કોરોનાયુગ: તાવ ઉપર બાજ-નજર રાખવા થર્મલગન સિવાય કોઈ સાધન ખરા?

“કોવિડ-૧૯નાં દર્દીઓને માત્ર તાવ દ્વારા જ પારખી શકાતા નથી“; આવો સ્પષ્ટ અભિપ્રાય આપનાર બીજા કોઈ નહીં પરંતુ અમેરિકાનાં લોસ-એન્જલસ ખાતેની “યુનિવર્સીટી ઓફ કૅલિફૉર્નિયા”નાં પ્રોફેસર “જેમી-સ્મિથ-લોઇડ” છે. તેઓ ચેપી વાયરસ અંગે રીસર્ચ કરતી ટીમનાં એક સીનીયર સભ્ય અને નામાંકિત વૈજ્ઞાનિક છે. વિશ્વભરમાં સાવર્જનિક સ્થાનોએ જે રીતે ટેમ્પરેચર સ્ક્રિનીંગનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તે બાબતે “ધી વૉશિન્ગટન પોસ્ટ” અખબારે લીધેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે બેધડક આવું જાહેરમાં જ કહી દીધેલું. પ્રશ્ન અહી એ ઉપસ્થિત થાય છે કે જો આ વાતમાં વૈજ્ઞાનિક તથ્ય હોય તો દુનિયાનાં મોટા ભાગનાં દેશો ટેમ્પરેચર સ્ક્રિનીંગનો આગ્રહ શા માટે રાખી રહ્યા છે?

શરીરમાં કોઈપણ પ્રકારનો ચેપ વધી જાય એટલે તાવ તો આવે જ એ માનવશરીરની એક ખાસિયત છે. કોરોના જે રીતે દુનિયાનાં ખૂણેખૂણે ફેલાયો છે તે જોતાં આ તાવ કોરોનાનાં ચેપથી જ આવ્યો છે તેવી શંકાને આધારે સાવચેતી રાખવાની સલાહ “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન” અને “સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન” નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ દરેક સરકારોને આપેલી છે. દુનિયાભરનાં મોટાભાગના દેશોમાં સાવર્જનિક સ્થળોએ અવરજવર કરી રહેલા લોકોનાં તાવ આ કારણે જ માપવામાં આવી રહ્યા છે અને તે માટે થર્મલગન નામનું સાધન ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.

શરૂઆતમાં તો બંદુક જેવી દેખાતી આ થર્મલગન સામે ઉભા રહીને તાવ મપાવવામાં લોકોને સારું એવું મનોરંજન મળ્યું. પણ; કાયમ માટે આ રીતે જ લાઈનમાં ઉભા રહીને સમય બગાડવો સહેલો નથી તે માપનારા અને મપાવનારા બન્ને લોકોને સમજાઈ ગયું છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ વિગેરે જગ્યાએ થર્મલગનથી ટેમ્પરેચર માપ્યા પછી જ હવે પ્રવેશ અપાતો હોવાથી પ્રવાસીઓને ખૂબ જ વહેલા પહોંચી જવું પડે છે. દરેક વ્યક્તિનું ટેમ્પરેચર વારાફરતી માપવાનું હોવાથી ઓફિસો કે ફેકટરીઓ સમયસર શરુ થઇ શકતી નથી. થીએટર કે મલ્ટીપ્લેક્સનાં પ્રવેશદ્વારે આ પધ્ધત્તિથી તાવ માપીએ તો દર્શકો અડધો શો પૂરો થઇ જાય પછી માંડ અંદર પહોંચે. સ્કૂલ-કોલેજોમાં જ્યાં વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં ભણતાં હોય ત્યારે આ રીતે ક્રમશ: તાવ જો  માપીએ તો સમયસર વિદ્યાર્થીઓ લેકચરમાં હાજર જ ન રહી શકે. આ બધા ઉદાહરણોને ધ્યાને લેતા  આપણી માટે એ સમજવું જરા પણ મુશ્કેલ નથી કે  થર્મલગન સારું સાધન હોવા છતાં તેનો ઉપયોગ દરેક સ્થળે વ્યવહારુ બની શકતો નથી.

થર્મલગનનાં વિકલ્પે અન્ય કોઈ ડીવાઇસીસનો ઉપયોગ કરી શકાય ખરો?:

વ્યક્તિઓનાં ટેમ્પરેચર ક્રમવાર માપવાનું જે સ્થળોએ વ્યવહારુ ન હોય ત્યાં થર્મલ ઇમેજિંગ કેમેરા સાથેનાં કિઓસ્ક અને ટ્રાયપોડ ઉપયોગમાં લઇ શકાય છે. ઘરઘરાઉ અથવા દુકાન કે ઓફિસ માટે કોમ્પ્યુટર્સ, લેપટોપ અથવા ટેબ્લેટ સાથે USBથી કનેક્ટ થતાં થર્મલ સેન્સરથી સજ્જ વેબકેમ પણ વાપરી શકાય છે. રેસીડેન્શીયલ સોસાયટીઓમાં લીફ્ટ માટે રાહ જોઈ રહેલા લોકોનું ટેમ્પરેચર માપવા લીફ્ટના વોલ-માઉન્ટ સોકેટ્સમાં માઈક્રો કેમેરા પણ હવે ફીટ કરી શકાય છે. ટેમ્પરેચર માપી આપતા આવા કેમેરાઓ ટેક્નિકલ ભાષામાં “પાયરોમીટર” તરીકે ઓળખાય છે અને તાવ માપવાની આ પધ્ધત્તિને “થર્મોગ્રાફી” કહેવાય છે.

