અઢી અક્ષરનો શબ્દ…
આટલું વાંચીને તમારા મનમાં કયો શબ્દ ઊગ્યો? પ્રેમ? ગુડ! જો કે ડિજિટલ દુનિયામાં આવો બીજો શબ્દ છે: ઍપ્સ!
સ્માર્ટફોનના પ્રતાપે ઍપ્સને તો આપણે સારી રીતે જાણીએ છીએ, પરંતુ છેલ્લા થોડા વખતથી ઍપ્સને સંબંધિત એક નવો શબ્દ ચર્ચાતો થયો છે: થર્ડ પાર્ટી ઍપ્સ. ફેસબુકમાંથી ડેટા ચોરીનો જે વિવાદ થયો હતો એમાં આ થર્ડ પાર્ટી ઍપ્સ વિલન તરીકે ઊભરી આવી હતી. બરાબર એ જ રીતે હમણાં હમણાં એક નવો વિવાદ જાગ્યો છે, જેમાં બહાર આવ્યું છે કે આપણા જીમેઈલ એકાઉન્ટના મેઈલ્સ એની સાથે કનેક્ટેડ થર્ડ પાર્ટી ઍપ્સના એન્જિનિયર્સ વાંચી શકે છે.
આ વાતમાં ત્રણ મુદ્દા સમજવા ખાસ જરૂરી છે. એક, આ વાત ફેસબુકની નહીં, પણ જીમેઈલની છે, જેમાં આપણી અનેક પ્રકારની સંવેદનશીલ માહિતી હોઈ શકે છે. બીજો મુદ્દો, માત્ર મશીન નહીં, પણ માણસ મેઈલ્સ વાંચી શકે છે અને ત્રીજો મુદ્દો, જીમેઈલ સાથે થર્ડ પાર્ટી ઍપ્સ કનેક્ટેડ હોય છે એવી આપણને જાણ હોય છે ખરી?
આપણે પહેલાં તો એ જાણવું જોઈએ કે આ થર્ડ પાર્ટી ઍપ્સ ખરેખર છે શું?
અત્યારે ગૂગલ, ફેસબુક, ઍપલ, માઈક્રોસૉફ્ટ, એમેઝોન, વગેરે તમામ કંપની પોતપોતાની આગવી એવી વ્યવસ્થા ઊભી કરી રહી છે, જેમાં એ કંપની અમુક નિશ્ર્ચિત પાયાની સુવિધાઓ આપતું પ્લૅટફૉર્મ વિકસાવે અને પછી એમાં જાત-ભાતની નવી સુવિધાઓ ઉમેરવા માટે એ પ્લૅટફૉર્મને જુદા જુદા અનેક થર્ડ પાર્ટી ઍપ ડેવલપર્સ માટે ખુલ્લું મૂકી દે. આ ડેવલપર્સ જુદી જુદી જાતની ઍપ્સ વિકસાવે, જેને આપણે એટલે કે યુઝર્સ જે એ પ્લૅટફૉર્મમાંના પોતાના એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકે અને વધારાના લાભ મેળવી શકે.
મોટે ભાગે એવું બને છે કે આપણે જ્યારે પણ થર્ડ પાર્ટી ઍપ્સ સાથે પનારો પાડવાનો થાય છે ત્યારે આવી ઍપ્સ આપણી પાસેથી કઈ કઈ મંજૂરી માગે છે અને એના બદલામાં આપણી કઈ કઈ માહિતી કે કઈ કઈ બાબતોની એક્સેસ માગે છે એના તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી.
ઍન્ડ્રોઈડની વાત કરીએ તો હવે બધી જ મંજૂરી ફરજિયાત રહી નથી, જેમ કે આપણે કોઈ કૅમેરા ઍપ ઈન્સ્ટૉલ કરીએ અને એ આપણો કૅમેરા એક્સેસ કરવાની મંજૂરી આપણે આપવી પડે, પરંતુ એ કૉન્ટેક્ટ્સ એક્સેસ કરવાની મંજૂરી માગે તો એ આપણે નકારી શકીએ. અલબત્ત, કઈ મંજૂરીઓ ફરજિયાત રાખવી એ ઍપ ડેવલપર પોતે નક્કી કરી શકે છે.
