ગુરુપૂર્ણિમા: પોતાની અંદરના જ્ઞાની અને ગુરુ સાથેના અભેદ્ય સંબંધને જાણવો

‘ગુરુ પૂર્ણિમા’ એ દિવસ છે જ્યારે શિષ્ય પોતાની ‘સંપૂર્ણતા’ પ્રત્યે સજાગ હોય છે. એ દિવસે શિષ્ય પોતાની ‘સંપૂર્ણતા’ની સજાગતામાં ગુરુ અને જ્ઞાનના પ્રત્યે કૃતજ્ઞતાથી ભરપૂર હોય છે. પરંતુ તેની કૃતજ્ઞતા દ્વૈતની નથી હોતી તે ‘અદ્વૈત’ પ્રત્યે હોય છે.

શિષ્યની સંપૂર્ણતાનો દિવસ છે ગુરુ પૂર્ણિમા
આવી જ એક વાર્તા છે. એક ગુરુજી હતા. તેમની પાસે ઘણા લોકો કંઈક ને કંઈક સમસ્યાઓ લઈને આવતા હતા. એક વાર એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેણે કહ્યું,”હું મારી પરીક્ષામાં અસફળ નીવડ્યો,એટલે હું બહુ દુખી છું.”તો ગુરુજીએ તેને જણાવ્યું,”અરે તું તો ઘણો ભાગ્યશાળી છું કે તારી સાથે આવું થયું, હવે તું વધારે મહેનત કરીને ભણીશ”. પછી બીજી કોઈ વ્યક્તિ આવી. તેણે કહ્યું કે મારી પત્ની મને છોડીને જતી રહી છે, તો ગુરુજીએ તેને પણ એ જ જવાબ આપ્યો કે “તું ઘણો ભાગ્યશાળી છું, તને હવે ઓછામાં ઓછું એવું જ્ઞાન તો થયું કે સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ.” સૌથી છેલ્લે એક શિષ્ય આવ્યો અને તેણે કહ્યું,”ગુરુદેવ, હું બહુ ભાગ્યશાળી છું કારણ કે તમે મારા જીવનમાં છો.” ગુરુજીએ તેને કશું કહ્યું નહીં પરંતુ જોરથી એક થપ્પડ મારી. તો એ શિષ્ય આનંદથી નાચવા માંડ્યો.

હકીકતમાં એ શિષ્યને ગુરુની થપ્પડથી એ અનુભૂતિ થઈ કે ‘એ’ અને ‘ગુરુ’ અલગ નથી. ત્યાં કોઈ ‘દ્વૈત’ નથી. જેવી રીતે એક નદી એક સ્થાનથી બીજા સ્થાન સુધી વહે છે, પરંતુ સમુદ્ર પોતાની અંદર જ વહ્યા કરે છે, તેવી જ રીતે શિષ્ય માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ પોતાની સંપૂર્ણતા પ્રત્યે કૃતજ્ઞતાનો દિવસ છે.

ગુરુ શિક્ષણ નહીં પણ દીક્ષા આપે છે
એક શિક્ષક શિક્ષણ આપે છે, જ્યારે એક ગુરુ દીક્ષા આપે છે. ગુરુ તમને માહિતીથી નથી ભરી દેતા, પરંતુ તે તમારી અંદર જીવન શક્તિ જાગૃત કરે છે. ગુરુની ઉપસ્થિતિમાં તમારા શરીરનો કણ કણ જીવંત થઈ જાય છે.એને જ દીક્ષા કહેવાય છે. દીક્ષાનો અર્થ માત્ર માહિતી આપવી એવો નથી,એનો અર્થ છે ‘બુધ્ધિમત્તાનું શિખર’ પ્રદાન કરવું. જ્યાં સુધી જીવનમાં વિવેક નથી આવતો,સહજતા નથી ખીલતી અને પ્રેમ નથી વહેતો ત્યાં સુધી આપણું જીવન અધૂરું રહે છે. આપણા જીવનમાં વિવેક, પ્રજ્ઞા, સહજતા અને પ્રેમ ત્યારે જ આવે છે જ્યારે જીવનમાં જ્ઞાન હોય, આપણે અંતર્મુખી હોઈએ અને આપણું મન શાંત હોય;એ જ ‘ગુરુ તત્વ’ છે.

