કરિશ્મા શાહ જે દ્રષ્ટિની અક્ષમતા ધરાવે છે, એ ‘ગાઈડ ડોગ્સ’ માટે કામ કરે છે અને પોતાના ગાઈડ ડોગ હરમિસની મદદથી દરરોજ લંડનની અટપટી અન્ડરગ્રાઉન્ડ ટ્યુબ સિસ્ટમ મારફતે મુસાફરી કરે છે.
આ લેખ દ્વારા કરિશ્મા આપણને તેની જિંદગીની એક ઝાંખી કરાવે છે. એ આપણને જણાવે છે કે હરમિસે તેને કઈ રીતે મદદ કરી સ્વતંત્રપણે મુસાફરી કરવાની ક્ષમતા આપી છે; તે ઉપરાંત સહેલાઈથી આવરી શકાય તેવી ટ્રાન્સપોર્ટ નેટવર્કની આવશ્યક્તા વિશે, અને દ્ષ્ટિની ન્યૂનતાવાળાં લોકો, જેમની સાથે ગાઈડ ડોગ છે, તેમને સહમુસાફરો કે અન્ય લોકો કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટેનાં અમુક સૂચનો આપ્યાં છે.
મને જીવનરૂપી ભેટ મળી છે
‘પ્રભુએ આપણને જીવનરૂપી ભેટ આપી છે; પણ સરસ રીતે જીવન ગાળવાની ભેટ તો આપણે જાતે જ આપણને આપવી પડશે.’ વોલ્ટરની આ શીખામણ મારા માટે આદર્શરૂપ બની છે. મારો જન્મ કેન્યામાં થયો હતો અને મારી દ્રષ્ટિની અક્ષમતાને લીધે મારા જીવનમાં સામાન્ય રીતે કરી શકાય તેવી અમુક બાબતોથી હું વંચિત રહી હતી. હરવાફરવા માટે મારે સંપૂર્ણપણે સગાંસંબંધીઓની મદદ લેવી પડતી. એટલે મારી જાતે મુસાફરી કરવી કે મને ગમતાં કાર્યો કરવાં એનો વિચાર સુધ્ધાં કરવો વ્યર્થ હતું. પણ આ જ વાતે મને જીવન જીવવા માટેનો ઉત્સાહ આપ્યો, કે જેથી હું જીવનને સાર્થક બનાવવા માટે કંઈક નવું નવું કરી મારી રોજિંદી જિંદગીમાં જોમ પૂરી શકું.
પણ ક્યારેક જીવન કોઈ નવો જ વળાંક લે છે. જો તમને કશીક વાતમાં દ્રઢપણે વિશ્વાસ હોય તો એ કોઈ ને કોઈ રીતે બનશે જ. મારા માટે આ અવસર આવ્યો જ્યારે મારે કેન્યા છોડી યુ.કે. આવવાનું થયું કેમકે ત્યાં મુસાફરી કરવાની સુગમતા કેન્યા કરતાં ઘણી વધારે વિકસિત હતી. દ્રષ્ટિની ન્યૂનતા ધરાવતાં લોકો પણ લંડનમાં સરળતાથી હરીફરી શકે છે અને દરરોજની નિયમિત પ્રવૃતિઓ કરવા માટે પ્રેરાય છે એ વાતમાં મને અહીં આવ્યા પછી શ્રધ્ધા બેઠી.
મારા ગાઈડ ડોગ હરમિસની સાથે મારી જવાબદારી વધી.
સરળતાથી સ્વતંત્રપણે હરીફરી શકવા માટે ફક્ત સહેલાઈથી વાપરી શકાય તેવું ટ્રાન્સપોર્ટ નેટવર્ક જ હોવું જરૂરી નથી, એની સાથે અસમર્થતા ધરાવતાં લોકો પ્રત્યે જનસમૂહનું વલણ પણ સહાનુભૂત હોવું જરૂરી છે. જે મને લંડનમાં જોવા મળ્યું, અને એ જ કારણે હું યોગ્ય સમયે, મારા માટે ઉપયોગી સુવિધાની માગણી કરી શકી. માર્ચ ૨૦૨૨માં મને મારો પહેલો ગાઈડ ડોગ હરમિસ મળ્યો.
