નવી દિલ્હી: ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સરદાર પટેલ વિદ્યાલયની ગણના ફકત દિલ્લીની જ નહિ પરંતુ દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થામાં થાય છે. નવી દિલ્લીના હ્રદય સમાન પ્રસિદ્ધ લોધી ગાર્ડન વિસ્તારમાં વિશાળ પરિસરમાં સ્થપાયેલી આ શાળામાં દિલ્લીના “who is who” પરિવારોના બાળકો અભ્યાસ કરે છે.
સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરી એચ. એમ. પટેલ (હિરૂભાઈ મૂળજીભાઇ પટેલ)ની આગેવાનીમાં દિલ્લીના ગુજરાતીઓએ ગુજરાત એજ્યુકેશન સોસાયટી અને સરદાર પટેલ વિદ્યાલયની સ્થાપના ૧૯૫૮માં કરી. એચ.એમ.પટેલ ચરોતર વિદ્યા મંડળના પણ ચેરમેન હતા. આ જ ચરોતર વિદ્યા મંડળએ બાદમાં વલ્લભ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી જે હવે સરદાર પટેલ યુનવર્સિટી – વલ્લભ વિદ્યાનગરના નામે પ્રસિદ્ધ છે. આવા દીર્ઘદ્રષ્ટાના માર્ગદર્શન હેઠળ રચાયેલી સરદાર પટેલ વિદ્યાલય એક અલગ જ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવે છે.ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ જગદીપ રાણાએ ચિત્રલેખા.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે “60 વર્ષથી વધારે સમયથી અમારી આ શાળા ચાલી રહી છે. સરદાર પટેલ વિદ્યાલયનું નિર્માણ જ રાષ્ટ્રભાવના સાથે કરવામાં આવ્યું હતું. અત્યારે નવી એજ્યુકેશન પોલિસીમાં માતૃભાષા પર ભાર મુકવાની વાત થાય છે. જ્યારે કે આ શાળાની સ્થાપના સમયે જ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી અને માતૃભાષા-રાષ્ટ્રભાષાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. જેના પરિણામે સરદાર પટેલ વિદ્યાલયમાં ગુજરાતી ભાષા પણ શીખવવામાં આવે છે. આખા ભારતમાં કદાચ સરદાર પટેલ વિદ્યાલય જ એક પબ્લિક સ્કૂલ છે, જેમાં ધોરણ ૫ સુધી શિક્ષાનું માધ્યમ હિન્દી છે અને તેમ છતાં વિદ્યાલયમાં એડમિશન માટે પડાપડી થાય છે. દેશના ટોચના રાજકીય નેતા, સિવિલ સર્વન્ટ અને મિડિયા કર્મીઓના બાળકો અમારી શાળામાં ભણે છે.”
હાલમાં જ શાળાના ઓડિટોરિયમનું નવિનીકરણ વિદ્યાલયના ૧૯૮૧ના બેચના વિદ્યાર્થીઓની મદદથી કરવામાં આવ્યું. આ રીફર્બિશડ ઓડિટોરિયમનું ઉદઘાટન ગત ૨૭મી એપ્રિલના રોજ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારતના પ્રસિદ્ધ ‘ગાંધર્વ ગાયક વૃંદ’ (Gandharv Choir)એ પરફોર્મન્સ આપ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત એજ્યુંકેશન સોસાયટીએ દાતાઓનું બહુમાન પણ કર્યું. દાતાઓની સૂચિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડાયરેકટર, કોર્પોરેટ અફેરસ અને રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી પણ છે.