બ્રિટીશ હિરૉઈન કમ મૉડલ અને “હૅરી પૉટર” મૂવી સિરિઝમાં ચમકીને ચર્ચામાં આવી ગયેલી ઍમ્મા વૉટ્સન (તા. 15 એપ્રિલ, 1990)નું જાણીતું વિધાન છે કે “સ્ત્રીના ઈક્વલ સ્ટૅટ્સ અને લિબરેશન માટે દુનિયાભરના વિવિધ પ્લૅટફૉર્મ પર ડિસ્કસ થતી રહી છે. હું એકશનમાં માનું છું. માત્ર ડિસ્કશન કરવાથી કોઈ કાર્ય પૂર્ણતા પામી શકે નહીં.”
ઍમ્મા વૉટ્સનનું કહેવું છે કે સ્ત્રીઓના હક્ક અને હિત માટે સ્ત્રીઓએ જ પૉઝિટીવ એફર્ટ્સ કરવા જોઈએ. માત્ર વાતો કરવાથી કામ ન ચાલે. તેણે એકશનમાં આવવા ઉપર ભાર મૂક્યો છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ ચળવળ યા મૂવમેન્ટ થાય છે ત્યારે એની શરુઆત ધીમી અને નાના પ્રમાણમાં જ હોય છે. વિચારધારાને આંદોલનનું સ્વરુપ આપવામાં સમય લાગતો હોય છે. પરંતુ જો પ્રયાસો જ કરવામાં ન આવે તો પરિણામ મળતું નથી.
છેક 19મી સદીમાં થઈ ગયેલાં હિન્દુસ્તાનનાં પ્રથમ મહિલા તબીબનું ઉદાહરણ આપણી સમક્ષ છે. સ્ત્રી-હક્ક માટે અવેરનેસ એન્ડ ઍક્શન અગત્યનાં છે.ડૉ. આનંદીબાઈ જોશી (જન્મ તા. 31મી માર્ચ, 1865, નિધન તા. 26મી ફેબ્રુઆરી, 1887)ની દેશનાં પ્રથમ ફિઝિશિયન તરીકે ગણના થાય છે. ડૉ. આનંદી ગોપાલ જોશી નામે પણ તેઓ જાણીતાં છે. અમેરિકાની ધરતી ઉપર પગ મૂકનાર ભારતની પ્રથમ મહિલા પણ તેમને માનવામાં આવે છે.
અમેરિકામાં ભણીને સ્નાતક થયા બાદ બે વર્ષનો ડિપ્લૉમા ઈન મેડિસિન કરનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા તબીબ બની રહ્યાં. સને 1886માં તેઓ એમ.ડી. થયાં અને પછીનાં વર્ષે તો તેમનું નિધન થયું. પોતાના સમયકાળમાં અને રૂઢિવાદી સમાજની વચ્ચે રહીને સગર્ભા અને પ્રસુતા સ્ત્રી તથા નવજાત શિશુઓની સેવા તેમનો જીવનમંત્ર હતો.
માત્ર 21 વર્ષની ઉંમર. 22મા વર્ષે તો તેઓ આ દુનિયા છોડીને ચાલ્યાં ગયાં. જે જમાનામાં સ્ત્રી માટે ઘરની બહાર પગ મૂકવો પણ ગુનો અથવા પાપ ગણાય એવા સમયમાં તેઓ મહિલા તબીબ બન્યાં ત્યારે તેમની ચોતરફથી ટીકાઓ પણ થઈ હતી. તેમના સમયમાં માત્ર સંસ્કૃત ભણવાની જ પરંપરા હતી. માત્ર 9 વર્ષની કુમળી વયે તો તેમનાં લગ્ન ગોપાલરાવ જોશી સાથે કરવામાં આવ્યાં.
જો કે એ જમાનામાં સામાજિક રીતે લગ્નની ઉંમર જ નવ-દસ વર્ષની નક્કી કરવામાં આવી હતી. 14 વર્ષની ઉંમરે તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ યોગ્ય સારવાર કે તબીબના અભાવે દસ જ દિવસમાં તેમના દીકરાનું મોત થયું. પતિ પ્રગતિશીલ વિચારવાળા હતા. આનંદીબાઈએ નક્કી કર્યું કે સમયસર સારવારના અભાવે કમોતે મરતા લોકોને બચાવવા પોતે ડૉક્ટર બનશે. હવે એ જમાનામાં ભારતમાં એલૉપથી સ્ટડીની કોઈ વ્યવસ્થા જ ન હોવાથી તબીબી અભ્યાસ માટે ફરજીયાત વિદેશ જવું પડતું.
