ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓએ ત્યાંના 50 શહેરોમાં 5G નેટવર્કની શરૂઆત કરી દીધી છે.
ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓ અનુક્રમે ચાઈના સેલ્યુલર, ચાઈના ટેલિકોમ, ચાઈના યુનિકોમ કંપનીઓએ ત્યાંના મુખ્ય શહેરો બીજીંગ તેમજ શંઘાઈ સહિતના 50 શહેરોમાં 5G નેટવર્કની શરૂઆત કરી દીધી છે.
આ 5G ઈન્ટરનેટ પ્લાનના 1 મહિના દીઠ 128 યુઆન એટલે કે 1,290 રૂપિયા ચૂકવવાના આવે છે. ચીનમાં દુનિયાનું પહેલું 5G નેટવર્ક ઝેજિયાંગ પ્રાંતના વુઝેન શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે. વુઝેન શહેરના ખૂણે ખૂણે 5G નેટવર્ક પહોંચાડવામાં આવ્યું છે. આ નેટવર્ક 4Gની તુલનામાં 1000 ગણું વધું તેજ છે. એટલું તેજ કે, 8 GBની ફિલ્મ પણ ડાઉનલોડ કરવામાં ફક્ત છ સેકંડનો સમય લાગે છે.
એટલું જ નહીં, ચીનના સરકારી અધિકારીઓએ વુઝેન શહેરની પ્રસિદ્ધ નહેરોની સફાઈ માટે પણ 5Gથી સ્વચાલિત નૌકાઓને પણ ચાલુ કરી દીધી છે. ઉપરાંત, ત્યાં 50થી વધુ આવાં ઓટોમેટિક પ્રોજેક્ટ લાઈનમાં છે. જેમાં, સ્વચાલિત કાર તેમજ વર્ચુઅલ ફિટીંગ રૂમનો સમાવેશ છે. વુઝેનનો ચીની અર્થ ‘ડાર્ક ટાઉન’ છે, જેની આબાદી 1 લાખની છે. ચીની સરકારે અહીં જ વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું.
ચીની સરકારે આ વર્ષના જૂન મહિનામાં જ 5G નેટવર્કને લીલી ઝંડી આપી દીધી હતી. ચીનના એમઆઈઆઈટીના મંત્રી મિયાઓ વેઈએ કહ્યું કે, ‘અત્યારે 5G નેટવર્ક અંતર્ગત ફક્ત ચાઈના ટેલિકોમ, ચાઈના મોબાઈલ, ચાઈના યુનિકોમ તથા ચાઈના રેડિયો અને ટેલિવિઝન જ પોતાની સેવાઓ આપી રહ્યાં છે.‘
હુઆવૈની મદદથી ચીનના શંઘાઈ શહેરનું હોંગકિયાઓ રેલ્વે સ્ટેશન પહેલું 5G રેલ્વે સ્ટેશન બની રહ્યું છે. જે આવતાં વર્ષની શરૂઆતમાં જ 5G નેટવર્ક વાપરતું થઈ જશે.
આ જ વર્ષના મે મહિનામાં 5G સ્માર્ટ મોલ ખોલવામાં આવ્યાં છે. જેમાં ફેસ રેકગ્નેશન કેમેરા, રોબોટ વગેરેનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીંના 12 માળના લક્ઝરી એલ-મોલમાં તો 5G સંચાલિત 3ડી ચશ્મા દ્વારા મૂવી જોવાનો આનંદ લઈ શકાય છે.
5G નેટવર્ક સ્થાપીને ચીન અટક્યું નથી. એનું લક્ષ્ય તો અમેરિકા તેમજ પશ્ચિમી દેશોને પાછળ મૂકીને આગામી પેઢીની દૂરસંચાર ટેક્નોલોજીનું વૈશ્વિક નેતૃત્વ કરવાનું છે.
શું છે આ જી પ્રણાલી?
જી પ્રણાલીની શરૂઆત 1980માં મોબાઈલ ફોન સેવા સાથે જ શરૂ થઈ. જેમાં, એનાલોગ ડેટાને ફોન કોલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવતું હતું. વર્ષ 1998માં 2જી નેટવર્ક આવ્યું. જેના થકી કોલ ઉપરાંત ટેક્સ્ટ મેસેજની પણ આપ-લે થવા લાગી. તેમજ વર્ષ 2001માં 3જીના આવવાથી મોબાઈલ ફોનમાં જ ઈન્ટરનેટ એક્સેસની સુવિધા પ્રાપ્ત થઈ ગઈ. વર્ષ 2008માં 4જીના આગમનથી ઈન્ટરનેટ ફાસ્ટ એક્સેસ થવાથી ઓનલાઈન વિડીયો તેમજ ડેટા ઝડપથી ડાઉનલોડ થવામાં મદદ મળી.
ભારતમાં 5G નેટવર્ક ક્યારે શરૂ થશે?
ભારત પણ દુનિયાના દેશો સાથે હરણફાળ ભરવા તૈયાર છે. ભારતમાં 5જી નેટવર્ક લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયાં છે. TRAI વર્ષ 2019-20 સુધીમાં 5G સ્પેક્ટ્રમ માટેની લીલામી શરૂ કરી દેશે. બહુ જ જલ્દી દેશના એક લાખ ગામ પણ ડિજીટલ બની જશે. 5G સ્પેક્ટ્રમના ટેસ્ટિંગ માટેની તૈયારીઓ આવનારાં 100 દિવસોમાં શરૂ કરી દેવાનું ભારતનું લક્ષ્ય છે.