ગુરુ અને જીવનને અલગ ના કરી શકાય
આપણું જીવન જ ગુરુ તત્વ છે. પોતાના જીવન તરફ ધ્યાનથી જુઓ.તમે જે કંઈ સાચું કે ખોટું કર્યું છે, તે અનુભવોથી જીવને તમને ઘણું શીખવાડ્યું છે. જો તમે તમારા જીવનથી નથી શીખતા તો એનો અર્થ એ છે કે તમારા જીવનમાં ગુરુ નથી. માટે પોતાના જીવનને જુઓ અને જે જ્ઞાન જીવને તમને આપ્યું છે તેનો આદર કરો.

આપણું મન ચંદ્રમા સાથે જોડાયેલું છે,જ્યારે મન જ્ઞાનથી પરિપૂર્ણ થાય છે ત્યારે ગુરુ પૂર્ણિમા થાય છે. જ્યારે આપણું મન જ્ઞાનનો આદર કરવાનું બંધ કરી દે છે ત્યારે આપણા જીવનમાં અજ્ઞાનતા અને અંધકાર આવી જાય છે. ત્યારે પૂનમ નથી રહેતી,અમાસ આવી જાય છે.

 

જે મળ્યું છે તેનો આદર કરવાનો દિવસ છે ગુરુ પૂર્ણિમા
ઘણી વાર આપણે જ પૂર્ણતાથી આપણું મન ફેરવી લઈએ છીએ. ઈચ્છાઓની હરિફાઈમાં દોડ્યા કરીએ છીએ અને જ્ઞાનનો અનાદર કરવા લાગીએ છીએ. આપવાવાળો તો તમને આપી જ રહ્યો છે,તેણે તમને ઘણું આપ્યું છે. તમને ઘણા આશીર્વાદ આપવામાં આવ્યા છે. જો તમે તે બધાનો ઉપયોગ કરશો તો તમને હજી વધારે આશીર્વાદ આપવામાં આવશે. જો તમને બોલવાનું આવડે છે તો તમારી વાણીનો ઉપયોગ આરોપ મુકવામાં કે ફરિયાદ કરવામાં ના કરો, તેનો ‘સદ્ઉપયોગ’ કરો. જો તમે શરીરે રુષ્ટપુષ્ટ હોવ તો સેવા કરો;આ રીતે તમને જે કંઈ મળ્યું છે તેનો ઉપયોગ સમાજસેવા માટે કરો. ઈશ્વર સંસારમાં જ રહે છે. માટે સંસારની સેવા કરવી એ જ ઈશ્વરની પૂજા કરવી છે. જ્ઞાનનું સન્માન કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ થાય છે. જ્યારે તમે આના વિશે સજાગ થઈ જાવ છો ત્યારે આપોઆપ તમારામાં કૃતજ્ઞતા, ભક્તિ અને પ્રેમનો ભાવ જાગૃત થવા માંડે છે.

જાગો અને જુઓ, આપણા જીવનમાં કેટલી મધુરતા, નિષ્ઠા અને પ્રેમ છે. આપણી અંદર જે થાય છે તેને જ આપણે આપણી ચારે બાજુએ પણ મેળવવા લાગીએ છીએ અને પછી તે આપણાથી અન્ય લોકોને મળવા માંડે છે. આ ધરતી પર જેટલા સંત-મહાત્મા, પીર-પયગંબર થયા છે;થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થનાર છે અને એની સાથે જ તમારી પોતાની અંદર જે જ્ઞાની અને જે બુધ્ધ,જે ગુરુનો વાસ છે; તે તમામની સાથે પોતાના અભેદ્ય સંબંધને જાણવો એ જ ગુરુ પૂર્ણિમાનો સંદેશ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)