સને 1883માં 18 વર્ષની ઉંમરે તેઓ અમેરિકાના પેન્સિલ્વેનિયા પહોંચ્યાં. સને 1886ના અંતમાં તેઓ એમ.ડી.ની ડિગ્રી લઈને સ્વદેશ પાછા ફર્યા અને કોલ્હાપુરમાં એલૉપથી મેડિસિનની પ્રેકટિસ શરુ કરી. જો કે ટી.બી.નો શિકાર બનેલાં ડૉ. આનંદીબાઈનું તા. 26મી ફેબ્રુઆરી, 1887ના રોજ નિધન થયું. શુક્ર ગ્રહના ત્રણ ક્રેટરના નામ ત્રણ મહાન ભારતીય મહિલાના નામ પરથી પાડવામાં આવ્યા છે. જેમાં એક ક્રેટરનું નામ ડૉ. આનંદી ગોપાલ જોશીના નામે છે. આ તેમની મહાનતાનું નાનકડું ઍક્ઝામ્પલ છે.
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કાર્યની શરુઆત કરવી જ અઘરી હોય છે. શરુઆત એટલે જ સામા પ્રવાહે તરવું. તમારી ફેવરમાં પવન હોય તો કોઈ પણ કાર્ય આસાન બનાવી શકો. મહત્વનું એ હોય છે કે મુસીબતોમાંથી હેમખેમ પાર ઉતરીને સફળતા પ્રાપ્ત કરવી. નારી હક્ક માટે પ્રતિ વર્ષ તા. 8મી માર્ચના દિવસને “ઈન્ટરનેશનલ વિમેન્સ્ ડે” તરીકે મનાવવામાં આવે છે. પ્રતિ વર્ષ નવા પડકારો અને નવા સંકલ્પ સ્ત્રી સમુદાયની જાણે કે રાહ જોઈને બેઠા હોય છે. સંઘર્ષનો સામનો કરવાનું અને સંઘર્ષમાંથી માર્ગ કાઢવાનું જ કદાચ સ્ત્રીના લલાટે લખાયેલું હોય છે. સ્ત્રી દરેક પડકારોનો કુનેહપૂર્વક સામનો કરી શકે છે.
સ્ત્રીના શોષણ સામે આક્રોશ અને વિદ્રોહ વારંવાર થયો છે. કાનૂની રીતે પણ રક્ષણ મળ્યું છે. ભારતમાં ખાસ કરીને મહિલા હેલ્પલાઈન અને ઈમર્જન્સી હેલ્પલાઈન રાઉન્ડ ધ ક્લૉક કામ કરે છે. વિમેન ડેસ્ક પાસે તાલીમ પામેલ સાયકોલૉજિસ્ટની ટીમ પણ હોય છે. ગુજરાતમાં અલાયદા મહિલા પોલીસ સ્ટેશનો અને અલાયદી નારી અદાલતો પણ કાર્યરત છે. મુદ્દો નિયત અને નિસબતનો છે. સ્ત્રી જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવે છે ત્યારે આક્રોશની આગ વધુ પ્રબળ અને વેગવાન પણ બની જાય છે.
આજની નારી સક્ષમ અને પ્રવૃત્ત બની છે. વર્કિંગ વુમન સામે અનેક પડકારો હોવા છતાં નારી દરેક પડકારોને ઉપાડી લેવા પણ મજબૂત કદમ ઉઠાવી રહી છે. 21મી સદીની નારી અબળા નથી પણ સબળા છે. સ્ત્રી અને પુરુષ જીવનરથના બે વ્હીલ છે. બેઉ વ્હીલ સમાન રીતે અને સમાન સ્વરુપે ગતિમાન બને તો મુશ્કેલીના સમયમાં પણ માર્ગ નીકળી જાય છે. કોઈ એક વ્હીલમાં પ્રૉબ્લેમ ઉભો થાય તો ક્વીકલી સૉલ્યુશન લાઈફમાં હેપીનેસ જળવાઈ રહે છે
આજની ફાસ્ટ લાઈફમાં દરેક વ્યક્તિને સકસેસ જોઈતી હોય છે. ડગલેને પગલે ચેલેન્જ ન આવે તો જ નવાઈ. જ્યારે ચોતરફ સ્પર્ધાનું વાતાવરણ હોય ત્યારે તમારે તમારી જાતને પ્રૂવ કરવી અને સકસેસ મેળવવી પડકારજનક કાર્ય હોય છે. મુશ્કેલીમાંથી રસ્તો કાઢીને વિજેતા બને તેને જ દુનિયા યાદ રાખે છે અને એને જ દુનિયા યાદ કરતી હોય છે. આ માટે કહેવાય છે ને કે જો જીતા વો હી સિકંદર.
દિનેશ દેસાઈ