હરમિસ અને હું સાઝેદારીમાં કામ કરીએ છીએ. હું નક્કી કરું છું કે મારે ક્યાં જવું છે, કઈ બસ કે ટ્રેઈન લેવાની છે અને કયે રસ્તે ચાલવાનું છે. ત્યાર પછી હરમિસ મને રસ્તામાં, બસ કે ટ્રેઈનમાં, સ્ટેશનો પર, દુકાનો વગેરે, અને હા, લોકો તરફથી અડચણરૂપ થતાં આવરણો વચ્ચે પણ, સરળતાથી હરવાફરવામાં મદદ કરે છે. આ આવરણો હરમિસ પોતાની નજરથી જોઈ ને તેમાંથી યથાર્થ માર્ગે મને દોરી ને લઈ જાય છે. હરમિસ હું કોઈ સાથે અથડાવું નહીં એની સાવચેતી રાખે છે. આમાં હલનચલન કરતાં આવરણો અને વાહનવહેવાર, તેમ જ સ્ટેશનના પ્લેટફોર્મ પર ક્યાં ઊભી શકાય એનો પણ સમાવેશ થાય છે.
મારા વહાલા હરમિસની સાથેસાથે મારી જવાબદારી પણ વધે છે. આ જવાબદારી ફક્ત મારી જ નથી પણ મારી સાથે મુસાફરી કરતાં અન્ય પેસેન્જરોની પણ છે, એ જો માનશે કે મારી મુસાફરી મારા માટે જરૂરી છે , જેમાં તેમની સહાયતાથી હું મારે મુકામે સહેલાઈથી પહોંચી શકું. લોકોની સહાનુભૂતિ કે મદદ વિના હું મારા મુકામે પહોંચી નથી શકતી. આ લેખ દ્વારા દરરોજની મુસાફરીમાં મને મળતી સહાયતાને લીધે આ નિયમિત બનતી પ્રક્રિયા મારા જીવનનો એક સુખદ અનુભવ બની ગઈ છે જે વિશે હું તમને જણાવું છું.
ગાઈડ ડોગ સાથેનાં લોકો પ્રત્યે, તમે મુસાફરી કરતાં હો, કે પછી એમની જોડે કોઈ પ્રકારનો સંપર્ક કરો, ત્યારે કરવાની અને ન કરવાની વર્તણૂંક વિશે મૈત્રી ભર્યાં સૂચનો
હરમિસને એસ્કેલેટર પર ચડવા- ઉતરવાની તાલીમ અપાઈ છે, પણ એક કૂતરા માટે એ બહુ મુશ્કેલી ભર્યું કામ છે. તે વખતે બીજાં મુસાફરો જે રીતે મને અને હરમિસને એસ્કેલેટર પર ચડવા- ઉતરવામાં જોઈતી જગ્યા અને સમય આપે છે એ બહુ પ્રસંશનીય છે. એટલે કે મને ધક્કો મારી કોઈ આગળ નથી થતું કે તેમનો સમય બગાડવા માટે મને કંઈ અજૂગતું કહેતું. (એમ તો હું પણ ધારું તો તેમને મારો અણગમો શબ્દો દ્વારા ચોપડાવી શકું છું!!)
બસ અને ટ્રેઈનમાં અમુક ‘પ્રાયોરિટી સીટો’ હોય છે જે અશક્ત કે વૃધ્ધ લોકો માટે રાખવામાં આવે છે.
કૃપા કરી આવી સીટ તમારા કરતાં જેને વધુ જરૂરત હોય તેને બેસવા માટે આપો
એક ખૂબ મહત્વની વાત એ છે કે જ્યારે લોકો મને જાતે ઊઠી જઈ ને આવી ‘પ્રાયોરિટી સીટ’ આપે છે તે મારા માટે બહુ મોટી સુવિધા છે. એક તો હું જોઈ શકતી નથી કે કઈ સીટ ખાલી છે ને કઈ નહીં, વળી હરમિસને પણ જગ્યા જોઈએ જ ને! એટલે જ્યારે તમે ગાઈડ ડોગ સાથે કોઈ વ્યક્તિને જૂઓ, ત્યારે છેવાડે મૂકેલી ‘પ્રાયોરિટી સીટ’ તેમને બેસવા માટે આપો, અને તેમના કૂતરાને પણ પૂરતી જગ્યા મળે તેનો ખ્યાલ રાખો.
