શક્તિના આ નવ સ્વરૂપને ધ્યાનથી જોયા છે?

નવરાત્રિમાં આપણે માઁના નવ સ્વરૂપની પૂજા-આરાધના કરીને સુખ-શાંતિની કામના કરીએ છીએ, પણ કોઈ વખત તમે એમના આ નવ સ્વરૂપને ધ્યાનથી નિહાળ્યા છે ખરા?

જો તમે ધ્યાનથી જોશો તો તમને એમાં એક નારીની, એક દીકરીની છબી દેખાશે, જે અનેક સંઘર્ષમાંથી પસાર થઇને અંતે નારાયણીના રૂપને સાર્થક કરે છે.

પહેલા નોરતે શૈલીપુત્રી માઁનુ સ્વરૂપ જોજો. એ સફેદ કે પીળા રંગના વસ્ત્રોમાં સજ્જ હોય છે. પર્વતની પુત્રી, જે માઁ સતીનુ જ એક સ્વરૂપ છે એ દીકરી સ્વરૂપે છે- નિર્દોષ અને નાજુક…

બીજા નોરતે માઁની બ્રહ્મચારીણીરૂપે આરાધના થાય છે, જે જ્ઞાનપ્રાપ્તિ અને વિકાસના અંશને પ્રભાવિત કરે છે. શીખવાની ઉંમરમાં કોઈ શસ્ત્રોની જરૂર રહેતી નથી એટલે માઁના આ સ્વરૂપે કોઈ શસ્ત્રો ધારણ કર્યા નથી. એટલું જ નહી, એ કોઈ વાહન પર પણ બિરાજમાન નથી.

જીવનના એ પછીના તબક્કામાં દીકરી માટે ખાસ અવસર આવે છે વિવાહનો. ત્રીજા નોરતે ચંદ્રઘંટારૂપે માઁની આરાધના થાય છે. એમના માથા પર અર્ધ ચંદ્ર ધારણ કરેલો હોય છે, જે એમને ભગવાન શિવ પાસેથી મળે છે. એવી માન્યતા છે કે, જયારે ભગવાન શિવ અતિ બિહમણાં સ્વરૂપમાં સતી સાથે લગ્ન માટે આવે છે અને બધા એમને જોઇને ગભરાઈ જાય છે ત્યારે માઁ સતી ચંદ્રઘંટાનુ રૂપ લે છે અને ભગવાન શિવજીને બિહામણું રૂપ દૂર કરવા પ્રાર્થના કરે છે. આમ, પત્ની તરીકે એ પતિની નકારાત્મકતા દૂર કરવા સક્ષમ છે. માઁનુ આ સ્વરૂપ દરેક પત્ની માટે આદર્શ છે.

ચોથા નોરતે માઁ કુષમંડા તરીકે પૂજાય છે. કુષ એટલે બ્રહ્માંડ અને અંડા એટલે બીજ. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડ નિર્માણ માઁ કુષમંડા દ્વારા થયું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ જયારે નિર્માણની જરૂર પડી છે ત્યારે એમણે દેવીનો આધાર લીધો છે. ગર્ભ ધારણ કરવાની ક્ષમતા જ એમને ‘માઁ’ ની પદવી આપે છે.

પાંચમા નોરતામાં દેવી સ્કંદમાતા એ માતૃશકિત સિદ્ધ કરે છે. સ્કંદનો અર્થ થાય છે કાર્તિકેય. અને એમની માતા એટલે પાર્વતી. જયારે કાર્તિકેયનો જન્મ થયો ત્યારે એમણે બ્રહ્માજીને ‘ૐ’ નો અર્થ પૂછેલો, પણ બ્રહ્માએ હજારો શ્લોક સમજાવ્યા પછી પણ એ સંતુષ્ટ ના થયા. એટલું જ નહી, ભગવાન શિવજી પણ એમને સમજાવી ના શક્યા. એ પછી આ સિદ્ધિ એમણે સ્વયં હાંસલ કરેલી એટલે એવું માનવામાં આવે છે કે જો તમે સ્કંદમાતાની પ્રાર્થના કરો છો તો તમે આપમેળે કાર્તિકેયની પ્રાર્થના કરો છો.

