અમદાવાદ: સ્માર્ટસિટી અમદાવાદની મોટાભાગની ફૂટપાથો પર ક્યાંક મંદિર અને તો ક્યાંક આસ્થા કેન્દ્રો જોવા મળે છે. ક્યાંક રેંકડીઓ ને રખડતાં લોકો પણ જોવા મળે. છેલ્લા અમુક વર્ષોથી ફૂટપાથો અને ખાલી જગ્યામાં આસ્થા, પૂજા-અર્ચનાના અઢળક સ્થાનકો ખુલી ગયા છે. ક્યાંક નાની ડેરીઓ પર નાળિયેરના જથ્થા જોવા મળે તો ક્યાંક વૃક્ષો પર રંગબેરંગી સાડીઓ લટકતી દેખાય. અનોખી આસ્થાના અનોખા સ્થાનકો અચાનક જ માર્ગો પર પ્રગટ થાય છે.
અમદાવાદના સરદાર પટેલ કોલોની, નારણપુરા જેવા પોશ વિસ્તારમાં રેલવે લાઈન તરફના માર્ગના એક વૃક્ષ પર લટકતી પાઘડીઓ સૌનું ધ્યાન ખેંચે છે. ફૂટપાથ પર એક પાત્રમાં સતત દીવો પ્રગટતો હોય છે. એ ઝાડને કપડાં લપેટેલા છે. એટલું જ નહીં, આસ્થા ધરાવતાં લોકોએ ઝાડની ફરતે રંગબેરંગી પાઘડીઓ પણ લટકાવી છે.
‘મોજીલા મામા’ ઝાડને અડીને જ આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા એક સજ્જનને પૂછ્યું કે ‘આની સ્થાપના ક્યારે થઈ…?’ તો એમણે કહ્યું: ‘અચાનક…!!’
મેટ્રો, ઈલેક્ટ્રિક બસ, અટલ બ્રિજ, બોટ, વિમાન, હેલિકોપ્ટર, રિવરફ્રન્ટ, G20 અને U20 ના બોર્ડ જેવા આધુનિક દ્રશ્યો સાથે સ્માર્ટસિટી અમદાવાદમાં ફૂટપાથ પર અચાનક જ પ્રગટેલા આવા અનેક ‘ધાર્મિક કેન્દ્રો’ પણ જોવા મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)