નિરાધાર વરિષ્ઠ નાગરિકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે મુંબઈના ખમતીધર બિઝનેસમૅન રાજેન જાનીએ બનાવ્યો છે વાત્સલ્યના
ધોધ સમો વૃદ્ધાશ્રમ.
સમીર પાલેજા (મુંબઈ)
શેઠિયા, એકાદ કરોડ રૂપિયાનું દાન આપીને આપ જ અમારી સંસ્થામાં ટ્રસ્ટી બની જાવ ને…
મહારાષ્ટ્રના એક જાણીતા ઘરડાઘરના સંચાલકે મુંબઈના બિઝનેસમૅન રાજેનભાઈ છોટાલાલ જાની સમક્ષ આવી ઑફર મૂકી ત્યારે એ બે ઘડી વિચારમાં પડી ગયા.
રાજેનભાઈ કોલસાના બાપીકા ધંધામાં સારી રીતે સ્થાયી થયેલા. જુહૂ વિસ્તારમાં બંગલામાં રહે. સ્વભાવે સખાવતી એટલે વાર-તહેવારે વિવિધ વૃદ્ધાશ્રમોમાં ફરીને ડોનેશન આપે. એમણે થોડો વિચાર કર્યા પછી પેલા સંચાલકને ના પાડી, કારણ કે એમની સમાજના નિ:સંતાન, નિરાધાર વડીલો માટે કંઈક જુદું કરવાની ભાવના હતી.
…અને લો, ચારેક વર્ષના વિચારબદ્ધ આયોજન પછી જામનગરમાં એમણે શરૂ કર્યું એક અનોખું વાત્સલ્યધામ. જામનગર-કાલાવડ રોડ પર શહેરથી સહેજ દૂર વિજરખી ગામે પચ્ચીસ હજાર ચોરસ ફૂટમાં આશરે દસેક કરોડ રૂપિયાના ખર્ચે રાજેન જાનીએ બનાવ્યો છે ફાઈવ સ્ટાર વૃદ્ધાશ્રમ. જો કે એ પોતે એને વૃદ્ધાશ્રમ નથી ગણાવતા.
રાજેનભાઈ જાની ‘ચિત્રલેખા’ને કહે છે:
‘મારા પોતાના માટે બંગલો બનાવવાનો હોય એવી ચીવટથી વાત્સલ્યધામ બનાવ્યું છે. ઘણા તો એવું પણ કહે છે કે આખા જામનગરમાં વાત્સલ્યધામ જેવો બંગલો શોધવો મુશ્કેલ છે. નિર્માણકાર્ય દરમિયાન હું પોતે ત્યાં જ રહેતો અને એકદમ ઉચ્ચ ગુણવત્તાનો માલ-સામાન વાપરીને કારીગરો પાસે એ સમગ્ર સંકુલ બનાવડાવ્યો છે. એમાં બંસીપાલ પથ્થરોથી બનાવેલું હરેશ્વર મહાદેવનું મંદિર, ત્રણ મજલાનું સ્ટાફ ક્વાર્ટર અને ૩૫ રૂમવાળું, પાંચ મજલાનું વાત્સલ્યધામ સામેલ છે. એસી અને ટીવીની સગવડ દરેક મજલે છે. ડાઈનિંગ હૉલ, સત્સંગ હૉલ અને હીંચકાવાળું ગાર્ડન પણ ખરું.’
૨૦૧૭માં આ સંકુલમાં હરેશ્વર મહાદેવના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયેલી અને ગયા વર્ષે અષાઢી પૂનમે મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલના હસ્તે વાત્સલ્યધામનું ઉદઘાટન કરવામાં આવ્યું. આજે અહીં દસ વડીલ રહે છે. રાજેનભાઈ પોતે પણ કૌટુંબિક-ધંધાકીય જવાબદારીમાંથી થોડા પરવારીને મોટે ભાગે વાત્સલ્યધામમાં જ રહે છે. સંચાલન માટે એમણે તપોવન ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. ઘણા દાતાએ એમાં સહયોગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ રાજેનભાઈ હજી સ્વખર્ચે જ આશ્રમ ચલાવે છે. એમનું પ્રથમ લક્ષ્ય વડીલોથી વાત્સલ્યધામ ફુલ થઈ જાય એ છે.
રાજેનભાઈ કહે છે: ‘અનુક્રમે પંચાવન અને સાઠ વર્ષથી ઉપરનાં નિ:સંતાન-નિરાધાર મહિલા ને પુરુષ વડીલોને આજીવન નિ:શુલ્ક રાખવાનો સંકલ્પ છે. એમણે ફક્ત કપડાં લઈને આવવાનું. એમની ઈચ્છા અને સલાહ મુજબનાં ખાન-પાન, દવા-ડૉક્ટર સહિત તમામ સુવિધા અમે આપીએ છીએ. સ્થાપનાથી અત્યાર સુધીમાં સાત મહિનામાં કોઈ તબીબી કટોકટી ઊભી થઈ નથી, કારણ કે જોગાનુજોગ તમામ વડીલો બીપી-સુગરથી મુક્ત છે. તેમ છતાં જામનગરના નામાંકિત ડૉક્ટરો અને સમર્પણ હૉસ્પિટલના સંચાલકોનો અમને સારો સહયોગ મળ્યો છે.’
