું ફ્લેર છે, જેમાં એમ્બ્રોઈડરી અને લાટકન વર્ક કરેલી બોર્ડર છે. આમાં પાછું કચ્છી એમ્બ્રોઈડરીવાળું બ્લાઉઝ એક અલગ જ ચાર્મ ઉમેરે છે. એની ઓઢણી બ્રાઈટ પિન્ક બાંધણીની બનેલી છે, જેમાં ગોલ્ડ બોર્ડર છે.
આ ઘાઘરા-ચોળીમાં વિવિધ કલર્સ પણ ઉપલબ્ધ છે, જેમ કે સ્પાર્કલિંગ વ્હાઈટ, નિયોન યલો, ગ્રીન, બ્લ્યુ, ઑરેન્જ, ડીપ પર્પલ અને પિન્ક. અલગ અલગ ચૉઈસ ધરાવતી બહેનો ગમે એવા આ ડ્રેસીસમાં એટલા વિકલ્પ છે કે સ્કાય ઈઝ ધ લિમિટ એમ કહી શકાય.
શ્ર્વેતરંગી ચણિયા-ચોળી આમ તો બહુ જ દુર્લભ ગણાય છે, પણ અહીં ઉપલબ્ધ છે. એમાં ડબલ ઘેર છે. ડબલ કલરફુલ એમ્બ્રોઈડર્ડ બોર્ડર પણ છે અને એની સાથે મૅચ થાય એવી વિવિધરંગી ઓઢણીઓ પણ છે. ફૅશનેબલ કન્યાઓ માટે આ બોનસરૂપ છે.
આમ તો ડિજિટલ કમ્પ્યુટરાઈઝ્ડ પ્રિન્ટ્સ પણ હવે ફૅશનની દુનિયામાં પ્રવેશી ચૂકી છે, છતાં કચ્છી એમ્બ્રોઈડરી અને આભલાંકામ કરેલાં ચણિયા-ચોળી સદાબહાર હતાં, છે અને રહેવાનાં છે એમાં કોઈ જ શક નથી.
આ શો-રૂમમાં જો તમે જાવ તો રંગબેરંગી મેઘધનુષી વૈવિધ્ય તમને જોવા મળશે. આ વર્ષના ટ્રેન્ડસમા ‘પદ્માવત’ સ્ટાઈલના ડબલ ઘેરદાર ઘાઘરા એ જ નામની ફિલ્મમાં દીપિકા પદુકોણે પહેરેલાં અફલાતૂન ચણિયા-ચોળી પરથી પ્રેરિત છે. અંજાઈ જવાય એવું અદભુત કલેક્શન અહીં છે, જે તમારી નવરાત્રિને રંગબેરંગી અને જોશીલી બનાવી દેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.