સ્માર્ટફોનમાં થર્ડ પાર્ટી ઍપ્સ ઉમેરવાનો આપણને ખાસ્સો અનુભવ છે, પણ ગૂગલ ક્રોમમાં કે ગૂગલ એકાઉન્ટમાં કે ફેસબુકમાં થર્ડ પાર્ટી ઍપ્સ કનેક્ટ કરવાના સંજોગ ઊભા થાય ત્યારે એના વિશે આપણને ખાસ્સી સ્પષ્ટતા હોતી નથી. ઘણી વાર એવું બને કે આપણે ફોનમાં કોઈ ગેમ રમી રહ્યા હોઈએ ત્યારે એનો પ્રોગ્રેસ અન્ય મિત્રો સાથે શૅર કરવા માટે ફેસબુકથી લોગઈન કરવાનું કહેવામાં આવે અથવા ગેમમાં આગલા લેવલમાં જવા માટે ગૂગલથી લોગઈન થવાનું કહેવામાં આવે. આ કિસ્સામાં આપણે કોઈ નવી ઍપ ઈન્સ્ટૉલ કરી રહ્યા નથી, પરંતુ એ થર્ડ પાર્ટી ગેમ ઍપ સાથે આપણા ફેસબુક કે ગૂગલ એકાઉન્ટને કનેક્ટ કરી રહ્યા છીએ. આ સમયે ફેસબુક કે ગૂગલ તરફથી આપણને કેટલીક ચેતવણીઓ મળે છે, પરંતુ એના તરફ પણ આપણે પૂરતું ધ્યાન આપતા નથી.
જીમેઈલના અત્યારે ઊભા થયેલા વિવાદની વાત કરીએ તો એમાં પણ ગૂગલ, જીમેઈલની મૂળભૂત સર્વિસિસમાં કેટલીક વધારાની સર્વિસ ઉમેરી શકાય એ માટે એમાં થર્ડ પાર્ટી ઍપ્સ કનેક્ટ કરવાની સુવિધા આપે છે, જેમ કે વ્હૉટ્ઍપમાં જેમ સામેની વ્યક્તિએ મેસેજ જોયાનું બ્લ્યુ ટિકથી ખબર પડે છે એવી સુવિધા જીમેઈલમાં ઉમેરવી હોય તો એ માટે થર્ડ પાર્ટી ઍપની મદદ લેવી પડે. એ જ રીતે પ્રોજેક્ટ મૅનેજમેન્ટ ટૂલ ટ્રેલોમાં તમારા પર આવેલા કોઈ ઈ-મેઈલને આધારે નવો ટાસ્ક ક્રિયેટ કરવો હોય તો એ માટે ટ્રેલોની ઍપને જીમેઈલ સાથે કનેક્ટ કરી શકાય છે.
ડિજિટલ દુનિયાના પાવર યુઝર્સ માટે આ બધી સારી સુવિધા છે, પણ એની સામે થર્ડ પાર્ટી ઍપ્સના એન્જિનિયર્સ પણ આપણા મેઈલ વાંચી શકે એવુંય બની શકે છે. ગૂગલ ભારપૂર્વક કહે છે કે જીમેઈલના કોઈ એન્જિનિયર કે કોઈ સિસ્ટમ મેઈલ્સ વાંચતાં નથી, પરંતુ આવી સ્પષ્ટતા એણે અન્ય ઍપ્સ માટે કરી નથી. યુઝર તરીકે આપણી પાસે માત્ર એક જ ઉપાય રહે છે. myaccount.google.comમાં જાઓ. ગૂગલ એકાઉન્ટથી સાઈનઈન થાઓ. સાઈન-ઈન ઍન્ડ સિક્યોરિટી વિભાગમાં સિક્યોરિટી ચેકઅપ પર ક્લિક કરો. અહીં તમારા ગૂગલ એકાઉન્ટ સાથે જે કોઈ થર્ડ પાર્ટી ઍપ્સ કનેક્ટેડ હશે એ જોવા મળશે અને તમને જે બિનજરૂરી કે અવિશ્વસનીય લાગે એને દૂર કરો!
(લેખકઃ હિમાંશુ કીકાણી)