ટ્વિટર આજે જરૂરી માધ્યમ છે. સમાચાર મેળવવા અને સમાચાર પહોંચાડવા બંને માટે. સરકારની કે બીજી કોઈ કંપની કે તંત્રની મદદ માગવા માટે અને મદદ પહોંચાડવા માટે પણ આ માધ્યમ ઉપયોગી છે. પરંતુ આ માધ્યમ પર મૂકાતી કેટલીક સામગ્રી વિવાદ પણ સર્જી દે છે.
હવે આવા વિવાદનો અંત લાવવા માટે ટ્વિટર કાર્યરત્ બન્યું છે.
પ્રમુખો અને વિશ્વના અન્ય નેતાઓ તેમ જ રાજકારણીઓ જેઓ તેમનાં ટ્વીટ દ્વારા બીજાને ધમકી આપતાં હતાં, ગાળો આપતાં હતાં કે વિવાદ સર્જતાં હતાં તેમનાં ટ્વીટોને ચેતવણીનું લેબલ લાગી શકે છે. ટ્વિટરે ૨૭ જૂને નવી નીતિ જાહેર કરીને આવો સંકેત આપ્યો છે.
કેટલાક કાર્યકરો અને અન્ય લોકોએ ટ્વિટરને ફરિયાદ કરી હતી કે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ નફરત ભર્યા સંદેશાઓ અને તેમના દુશ્મનો પર આક્રમણ કરીને બચી ગયાં હતાં. તેમની સામે ટ્વિટરે કોઈ કાર્યવાહી કરી નહોતી. તેમની આ પ્રવૃત્તિ હિંસા સર્જી શકે તેવી હતી.
લાગે છે કે ટ્વિટરે આ ફરિયાદને ગંભીરતાથી લીધી છે. હવે ટ્વિટર આવી પ્રવૃત્તિ સાંખી લેવા માગતું નથી. પછી તે ડૉનાલ્ડ ટ્રમ્પ જેવા મહાસત્તા અમેરિકાના પ્રમુખ જ કેમ ન હોય?
જાહેર હિતની વાતો હોય અને તે ટ્વિટરની સેવાના નિયમોનું ઉલ્લંઘન કરશે તો આ ઉલ્લંઘન કઈ રીતે થયું તેની સમજૂતી સાથે ચેતવણી આપવામાં આવશે. વપરાશકારોએ નીચે રહેલો સંદેશ જોવા ચેતવણી પર સ્પર્શ કરવાનો રહેશે. જોકે ટ્વીટને દૂર નહીં કરવામાં આવે. ટ્વિટર સામાન્ય વ્યક્તિની પૉસ્ટ હોય તો બેધડક દૂર કરી નાખે છે. પરંતુ કદાચ સત્તા સામે સીધું પડવું યોગ્ય નહીં તેમ માનીને ટ્વિટરે સત્તાધીશોનાં ટ્વીટને દૂર કરવાનું યોગ્ય માન્યું નથી. તેને ચેતવણી આપીને બદનામ કરવાની રીત અપનાવી છે. જોકે અહીં બદનામનો શબ્દ યોગ્ય નથી કારણકે સત્તાધીશોની પ્રવૃત્તિ જો ધમકી, ગાળાગાળીની હોય, તેનાથી હિંસા સર્જાઈ શકે તેમ હોય તો કમ સે કમ ચેતવણીની કાર્યવાહી તો થવી જ જોઈએ.
ટ્વિટરે કહ્યું કે આ નીતિ તમામ સરકારી અધિકારીઓ, ચૂંટણીના ઉમેદવારો અને બીજા જાહેર મહાનુભાવો કે જેમના ટ્વિટર અનુયાયીઓ એક લાખ કરતાં વધુ હોય તેમને લાગુ પડશે. વધુમાં, ચેતવણીનું લેબલ લાગુ કરતી વખતે ટ્વિટર તેના આલ્ગૉરિધમનો ઉપયોગ નહીં કરે. સાઉધર્ન પૉવર્ટી લૉ સેન્ટરના ઇન્ટેલિજન્સ પ્રૉજેક્ટના રીસર્ચ એનાલિસ્ટ કીગન હૅન્ક્સે કહ્યું કે આ સાચી દિશામાં પગલું છે. હૅન્ક્સ ઑનલાઇન ચાલતા અત્યંત જમણેરી અંતિમવાદી પ્રચાર પર નજર રાખે છે. જોકે તેમનું માનવું છે કે ટ્વિટરની દલીલ છે કે નફરતભર્યું ભાષણ લોકોના હિતમાં હોઈ શકે છે. હૅન્ક્સની દલીલ છે કે નફરતભર્યું ભાષણ ક્યારેય જાહેર હિતમાં ન હોઈ શકે.
ટ્રમ્પના જૂનાં ટ્વીટોએ ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું કે નહીં તે કહેવાનો ટ્વિટરે ઇનકાર કર્યો. તે એમ પણ સ્પષ્ટતા નથી કરી રહ્યું કે ડૉનાલ્ડ ટ્રમ્પની કઈ ટ્વિટર પ્રવૃત્તિએ નવી ચેતવણીની નીતિ સર્જવા પ્રેરી. જોકે આનાથી ડૉનાલ્ડ ટ્રમ્પ તરફી લોકોનો સૉશિઅલ મીડિયા તરફ રોષ વધી શકે છે. ડૉનાલ્ડ ટ્રમ્પ નિયમિત રીતે, પણ પુરાવા વગર ફરિયાદ કરતાં રહે છે કે સૉશિઅલ મીડિયા સાઇટો તેમના અને અન્ય રૂઢિચુસ્તો સામે પૂર્વગ્રહયુક્ત છે.
ટ્વિટરના નિયમો કોઈ વ્યક્તિ કે સમૂહ સામે હિંસાની ધમકી આપતાં રોકે છે. કોઈની સતામણી કરતાં પણ રોકે છે. બીજા કોઈને તેમ કરવા માટે પ્રેરવા, ઉશ્કેરવાથી પણ રોકે છે. તે વંશ, કુળ, લિંગ કે અન્ય શ્રેણીઓ પર આધારિત કોઈ સમૂહ સામે નફરતભર્યું ભાષણ આપતાં પણ રોકે છે. અત્યાર સુધી ટ્વિટરે વિશ્વના અગ્રણી (શક્તિશાળી એમ વાંચો) નેતાઓને આ નિયમોમાંથી બાકાત રાખ્યાં હતાં. તે માટે તેની દલીલ હતી કે રાજકારણીઓનાં વિવાદાસ્પદ ટ્વીટ પ્રકાશિત કરવાથી તેમને જવાબદેહી બનાવી શકાય છે. તેનાથી ચર્ચાને પણ પ્રોત્સાહન મળે છે.
જોઈએ ટ્વિટર તેની નવી નીતિમાં કેટલું સફળ થાય છે. કારણકે ટ્વિટર સામે જમણેરીઓની દલીલ છે કે તે બીજી તરફના લોકોને નિયમોનું ઉલ્લંઘન કરતાં રોકતી નથી.