ચીની વાયરસ HMPVની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચુકી છે. ગુજરાત સહિત દેશમાં લગભગ 8 કેસ નોંધાય ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસને લઈ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી, પરંતુ ગુજરાતની કેટલીક સ્કૂલ જાતે જ આગમચેતીના ભાગ રૂપે ગાઈડલાઈન બનાવી લીધી છે. જેમાં શરદી,ખાંસી કે તાવ જેવા લક્ષણ હોય તે વિદ્યાર્થીઓને સ્કૂલે ના આવવા માટે જણાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીઓમાં લક્ષણ જણાય તો તે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવે છે. સ્કૂલમાંપણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ વાયરથી ગભરાવાની જરૂર નથી. પરંતુ બીજી બાજું આ વાયરસની અસર બાળકોમાં જોવા મળે છે એ વાતને પણ આપણે નકારી ના શકીએ. કેમ કે હાલ સુધીમાં જેટલા પણ કેસ નોંધાયા છે એ બધા બાળકોના જ છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને પણ આ ચેપ લાગી શકે છે. પરંતુ કેટલીક સ્કૂલોએ તકેદારીના ભાગરૂપે પોતાની સ્કૂલ માટે જાતે જ ગાઈડલાઇન બનાવી છે. જેનું સ્કૂલ દ્વારા પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. પશ્ચિમ વિસ્તારની કેટલીક સ્કૂલોમાં સ્કૂલ દ્વારા શરદી ખાંસી કે તાવના કારણે બાળક ગેરહાજર હોય તો વાલીઓને બાળક જ્યાં સુધી સાજાના થાય ત્યાં સુધી ઘરે રાખવા જ સૂચના આપવામાં આવી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા કોઈ બાળકને સ્કૂલમાં શરદી,ખાંસી જેવા લક્ષણ દેખાય તો તે બાળકને અલગ કરીને ઘરે મોકલી દેવામાં આવે છે અને જ્યાં સુધી તબિયતમાં સુધારો ના થાય ત્યાં સુધી સ્કૂલે ના આવવા જણાવવામાં આવે છે.આ ઉપરાંત સ્કૂલમાં કોઈ બાળકના લક્ષણ જણાય તો તેને ફરજિયાત માસ્ક પહેરવા પણ સૂચના આપવામાં આવી છે.