નવી દિલ્હીઃ ફોરેક્સ માર્કેટમાં ડોલરને મુકાબલે ભારતીય રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લેતો. ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડોલર સામે રૂપિયો 85.26થી ઘટીને 85.53 બંધ થયો છે.
આ પહેલાં ડોલર સામે રૂપિયો 85.81ની નવી નીચી સપાટીને સ્પર્શી રેકોર્ડ 85.50ના તળિયે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં અમેરિકન ચલણ સામે રૂપિયો 54 પૈસા તૂટ્યો હતો, જે છેલ્લા બે દિવસનો એક દિવસીય સૌથી મોટો કડાકો હતો તો 2024માં 3 ટકા ઘટ્યો હતો અને તે પણ છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. વધુમાં ડોલર સામે રૂપિયો સતત સાત વર્ષથી વાર્ષિક ધોરણે ઘટતો જોવાયો છે…
ડોલર સામે રૂપિયામાં 22 માર્ચ 2024એ એક દિવસીય 48 પૈસાનો ઘટાડો સૌથી મોટો હતો, પરંતુ શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં 54 પૈસા તૂટતાં તે 2 ફેબ્રુઆરી 2023એ જોવાયેલા 68 પૈસા પછીનો સૌથી મોટો નોંધાયો હતો. જોકે છેલ્લે આગલા દિવસની સામે 23 પૈસા ઘટી 85.50 બંધ હતો. છેલ્લા સાત સેશનથી રૂપિયામાં સતત ધોવાણ નોંધાયું છે. રૂપિયા પર દબાણ આવવાનું કારણ મહિનાના અંત અને ત્રિમાસિક ગાળાનો છેલ્લો દિવસ આવતો હોવાથી આયાતકારોની ડોલરની માગમાં થયેલી વૃદ્ધિ હતું. વધુમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ત્રિમાસિક કોન્ટ્રાક્ટના કમિટમેન્ટ પૂરા કરવાના હોવાથી તેને કારણે પણ ડોલરની માગ વધી હતી.
આ સાથે ડોલર ઇન્ડેક્સ બે વર્ષની ઊંચી 108.10ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ સાત મહિનાની 4.62ના ઊંચા સ્તરે છે. બ્રેન્ટ ક્રૂડ પણ 73-74 ડોલરની રેન્જમાં રહ્યું છે. વધુમાં એશિયન કરન્સીમાં ધોવાણની અસર પણ રૂપિયા પર જોવાશે એમ ફોરેક્સ માર્કેટ સાથે સંકળાયેલા વિશ્લેષકોનું કહેવું હતું.
બજારની અટકળો સૂચવે છે કે આરબીઆઇએ આ મેચ્યોરિંગ ફોરવર્ડ પર રોલિંગ કરવાનું ટાળ્યું છે, જેના કારણે ડોલરની અછત અને રૂપિયાનો વધુ પડતા પુરવઠાની સ્થિતિ સર્જાઈ છે. આને કારણે ડોલર લિક્વિડિટી નીચી રહી છે અને બે કરન્સી વચ્ચેનું પેર તેજી સૂચવે છે.