કામમાં હોય તેવા ગાઈડ ડોગને બોલાવશો કે પંપાળશો નહીં
હવે મને સમજાયું છે કે ગાઈડ ડોગનું ધ્યાન બીજે ન દોરવું જોઈએ એ નિયમ કેટલો સચોટ છે. પણ મને મદદની જરૂરત છે એવું પૂછે તે મને ગમે. આવો સહકાર મારા માટે આવકારદાયક છે, અને હું તે પ્રેમથી સ્વીકારું પણ છું. ક્યારેક વળી કોઈ વ્યક્તિ મને પૂછે કે ‘હું તમારા ડોગને ‘hi’ કહું?’ અને જો તે વખતે મારા અને હરમિસ માટે સંજોગો અનુકૂળ હોય તો હું ‘હા’ પણ પાડું છું. તે છતાં મારી એ ભલામણછે કે માલિકને પૂછ્યા વિના એમના કૂતરાને બોલાવવો કે પંપાળવો નહીં, કારણ કે ક્યારે ક એ માલિકને દિશાસૂચન કરતો હોય તો તે મુંઝાઈ જઈ શકે છે.
હું જ્વલેજ ખરાબ મૂડમાં હોઉં છું, અને ત્યારે મને કોઈની સાથે વાત કરવી ગમતી નથી. જો તમને એવું લાગે તો કૃપા કરી મારી સાથે વાત ન કરશો, હું કદાચ કંઈ અજૂગતું બોલી નાખું! ગાઈડ ડોગ જોઈને લોકોને ક્યારેક તેને પંપાળવાનું મન થાય એ દેખીતું છે, પણ હું એવું સૂચન કરું છું કે મારા જેવી વ્યક્તિ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન ન કરવો અને અમારા ગાઈડ ડોગને એનું કામ કરવા દેવું. આમાં અપવાદરૂપ બે વાત છે- એક તો તમે તેમને તમારી સીટ પર તેમને બેસવા માટે કહેતાં હો, કે પછી કોઈ મુશ્કેલ પ્રસંગે તેમને મદદરૂપ થતાં હો.
બીજાં લોકો તમારી આસપાસ છે તેની સભાનતા કેળવો
હરમિસ બહુ ઝડપથી ચાલે છે, અને હું કોઈ સાથે અથડાઉં નહીં એ માટેનો નિર્ણય તેને ખૂબ ઝડપથી લેવો પડે છે. એટલે જો તમે અમને આવતાં જુઓ તો અમારા રસ્તા પરથી ખસી જજો, નહીંતર અમે તમારી સાથે ભટકાશું!
મારા અંગત વિચારો
રોજિંદા જીવનની ગતિ માટે ઘરની બહાર પગ મૂકી મોકળાશથી હરવાફરવાની સ્વતંત્રતા હોવી અનિવાર્ય છે. હું પણ મને ગમતું જીવન જીવી રહી છું અને દ્રષ્ટિહીન વિભાગ માટે કામ કરી મારા જેવાં લોકોને મદદરૂપ થઈ રહી છું. અલબત, આધુનિક ટેકનોલોજી, સહેલાઈથી વાપરી શકાય તેવું ટ્રાન્સપોર્ટ નેટવર્ક, અને અન્ય લોકોની યોગ્ય વર્તણૂંક વિના આ બધું મારા માટે શક્ય ન બન્યું હોત.
હું દ્રષ્ટિહીન જનસમુદાયને મદદરૂપ થઈ સમાજના હિતનું કાર્ય એટલે જ કરી શકું છું કે મને સમાજ તરફથી ખૂબ સમભાવ મળ્યો છે જેને લીધે મારું આત્મબળ અને કાર્યશીલતા સમૃધ્ધ બન્યાં છે. હું આશા રાખું છું કે તમે ભલે દ્રષ્ટિહીન ન હો, પણ તમારો કરુણાભાવ અમારાં જેવાં લોકો પ્રત્યે વહેવા દેજો. સ્ટીવ મારબોલીએ કહ્યું છે તેમ, ‘કરુણાભાવ દ્વારા જ રૂઝવી શકાય તેવા ઘાવને એક ભલું વર્તન અસર કરી જાય છે.’
(કરિશ્મા શાહ)
Policy and Campaign Manager (London and SE)at Guide Dogs for the Blind
(લેખકની સંમતિથી અને Transport for London ના સૌજન્યથી; ગુજરાતી અનુવાદ: ભદ્રા વડગામા, લંડન)