‘બંસીકાકા’ના હુલામણા નામે ઓળખાતા, પાર્ટીના ‘ભામાશા’ તરીકે જાણીતા બંસીભાઈ પટેલની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
બાળપણ (અમદાવાદ) ખાડિયામાં, મોટાભાગનો સમય મોસાળમાં, મામા બાબુભાઈ મૂળચંદ પટેલ પાસે વિતાવ્યો. મામા હિન્દુ મહાસભામાં (હિન્દુ વિશ્વ પરિષદમાં) સક્રિય, બંસીભાઈ એસએસસીના અભ્યાસ પછી તરત કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જોડાયા. અગ્રવાલ સમાજને ભેગો કર્યો, કોઈપણ જાતની અપેક્ષા વગર વર્ષો સુધી સમાજનું અને પાર્ટીનું કામ કર્યું. મહાગુજરાતની ચળવળમાં સક્રિય ભાગ લીધેલો. એકવાર ગોળી ખભાની બાજુમાંથી પસાર થઈ ગઈ અને તેઓ બચી ગયા! જરૂરના સમયે 108 સભ્યોની ખાડિયા ફૂટપાથ પાર્લામેન્ટ બનાવી હતી! તેઓ અમદાવાદ શહેરના વાઇસ-પ્રેસિડન્ટ રહી ચુક્યા છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
ક્યારેય નિવૃત્ત થયા જ નથી! સમાજસેવામાં, ટિફિન-સેવામાં, લોકોને આર્થિક મદદ કરવામાં કાયમ આગળ! સરકારી-મદદથી ઘણી બહેનોને નાસ્તા-ખાખરાના ગૃહ-ઉદ્યોગ ચલાવવામાં સહાય કરી છે. વસ્ત્રાપુર-લેક સીનીયર સીટીઝન સેવા મંડળ સ્થાપ્યું અને તેમાં આજીવન ચેરમેન તરીકેની જવાબદારી સ્વીકારી. યુનાઇટેડ કોપરેટીવ બેંક અને બીજી બે બેન્કોમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી. વસંત ગજેન્દ્ર ગડકર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સરકારી સ્કીમોનો લાભ આમ-નાગરિકો યોગ્ય રીતે લઈ શકે તે માટે તેઓ જરૂરી સલાહ-સૂચનો આપે છે (મા-કાર્ડ માટે ખાસ). કોરોના દરમિયાન ઘણા લોકોને મદદ કરી. કોઈને કંઈ પણ મુશ્કેલી હોય તો મદદ કરવા દોડી જાય.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
સવારે ઊઠી છાપા વાંચે. ખાસ તો બેસણા વાંચે! અને પછી પ્રાર્થના સભામાં જાય. મંદિરે જાય, હોસ્પિટલમાં ખબર કાઢવા જાય, બીમાર મિત્રો કે ઓળખીતા લોકોને મળવા જાય. બહુ સોશિયલ!
ઉંમર સાથે નાનાં-મોટાં ઘણાં ઓપરેશન થયાં છે, પ્રોસ્ટેટનું, હર્નિયાનું, મોતિયાનાં વગેરે….. પણ વિલપાવર સોલિડ છે. તકલીફો વચ્ચે અડીખમ ચાલી શકે છે. નાની-મોટી કસરત કરે છે. આયુર્વેદમાં ઘણું માને છે. 95મી વર્ષગાંઠને દિવસે આયુર્વેદનો કેમ્પ યોજ્યો હતો અને તુલસીના ક્યારા બધાને ભેટમાં આપ્યા હતા!
