અમદાવાદ: શહેરમાં વિવિધ વિસ્તારોમાં પહોંચવા માટે મેટ્રો ટ્રેન ખુબ ઉપયોગી નીવડી રહી છે. શહેરના હજારો લોકો મેટ્રો ટ્રેનમાં પરિવહન કરે છે. જ્યારે અમદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરાથી ગાંધીનગરના સેકટર-1 અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ શરુ કરાયો. જેમાં ગાંધીનગર પહોંચવા માટે દર સવા કલાકે મેટ્રો દોડવાય છે, ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રોની ફ્રિકવન્સી વધારવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આવતીકાલે ગુરુવારે ગાંધીનગરના રૂટ પરની મેટ્રો સેવા 6 કલાક માટે બંધ રહેશે.
અત્યાર સુધીમાં અમદાવાદના મોટેરાથી ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન વચ્ચે 1 કલાક અને 20 મિનિટની ફ્રિકવન્સી રાખવામાં આવી હતી. જેની વધુ ફ્રિકવન્સી જરૂરિયાત વધતા GMRC દ્વારા ફ્રિકવન્સી વધારવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી છે. ત્યારે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા આવતીકાલે ગુરુવારે ગાંધીનગરના સેકટર-1 અને ગિફ્ટ સિટી સુધીના રૂટ પર ઈન્સ્પેક્શન કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને 9 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 10.40 થી સાંજના 4 વાગ્યા સુધી આ રૂટ પર મેટ્રો સેવા બંધ રહેશે. ઈન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ ક્લીયરન્સનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જે બાદ માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં આ રૂટ પર દર 30 થી 40 મિનિટે મેટ્રોની સુવિધા વધવાની શક્યતા છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડાવામાં આવતી મેટ્રો ટ્રેનમાં કુલ 14 સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાં હાલના ધોરણે મોટેરા, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઈન્ફોસિટી અને સેક્ટર-1 સુધીના સાત સ્ટેશનમાં પર ટ્રેન શરૂ છે. જ્યારે અન્ય સાત મેટ્રો સ્ટેશનમાં કોટેશ્વર, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા અને કોબા ગામ સ્ટેશન પર કામગીરી શરુ છે. હાલ તો ગાંધીનગરના સેકટર-1 અને ગિફ્ટ સિટી સુધીનો રૂટમાં નિરીક્ષણની કામગીરી બાદ આગામી બે મહિનામાં ટ્રેન દોડાવાશે.