ટૅક્નૉલૉજી સરકારનું કામ સરળ બનાવે છે અને લોકોનું પણ. ટૅક્નૉલૉજી ક્ષેત્રે સારા સમાચાર એ છે કે ભારતમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આધુનિક સુરક્ષા વિશેષતાઓ સાથે ઇ-પાસપૉર્ટ બહાર પાડવા જઈ રહી છે. સરકારે સંસદને માહિતી આપી છે કે ભૌતિક સ્વરૂપના પાસપૉર્ટની પુસ્તિકામાં અરજદારની વિગતો ધરાવતી એક ચીપ સહિતની આધુનિક સુરક્ષા વિશેષતાઓ હશે. જો કોઈ ચીપ સાથે ચેડા કરશે તો પ્રણાલિ તેને ઓળખી કાઢશે. આના લીધે પાસપૉર્ટનું અધિકૃતકરણ નિષ્ફળ જશે. અરજદારની અંગત વિગતો ડિજિટલી હસ્તાક્ષરિત હશે અને તે ચીપમાં સંગ્રહાયેલી હશે જે ભૌતિક સ્વરૂપમાં પાસપૉર્ટ પુસ્તિકામાં વણાયેલી હશે.
સરકારે ઇ-પાસપૉર્ટ બનાવવા માટે ઇલેક્ટ્રૉનિક કૉન્ટેક્ટલેસ ચીપ પ્રાપ્ત કરવા ભારતીય સુરક્ષા પ્રેસ (આઈએસપી) નાશિકને અનુમતિ આપી દીધી છે. આ સંદર્ભે આઈએસપી નાશિકને ઇ-પાસપૉર્ટ બનાવવા માટે જરૂરી ઑપરેટિંગ સિસ્ટમ સાથેની ઇલેક્ટ્રૉનિક કૉન્ટેક્ટલેસ ઇનલે પ્રાપ્ત કરવા ત્રણ તબક્કાનું વૈશ્વિક ટૅન્ડર બહાર પાડવા સત્તા અપાઈ છે. આ ઇનલે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશનનાં ધોરણો પ્રમાણેનું હશે. આ માહિતી વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં આપી હતી.
ચીપ આધારિત પાસપૉર્ટ શું છે?
આ પાસપૉર્ટમાં સારી ગુણવત્તાનો કાગળ હશે, સારું મુદ્રણ હશે અને તેમાં આધુનિક સુરક્ષા ખાસિયતો હશે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, ચીપની સુરક્ષા એ રીતે થશે કે ભૌતિક સુરક્ષા વગર વિગતોને વાંચી શકાશે નહીં.
ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશને વૈશ્વિક રીતે નિયમો બનાવ્યા છે કે ઇ-પાસપૉર્ટને કઈ રીતે વાંચી શકાય. જોકે તેણે એ માળખાનું સૂચન નથી કર્યું કે ઇ-પાસપૉર્ટ પર અંગત માહિતી કઈ રીતે લખી શકાય અને તેની સુરક્ષાની વિશેષતાઓ કેવી હોવી જોઈએ.
ઇ-પાસપૉર્ટની અન્ય વિશેષતાઓ આ મુજબ રહેશે:
|
અનેક દેશો હવે ઇ-પાસપૉર્ટ અથવા બાયૉમેટ્રિક પાસપૉર્ટ તરફ વળ્યા છે. વર્ષ ૨૦૦૮ની રીતે ૬૦ દેશો તો આવા પાસપૉર્ટ બહાર પાડવા લાગ્યા હતા અને જૂન ૨૦૧૭ના આંકડા મુજબ, આવા દેશોની સંખ્યા વધીને ૧૨૦ થઈ ગઈ હતી. નવાઈ લાગશે, પરંતુ આવો પાસપૉર્ટ બહાર પાડનાર પ્રથમ દેશ યુરોપ કે અમેરિકા નથી, પરંતુ મલેશિયા છે! જી હા, મલેશિયાએ વર્ષ ૧૯૯૮માં બાયૉમેટ્રિક પાસપૉર્ટ બહાર પાડીને આવા પ્રથમ દેશની સિદ્ધિ મેળવી હતી! આ હિસાબે આપણે મલેશિયા કરતાં એકવીસ વર્ષ પાછળ છીએ! અને હજુ આપણે બહાર પાડ્યો તો છે જ નહીં. આથી આપણે બાવીસ વર્ષ પાછળ હોઈ શકીએ છીએ અને તે પણ જો આવતા વર્ષે આ પ્રકારનો પાસપૉર્ટ આપણે બહાર પાડવા લાગીએ તો. મલેશિયાની આઈઆરઆઈએસ કૉર્પોરેશન નામની કંપનીએ આ પ્રકારની ટૅક્નૉલૉજી વિકસાવી હતી જેના કારણે મલેશિયા આ સિદ્ધિ મેળવી શક્યું હતું.
જોકે આવા પાસપૉર્ટ સામે પણ જોખમોની શંકા વ્યક્ત કરાઈ છે. વર્ષ ૨૦૦૮માં રાડબાઉડ યુનિવર્સિટી અને લૉસિત્ઝ યુનિવર્સિટીની ટીમે બતાવ્યું હતું કે પાસપૉર્ટને વાંચવા માટેની જરૂરી કીને જાણ્યા વગર આ પાસપૉર્ટ કયા દેશનો છે તે કહી શકાય છે. આ પહેલાં વર્ષ ૨૦૦૫માં માર્ક વિટ્ટેમેને કહ્યું હતું કે ડચ પાસપૉર્ટના દસ્તાવેજના ક્રમાંકો અનુમાન કરી શકાય તેવા છે જેના લીધે બદમાશોનો ચીપને વાંચવા માટેની કીનું અનુમાન કરી શકે છે અથવા તેનો ભેદ પામી શકે છે. ભારતે પાસપૉર્ટમાં આવાં તમામ જોખમોનું ધ્યાન રાખવું પડશે.