શોખના વિષયો :
એકદમ શોખીન! મિત્રો અને કુટુંબીઓ ‘જવાન ડોસલો’ કહે! ફોટો પડાવવાનો ઘણો શોખ! જુનાં ફિલ્મી-ગીતો સાંભળવાનો અને ખાવા-પીવાનો શોખ. વાંચવું ગમે. ગાડી ડ્રાઈવ કરવી ગમે. તેર વર્ષની ઉંમરથી ગાડી ચલાવતા. ઉતરાણમાં પતંગ ચગાવવાનો જબરો શોખ. કપડાં વ્યવસ્થિત જ પહેરે. તૈયાર થવાનો અને પરફ્યુમનો શોખ! એકદમ ઓપન માઈન્ડેડ. 1950ની સાલમાં ચંદ્રમાલિકાબેન સાથે પ્રેમ-લગ્ન કર્યા હતા! હમણાં દોઢ વર્ષ પહેલાં તેમનો સાથ ખોયો. દીકરાના લગ્નમાં પણ ‘કંકુ અને કન્યા’નો સિદ્ધાંત! દર-ગુરુવારે બ્રહ્માકુમારી સંસ્થામાં જાય છે. અમદાવાદ ખાતેની શાખા શરૂ કરાવવામાં તેઓ સક્રિય હતા. અમદાવાદની ઓળખરૂપ બની ગયેલ “સપ્તક”ની શરૂઆત માટે પણ તેઓ ખૂબ સક્રિય હતા. મંજુબેન હજુ પણ અઠવાડિયે ફોન કરે અથવા મળવા આવે!
યાદગાર પ્રસંગ:
લેમ્બ્રેટા સ્કુટર પર શંકરસિંહ સાથે નરેન્દ્રભાઈ ખભે બગલ-થેલો ભેરવીને ઘરે આવતા તે યાદ છે. બાજપાઈજી અને અડવાણીજી સાથેના પ્રસંગો કેમ ભૂલાય? અશોક ભટ્ટ સાથે ઘણું કામ કર્યું. જનસંઘ માટેનું મકાન ઊભું કરાવ્યું. એવું તો કેટલું યાદ કરીએ?
1983-84માં બંસીકાકાએ રાયપુર ચકલામાં હજારેક યુવાનોને ભેગા કરી રાત્રી-ક્રિકેટ-મેચનું આયોજન કર્યું. વિશ્વની આ સૌથી પહેલી રાત્રી-ક્રિકેટ-મેચ હશે! યુવાનોમાં આ નવા કોન્સેપ્ટની સાથે-સાથે સંપ કેળવાયો, યુવાનોને નોકરી અપાવી. પછીની ચુંટણીમાં પક્ષનું સારું પ્રદર્શન રહ્યું. મ્યુનિસિપાલિટીની ચુંટણીમાં પહેલીવાર સત્તા પર આવ્યા.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
કાયમ મિત્રો અને કુટુંબીઓથી ઘેરાયેલા રહે છે! ઘરના અને સમાજના યુવાનો સાથે બહુ સારા સંપર્કમાં છે. તેમના બધા મિત્રો નાની ઉંમરના જ હોય! તેમનું માનવું છે કે મિત્રો નાની ઉંમરના હોય તો નવું નવું જાણવા મળે! કેવો ઉમદા વિચાર! આજના સફળ નેતાઓને તૈયાર કરવામાં તેમનું યોગદાન ઘણું મોટું છે!.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. મોબાઈલ અને youtube ઉપરથી પોતાને ઉપયોગી માહિતી સહજતાથી મેળવી લે છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
કંઈ કહેવા જેવું જ નથી. સમાજના સંસ્કાર બદલાઈ ગયા છે! અત્યારે યુવાનોમાં સભ્યતા રહી નથી. તેઓ વડીલોનું માન રાખતા નથી. તેમનું સાંભળતા નથી. વડીલોના અનુભવ વગર આગળ વધવું મુશ્કેલ છે.
સંદેશો :
યુવાનોને માટે ખાસ : તબિયત સાચવજો. વિલાયતી દવાને બદલે આયુર્વેદિક દવાઓ કરજો. વ્યસન છોડજો. બહેનોએ દારૂ-સિગારેટ બિલકુલ લેવા જોઈએ નહીં. ઘરમાં અને પોલિટિક્સમાં વડીલોનું માન જતું રહ્યું છે તે સાચવવું ઘણું જરૂરી છે.