વીએલસી મિડિયા પ્લેયર પહેલાં તો કમ્પ્યૂટર પર જ વિડિયો જોવા માટે લોકપ્રિય હતું, પરંતુ વર્ષ ૨૦૧૩ પછી સ્માર્ટ ફૉનનું ચલણ વધ્યું તે બાદ સ્માર્ટ ફૉન પર પણ વિડિયો જોવા માટે તે લોકપ્રિય ઍપ બની ગઈ. જોકે હમણાં તેના વિશે ખરાબ સમાચાર આવ્યાં હતાં. તે નબળું એટલે કે ડેટા ચોરીને પાત્ર હોવાનું બહાર આવ્યું હતું.
વીએલસી લોકપ્રિય હોવાનું કારણ એ છે કે તે નિઃશુલ્ક છે અને ઑપન સૉર્સ પ્રકારનું છે. જોકે વીએલસીમાં તાજેતરમાં નવી અને ગંભીર સુરક્ષા ભૂલ હોવાનું શોધાયું હતું. જર્મનીની સુરક્ષા સંસ્થાએ સીઇઆરટી-બુંદ (વિનફ્યુચર દ્વારા) આ ભૂલ શોધી છે. તે મુજબ, તેને નબળા હોવાનો ક્રમાંક ૯.૮ આપ્યો છે જે ગંભીર અને નાજુક ગણાય છે.
આ નબળાઈના કારણે રિમોટ કૉડ એક્ઝિક્યુશન (આરસીઇ)ને છૂટ મળે છે. તેના કારણે ખરાબ લોકો તમારી અનુમતિ વગર સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરી શકે છે, તેમાં સુધારો કરી શકે છે અને ચલાવી શકે છે. તમારા કમ્પ્યૂટર કે મોબાઇલ પર જે ફાઇલો હોય તે તેમને જાણવા પણ મળી શકે છે. કહેવાનો અર્થ એ છે કે વીએલસીમાં રહેલી સુરક્ષા ચૂકના લીધે કોઈ પણ હૅકર તમારા કમ્પ્યૂટરને હૅક કરીને તમારી ફાઇલો જોઈ શકે છે.
આભાર તો એ વાતનો માનવો જોઈએ કે આ ભૂલ હોવા છતાં હજુ તેનો કોઈએ ઉપયોગ કરીને તેનો ગેરફાયદો ઉઠાવ્યો નથી. વિનફ્યુચરે કહ્યું છે કે વિન્ડૉઝ, લિનક્સ અને યુનિક્સ તમામ માટેનાં વીએલસીનાં સંસ્કરણોમાં આ ભૂલ રહેલી છે. જોકે મેક ઓએસ માટેના સંસ્કરણમાં આ ચૂક જોવા મળી નથી. પરંતુ ઉપરોક્ત ત્રણેય ઑએસ, ખાસ કરીને વિન્ડૉઝ વધુ વપરાય છે તે જોતાં વીએલસીના લીધે કમ્પ્યૂટર અને મોબાઇલ વધુ અસુરક્ષિત ગણી શકાય.
પરંતુ તમને જો વીએલસી વગર ચાલે તેમ ન હોય તો?
તો પછી તમારે રાહ જોવી જોઈએ કે વીએલસીની કંપની આ ચૂકને દૂર કરે અને તમને અપડેટ આપે. અને હા, ત્યાં સુધીમાં તમારું કમ્પ્યૂટર કે મોબાઇલ કોઈ હૅકરનું નિશાન ન બને! જોકે વિનફ્યૂચરનો ઉપરોક્ત રિપૉર્ટ આવ્યા પછી જો તમે તરત જ આ વાંચવાનું પડતું મૂકીને તમારા કમ્પ્યૂટર પર કે તમારા મોબાઇલ પર વીએલસી સૉફ્ટવેર કે ઍપ દૂર કરવા જતા હો તો તે પહેલાં આ મિડિયા પ્લેયરની કંપનીએ કરેલી સ્પષ્ટતા પણ વાંચી જજો.
આ રિપૉર્ટ આવ્યા પછી વીએલસી પ્લેયરની કંપની વિડિયોલેને ટ્વિટર પર સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે આ રિપૉર્ટ મિડિયા પ્લેયરના જૂના સંસ્કરણ (વર્ઝન) પર આધારિત હતો. તે પછી પ્લેયર અપડેટ કરાયું છે અને આથી ૧૬ મહિના પહેલાં જે કંઈ ખામી હતી તે દૂર કરી દેવાઈ છે. કંપનીએ ટ્વિટર પર આમ કહ્યું,
આમ, વિડિયોલેનનું કહેવું છે કે હવે કોઈ સમસ્યા નથી. તમતમારે બિન્દાસ્ત રીતે વીએલસી મિડિયા પ્લેયરનો ઉપયોગ કરો અને તમારે જે વિડિયો જોવા હોય તે જુઓ. આજે વિડિયો એ આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની ગયા છે. વૉટ્સએપમાં એટલા વિડિયો આવે છે તે જોવા હોય તો વીએલસી મિડિયા પ્લેયર સારું રહે છે. કમ્પ્યૂટરમાં પણ ફિલ્મ કે તમારો મનગમતો શૉ જોવા માટે વીએલસી સારું છે. પરંતુ તેના માટે હવે પછી આપણા મનમાં દ્વિધા રહેશે કે વીએલસીથી આપણો ડેટા ચોરાઈ તો નહીં જાય ને?
હવે વીએલસીની કંપની વિડિયો લેને તો સ્પષ્ટતા કરી દીધી છે, પરંતુ તેને પ્રશ્ન પૂછવાનું મન થાય કે માની લઈએ કે વિનફ્યૂચરનો રિપૉર્ટ વીએલસીના જૂના સંસ્કરણ પર આધારિત હતો અને હવે તમે વીએલસીની નબળાઈ દૂર કરી દીધી છે. પરંતુ જૂનું સંસ્કરણ જ્યારે જે સમયે લોકો ઉપયોગમાં લેતા હતા ત્યારે ડેટા ચોરી થઈ શકતી હતી ને. જો આ રિપૉર્ટ ન આવ્યો હોત તો? એટલે સૉફ્ટવેર અને મોબાઇલ ઍપ બનાવનારાઓએ એવી કોઈ ટેસ્ટિંગ પ્રણાલિ વિકસાવવી જોઈએ જેમાં આ પ્રકારનાં છિંડાંની જાણ થઈ જાય અને તે બજારમાં મૂકાતા પહેલાં જ દૂર થઈ જાય.