રોબોટ, ડ્રોન, હેલ્મેટ, સીસીટીવી કૅમેરા, વોક-થ્રુ કેબીન જેવા સાધનોમાં થર્મલ ઇમેજિંગ સેન્સર સાથેનાં કેમેરાઓ ફીટ કરીને તેનો વ્યવહારુ ઉપયોગ કરવાનું ચલણ સમગ્ર દુનિયામાં પૂરઝડપે વધી રહ્યું છે. ઈટાલીનાં ઘણાં વિસ્તારોમાં ડ્રોન દ્વારા જાહેરમાં આમતેમ ફરતા લોકોનાં શરીરનું ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે. યુરોપનાં અનેક શહેરોનાં બગીચાઓમાં રોબોટ ફરતાં મૂકી દેવામાં આવ્યા છે જે મુલાકાતીઓનો તાવ બગીચામાં ઇધરઉધર ફરતા-ફરતા સતત માપ્યા જ કરે છે. ચીન અને દુબઈ સહિતના બીજા અનેક દેશોમાં જાહેર સ્થળોએ તહેનાત પોલીસ જવાનોને  ખાસ પ્રકારની હેલ્મેટ આપવામાં આવી છે.

આસપાસ ફરી રહેલા લોકોનાં શરીરનું તાપમાન આ હેલ્મેટમાં ફીટ કરેલાં સેન્સર દ્વારા પોલીસકર્મી જોઈ શકે છે. ચીનની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ પ્રવેશદ્વાર પાસે ઈન્ફ્રારેડ બોડી ટેમ્પરેચર સ્કેનર સાથેની વોક-થ્રુ કેબીન મૂકી છે. અંદાજે ત્રણ હજાર જેટલાં વિદ્યાર્થીઓ ત્રીસ મીનીટ જેવાં ટૂંકા સમયમાં આ કેબીનમાંથી આસાનીથી પસાર થઇ શકે છે. સાઉથ કોરિયામાં અનેક સરકારી અને જાહેર સ્થળોએ ઈન્ફ્રારેડ થર્મલ ઇમેજિંગ કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. અમેરિકાની અનેક હોટેલોએ સાદા CCTV કેમેરાઓને બદલીને થર્મલ સેન્સર્સ સાથેના કેમેરા ગોઠવી દેવાનું શરુ કરી દીધું છે. જયારે કોઈ તાવગ્રસ્ત વ્યક્તિ આ પ્રકારનાં સાધનોની સામેથી અથવા નીચેથી પસાર થાય ત્યારે સાયરન અથવા  એલાર્મ વાગે તેવી ગોઠવણ આ સાધનોમાં કરાયેલી હોય છે.

કેટલીક કંપનીઓએ તો કેટલીક વિશિષ્ઠ સુવિધાઓ સાથેનાં કેમેરાઓ પણ માર્કેટમાં લૉન્ચ કરી દીધા છે. આમાં તેઓએ થર્મલ સેન્સર્સ, માસ્ક ડીટેકશન સેન્સર્સ, સોશિયલ ડિસ્ટન્સીગ સેન્સર્સ અને ફેઈસ ડીટેકશન સેન્સર્સ એકસાથે ગોઠવી દીધા છે. જ્યાં એક સાથે અનેક લોકો ઉપર એકદમ કડકાઈપૂર્વક નજર રાખવાની જરૂર હોય ત્યારે આવા ઓલ-ઈન-વન કેમેરાઓ ખૂબ જ ઉપયોગી નીવડે છે.

આપણાં દેશમાં નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC)નાં ટેક્નિકલ માર્ગદર્શન નીચે થર્મલ સેન્સર સાથેનાં કેમેરાઓનાં ઈન્સ્ટોલેશન અનેક સ્થળોએ હવે શરુ થઇ ચૂક્યા છે. તાજેતરમાં જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલયમાં આ પ્રકારનું સેટઅપ ગોઠવાઈ રહ્યાનાં સમાચાર પ્રસાર માધ્યમોમાં ચમક્યા હતા. મુંબઈ પોલીસ પણ લાર્સન એન્ડ ટુર્બોનાં સીસીટીવી ડિવિઝન સાથે આ પ્રકારનાં કેમેરાઓનો ડ્રોન અને અન્ય સાધનો ઉપર ફીટ કરીને ઉપયોગ કેવી રીતે કરવો તેની મસલતો કરી રહી છે.