છ વ્યક્તિનો સ્ટાફ વડીલોની સેવામાં સતત હાજર હોય છે. ટીવી, છાપાં, પુસ્તકો ઉપરાંત મંદિરની ઓથે વડીલોનો સમય પસાર થાય છે. ઉંમરને કારણે આમ તો આશ્રમના રહેવાસીઓને એકલા બહાર જવાની મનાઈ છે, પણ ક્યારેક દેવદર્શનની પિકનિક માટે બધા એકસાથે નીકળી પડે ખરા. બાકી, રવિવારે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાય છે, કારણ કે જામનગરથી અનેક લોકો કુટુંબ સાથે અહીં ફરવા આવે છે. મંદિર-ગાર્ડનમાં એ લોકો છૂટથી ફરી શકે. શિવમંદિરમાં વ્યાપક પૂજા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે અહીં રસોઈની પણ વ્યવસ્થા છે. જો કે રાજેનભાઈ એમના વડીલોને કોઈના શ્રાદ્ધનું જમાડતા નથી.
આના કારણમાં કદાચ રાજેનભાઈના જીવનમાં ઘટેલી અમુક કરુણાંતિકા છે. એમનાં પત્નીનું વહેલું અવસાન થયું અને ૨૮ વર્ષનો પરિણીત પુત્ર પણ અકાળે અવસાન પામ્યો. પછી નિ:સંતાન પુત્રવધૂનાં એમણે અન્યત્ર લગ્ન કરાવ્યાં. પોતાની દીકરી પણ સાસરે સુખી છે.
રાજેનભાઈના ભાઈ-ભત્રીજા, જમાઈ અને વાત્સલ્યધામના નિર્માણમાં ખૂબ સહયોગ આપનારા જામનગરના પરેશભાઈ જાની તપોવન ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી છે. રાજ્યનાં માજી શિક્ષણમંત્રી વસુબહેન ત્રિવેદીએ પણ આ પ્રોજેક્ટમાં ખૂબ સહકાર આપ્યો.
જાનીસાહેબને વાત્સલ્યધામના સંચાલનમાં થોડા અપ્રિય અનુભવ પણ થયા. ૬૦ વ્યક્તિની ક્ષમતા સામે માત્ર ૧૦ જ લાયક વડીલો મળેલા, પછી બીજા વૃદ્ધાશ્રમોમાંથી કંટાળેલા કે જાકારો પામેલા કેટલાક એકલવાયા સિનિયર સિટિઝન્સને એમણે આશરો આપેલો. અહીં રોટલો-ઓટલો પામેલા આ વરિષ્ઠ નાગરિકોની શહેરમાં કામ વિના રખડવાની આઝાદી પર પાબંદી આવી એમાં ખટરાગ થયો. રાજેનભાઈ કહે છે કે આશ્રમવાસીના સ્વાસ્થ્ય સલામતીની જવાબદારી અમારી એટલે એમને બહાર કેમ જવા દઈએ? ખેર, પછી તો એ વડીલો જાતે જ વિદાય થયા.
તપોવન ફાઉન્ડેશનના સંચાલકોને આજે ખપ છે એવા વડીલોનો, જે એમના માપદંડમાં ફિટ બેસે અને સંસ્થાના નિયમોનું શિસ્તતાથી પાલન કરે. નિ:સંતાન એનઆરઆઈ વડીલો માટે પણ એમના દરવાજા ખુલ્લા છે. આશ્રમના રહેવાસી વડીલોનાં સગાં-હિતેચ્છુ એમને મળવા આવી શકે-થોડા દિવસ રહી શકે. એ માટે ખાસ રૂમ્સ પણ બનાવ્યા છે. ક્યારેક સમાજસેવાના કાર્યક્રમ પણ અહીં યોજાય છે, જેમ કે એચડીએફસીના સહકારથી અહીં રક્તદાન શિબિર યોજવામાં આવી ત્યારે ઘણા લોકો આવ્યા હતા અને વડીલો સાથે એમણે ખાસ્સી ગોઠડી કરી હતી. સાંજે પાંચથી છ સત્સંગ માટે વડીલોએ હૉલમાં એકઠા થવું ફરજિયાત છે. મંદિરમાં પૂજા-અર્ચના માટે આવતા શ્રદ્ધાળુ વડીલોને જમાડવાનો આગ્રહ રાખે, પણ પીરસવાની તેમ જ ફોટા લેવાની અહીં મનાઈ છે.
આ સ્થળ એટલું સુંદર બન્યું છે કે રાજકીય બેઠકો માટે માગણી થવા માંડી છે, પણ રાજેનભાઈ એ દિશામાં જવા નથી માગતા. ઘણા ખમતીધર લોકો પિકનિક માટે ભાડેથી રૂમ્સ માગે છે, પણ રાજેનભાઈ નમ્રતાથી ના પાડે છે.
હા, યજ્ઞમંડપ અને સત્સંગ હૉલનો ઉપયોગ વંચિત કન્યાઓનાં લગ્ન માટે કરવાનું એમનું આયોજન છે. એ કહે છે કે બન્ને પક્ષ લેતી-દેતી વિના લગ્ન કરવા રાજી હોય તો પચાસ-પચાસ મહેમાનોના જમણવાર ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવી આપવાની જવાબદારી અમારી. બાકી, શ્રાદ્ધકર્મ માટે નહીં, પણ સંતાનના જન્મદિન ઊજવવા માટે સત્સંગ હૉલ જરૂર આપી શકું. માતુશ્રી શ્રીમતી ઈચ્છાગૌરી છોટાલાલ જાનીના નામે આ વાત્સલ્યધામનું નિર્માણ કરનારા રાજેન જાની અગાઉ દર મહિને બે વાર મુંબઈની લટાર મારતા, પણ હવે મોટા ભાગે વાત્સલ્યધામમાં જ રહે છે. એ કહે છે:
આ તો મારું એક્સ્ટેન્ડેડ ફૅમિલી છે…