છઠ્ઠા નોરતે જેમની પૂજા થાય છે એ માઁ કાત્યાયની મહિલાઓના સંઘર્ષના પ્રતીક સમાન છે. અહીં સંઘર્ષ એટલે આંતરિક અને બાહ્ય એમ બન્ને પ્રકારના સંઘર્ષ. જયારે સ્ત્રી માતા બનીને બાળકોને ઉછેરે છે ત્યારે સાથે સાથે એના શરીરના તત્વો સાથે પણ એક પ્રકારનું આંતરિક યુદ્ધ શરૂ થાય છે. ચાલીસ વર્ષની ઉંમર પછી હોર્મોનલ ચેન્જ થવા એ સ્ત્રીઓની પોતાના શરીરની સૌથી મોટી આંતરિક લડાઈ છે, જેમાં તે એકલી લડતી હોય છે. આ લડાઈ અત્યાર સુધીની સૌથી અવર્ણીત લડાઈઓમાંની એક છે.

નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રીનું પૂજન કરવામાં આવે છે. કાલરાત્રી એ માઁનુ ઉગ્ર સ્વરૂપ છે. ચંડ, મૂંડ અને રક્તબીજ જેવા રાક્ષસોને મારવા દેવીએ આ રૂપ ધારણ કર્યું હતું. એ સ્વરૂપ એ નારીની આંતરિક અને બાહ્ય લડાઈનું પ્રતીક છે. જો તમે આ રૂપને ધ્યાનથી નિહાળશો તો ખ્યાલ આવશે કે એમના ચાર હાથમાંથી બે હાથમાં શસ્ત્રો છે અને બે હાથમાં મુદ્રા ધારણ કરેલ છે. એક અભય મુદ્રા અને બીજી વરદા. આ મુદ્રાઓ રક્ષા કરવાની અને આશિષ આપવાની ખાતરી સમાન છે.

આઠમાં નોરતામાં મહા ગૌરી એ પાર્વતીનુ સાક્ષાત સ્વરૂપ છે. કહેવાય છે કે રાક્ષસો સાથેના યુદ્ધ પછી પોતાના વિખરાયેલા સ્વરૂપને પાછું મેળવવા તેમજ ભગવાન શિવજીને રીઝવવા માઁ એ આ રૂપ લીધું હતું. માનસરોવરમાં સ્નાન કર્યા બાદ કૌશિકી સ્વરૂપે પણ એમની પૂજા થાય છે, જે મહિલાઓના શૃંગાર રસને દર્શાવે છે. શૃંગાર રસનુ મહત્વ સમજાવતું આ રૂપ દરેક સ્ત્રી અને પુરુષના સુખીજીવન માટે મહત્વનું છે.

હવે વાત નવમા નોરતાની. સિદ્ધિદાત્રી એ માઁનુ સંપૂર્ણ સ્વરૂપ છે. બ્રહ્માંડના નિર્માણ પછી માઁ એ શિવજીને 18 સિદ્ધિઓ અર્પણ કરી હતી, જેનાથી શિવજીનુ અડધું શરીર સિદ્ધિદાત્રી સાથે એકાકાર થયું. એ અર્ધનારેશ્વર કહેવાયા. આમ, સ્ત્રીત્વ અને પુરૂષત્વનો સંગમ જ સૃષ્ટિનું નિર્માણ કરી શકે છે.

વળી, સિદ્ધિદાત્રી એ પૂર્ણશક્તિનુ સ્વરૂપ છે અને એટલે જ એ પૂજનીય છે. એ પૂર્ણ છે. એ અન્નપૂર્ણાના રૂપે કુટુંબનું પોષણ કરે છે. ગર્ભ દીપને અજવાળીને વંશવેલો વધારે છે. અવરોધો સામે અડગ રહીને શક્તિ સ્વરૂપે ક્ષણે ક્ષણે સાક્ષાત્કાર કરે છે.

લખી રાખો, સામ્રાજ્યથી, સંપત્તિથી, શક્તિથી સમૃદ્ધ મહાસત્તાને પણ જયારે જ્યારે સર્જનની જરૂર પડશે ત્યારે તેમણે નારીત્વ, દેવીત્વ અને માતૃત્વ તરફ વળવું પડશે. શક્તિ હંમેશા સર્જનમાં છે, વિનાશમાં નહીં. મહાવિનાશથી તો ફક્ત ઇતિહાસ લખી શકાય છે. સર્જન એ શક્તિ માગી લે છે.

જય દુર્ગાષ્ટમી.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)