રીમોટ થર્મલ સ્કેનર ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે:

શરીરમાંથી ઉત્સર્જિત થતી અદ્રશ્ય ઇન્ફ્રારેડ એનર્જી દ્વારા વ્યક્તિનાં શરીરનું તાપમાન કેટલું છે તે આ ટેકનોલોજીથી સજ્જ સેન્સર્સ પારખી લે છે. અલગ-અલગ ક્ષમતાનાં સેન્સર દ્વારા ટૂંકા, મધ્યમ અને લાંબા અંતર સુધી આ રીતે તાપમાન માપી શકાય છે. જયારે કોઈ જીવિત વ્યક્તિનું તાપમાન ૧૦૦.૪ ફેરનહીટથી વધુ આવે ત્યારે મોનીટરીંગ કરી રહેલાં સુપરવાઈઝરને આ ટેક્નોલોજી દ્વારા ક્ષણમાત્રમાં જ એલાર્મ થકી ચેતવણી આપવામાં આવે છે.

આ ટેકનોલોજી ઝડપી પવન, સીધો સૂર્યપ્રકાશ અથવા વરસાદી માહોલમાં ટેમ્પરેચર ચોક્કસપણે માપી શકતી નથી તેવી વપરાશકારોની છૂટીછવાઈ ફરિયાદ હોવા છતાં; તેમાં વધુ મોટો ફરક આવતો ન હોવાથી આ ટેક્નોલોજીનો સાર્વત્રિક સ્વીકાર થયેલો છે. મેડીકલ ક્ષેત્રનાં લોકોનું કહેવું એવું છે કે “આ રીતે મપાતું ટેમ્પરેચર શરીરની અંદરનું નહી પણ ચામડીનું હોવાથી અમારે આ ટેકનોલોજીનો ખાસ કોઈ ઉપયોગ નથી”. આ ફરિયાદ કોઈ ધ્યાને એટલે લેતું નથી કારણકે આ ટેક્નોલોજી દર્દીને લાગુ પડેલા રોગનાં નિદાન અને સારવાર માટે વાપરવાની હોતી પણ નથી.

થર્મલ ઇમેજિંગ સ્કેનર આધારિત પ્રોડક્ટ્સનાં શોધ-સંશોધનમાં કાર્યરત કઈ કઈ સંસ્થાઓ છે તે ગૂગલ કરવાથી તમને Testo, Axis Communications, Seek Thermal, Thermoteknix Systems, Tonbo Imaging, AMETEK Land, STARLINK INDIA, L3Harris Technologies, Leonardo S.p.A., Thermocam, ZICOM અને અન્ય અનેક કંપનીઓની ઘણી વેબસાઈટો  જોવા મળશે, જેમાંથી તમને અનુકૂળ હોય તેવી એકાદી પ્રૉડક્ટ તો મળી જ રહેશે.

શું ટેકનોલોજીનાં ઉપયોગથી કોરોના જેવો ચેપી રોગ ફેલાતો અટકી જશે?

રીમોટ થર્મલ સ્કેનર ટેકનોલોજી દ્વારા આપણે તાવગ્રસ્ત વ્યક્તિઓને પળભરમાં પારખી શકીએ છીએ તે એનો એકમાત્ર ફાયદો છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તારવી લેવાયેલા દર્દીઓને તેમના ઘરમાં અથવા અન્ય અધિકૃત સ્થળોએ કવોરનટાઈન કરીને અન્ય લોકો માટે જોખમરૂપ બનતા અટકાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો જ આ આખી એકસરસાઈઝનો સાચો ફાયદો લઇ શકાય તે આપણે ભૂલવું જોઈએ નહીં.

કોરોનાનાં બહાને વિવિધ દેશોએ પાથરેલી આ એક જાસૂસીજાળ છે તેમ કહીને દુનિયાનાં માનવાધિકાર અને પ્રાયવસીના ચળવળકારો પણ આ ટેકનોલોજી સામે વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ; આ ટેકનોલોજીનો અન્ય કોઈ વિકલ્પ હાલમાં ઉપલબ્ધ ન હોવાથી દુનિયાના એકપણ દેશે આવા કોઈ વિરોધને અત્યાર સુધી ગણકાર્યો નથી.

આવનારા કેટલાં સમય સુધી રીતે તાવ માપવાનું જરૂરી બનશે:

માનવશરીરની રચના જ એ પ્રકારની છે કે કોઈપણ બેક્ટેરીયલ કે વાયરલ ઇન્ફેકશન વધે એટલે તાવ આવે. માનવજાત ઉપર આગામી સમયમાં કોરોના પ્રકારનો કોઈ બીજો હુમલો થાય તો ચેપ ફેલાતો અટકાવવા માટે “થર્મોગ્રાફી” કરતાં રહેવાની પ્રથા ઉપયોગી છે અને રહેવાની છે. આપણે જેની અહીં માહિતી મેળવી તેવાં અને તેનાથી પણ વધુ વૈવિધ્યતા સાથેનાં સાધનો શોધાતાં રહેશે અને એક “ન્યૂ નોર્મલ” તરીકે તાવ માપવાની સિસ્ટમ ચાલુ જ રહેશે તેવું અત્યારે તો લાગી રહ્યું છે.

(લેખક: પુનીત આચાર્ય સોમપુરા)